લાકડા ચોરોનો પીછો કરતાં RFO સહિત બેના કરૂણ મોત
તાપીમાં લાકડા તસ્કરોનો પીછો કરતી વખતે કન્ટેનર સાથે અકસ્માત, RFO વિકાસ દેસાઈ શહીદ

અકસ્માત સ્થળ અને શહીદ વિકાસ દેસાઈની તસવીર

અકસ્માત સ્થળ અને શહીદ વિકાસ દેસાઈની તસવીર
Accident while chasing wood thieves, 2 dead: તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં જંગલ સંપત્તિની સુરક્ષા માટે ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ માટે સોમવારની વહેલી સવાર કાળરૂપ સાબિત થઈ. કિંમતી લાકડાની ગેરકાયદે હેરાફેરી રોકવા નીકળેલી ટીમે લાકડા ચોરોનો પીછો કરતાં સમયે ગંભીર અકસ્માત સર્જાતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહેવાસી રેહાન ગામિતનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું. સમગ્ર ઘટનાના કારણે વન વિભાગ, RFOના વતન તેમજ તાપી જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાકડા ચોરીની બાતમી મળી હતી
વન વિભાગને તાપ્તી રેન્જ વિસ્તારમાંથી કિંમતી ખેરના લાકડાની ગેરકાયદે ચોરી અને હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે RFO વિકાસ દેસાઈના નેતૃત્વમાં ટીમે વહેલી સવારે દેખરેખ શરૂ કરી હતી. ઉકાઈ તરફથી પસાર થતી શંકાસ્પદ ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ચાલકે વાહન રોકવાને બદલે ઝડપ વધારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.
પીછો કરતા સર્જાયો જીવલેણ અકસ્માત
શંકાસ્પદ વાહનને રોકવા માટે વન વિભાગની ટીમે તેનો પીછો શરૂ કર્યો. સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચતા જ શંકાસ્પદ ઇનોવા એક ઉભેલા કન્ટેનર સાથે જોરદાર અથડાઈ હતી. તેના કારણે પાછળ આવી રહેલી RFO વિકાસ દેસાઈની બલેનો કાર પણ કન્ટેનર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં વિકાસ દેસાઈ અને રેહાન ગામિતને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, વહીવટી અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વાહનમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટના મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષકનું નિવેદન
નાયબ પોલીસ અધિક્ષક ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યે લાકડા ભરેલી ઇનોવાનો પીછો કરવામાં આવી રહ્યો હતો. સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ઉભેલા કન્ટેનર સાથે પહેલા શંકાસ્પદ વાહન અથડાયું અને ત્યારબાદ તેની પાછળ આવતી વન વિભાગની ગાડી પણ અકસ્માતનો ભોગ બની. ઘટનામાં RFO વિકાસ દેસાઈનું મોત થયું છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે.

વનમંત્રીની ભાવભીની શ્રદ્ધાંજલિ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ RFO વિકાસ દેસાઈના વતન જઈને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવિણ માળી પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, વન સંપત્તિ અને પર્યાવરણના રક્ષણ માટે ફરજ બજાવતા એક બહાદુર અધિકારીએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આવા અધિકારીઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે અને તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

પરિવાર પ્રત્યે સંવેદના, કડક કાર્યવાહીની ખાતરી
વનમંત્રીએ શહીદ અધિકારીના પરિવારજનોને સાંત્વના પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમની સાથે છે. સાથે જ વન સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
સમર્પિત અધિકારી તરીકે ઓળખાતા હતા વિકાસ દેસાઈ
સ્વર્ગસ્થ વિકાસ દેસાઈ મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની હતા. તેઓ અગાઉ સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી વન વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેઓ માતા-પિતા, પત્ની અને પાંચ વર્ષના પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ