રાજકોટમાં માનવ જીવનની કિંમત ક્ષણિક આવેગમાં હોમાઈ!
12 વર્ષનો કિશોર હોય કે 70 વર્ષનું વૃદ્ધ દંપતી, મન હારી જતાં જીવતરનો કરુણ અંત લાવી દીધો..

મન હારી જતાં જીવતરનો કરુણ અંત

મન હારી જતાં જીવતરનો કરુણ અંત
આજના આધુનિક યુગમાં જીવન જીવવાનો સંઘર્ષ અને માનસિક સ્થિતિ એટલી નાજુક બની રહી છે કે, હવે ઉંમરના કોઈ પણ પડાવ પર વ્યક્તિ જીવ ટૂંકાવતા અચકાતી નથી. રંગીલા ગણાતા રાજકોટમાં ગત 24 કલાકમાં બનેલી બે ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે.
એક તરફ 12 વર્ષના માસૂમે મોબાઈલના પાસવર્ડ બદલાતા ગળેફાંસો ખાધો, તો બીજી તરફ મનપાના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરે બીમારીથી કંટાળી પત્ની સાથે સજોડે આપઘાત કર્યો.
આ બંને કિસ્સાઓ એક સવાલ ઊભો કરે છે: શું આપણે ધીરજ ગુમાવી રહ્યા છીએ?
બીમારી સામે હારી ગયું નિવૃત્ત દંપતી યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા 70 વર્ષીય રાજેન્દ્રભાઈ લખતરીયા અને તેમના પત્ની પન્નાબેને મોડી રાત્રે ઝેરી દવા પીને સજોડે વિદાય લીધી. રાજેન્દ્રભાઈ રાજકોટ મનપામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેમની સ્યુસાઇડ નોટ હૃદય સ્પર્શી છે, જેમાં તેમણે લખ્યું કે, "સંતાનોએ અમને ખૂબ સુખ આપ્યું છે, કોઈ દેણું નથી, પણ હવે આ બીમારી સામે લડવાની શક્તિ નથી." કોરોના બાદ ડિપ્રેશન અને પત્નીની સતત નાદુરસ્ત તબિયતે આ દંપતીને એ હદે તોડી નાખ્યું કે 70 વર્ષના અનુભવી જીવનનો અંત આ રીતે લાવવો પડ્યો. પતિના અવસાનના માત્ર બે જ કલાકમાં પત્નીએ પણ દમ તોડી દેતા પરિવારે એકસાથે છત્રછાયા ગુમાવી છે.
બીજી તરફ, મોબાઈલનો પાસવર્ડ બદલાતા માસૂમે જિંદગી ટૂંકાવી માલવીયા નગર પોલીસ મથકની હદમાં ધોરણ 7માં ભણતા 12 વર્ષીય સૌરભ પાંડેએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાતનું કારણ એટલું ક્ષુલ્લક હતું કે સાંભળનારની આંખમાં આંસુ આવી જાય. રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતાએ જ્યારે સૌરભના મોબાઈલનો પાસવર્ડ બદલી નાખ્યો, ત્યારે આ બાળકને એટલું લાગી આવ્યું કે તેણે મોતને વહાલું કર્યું. જે ઉંમરે રમવાની અને ભણવાની ક્ષણો હોય, ત્યાં મોબાઈલનું વળગણ જીવલેણ સાબિત થયું.
માનવીય અભિગમની જરૂર આ બંને ઘટનાઓ દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય હવે માત્ર મોટો કે નાનો પ્રશ્ન નથી રહ્યો. વૃદ્ધો જ્યારે એકલતા કે બીમારીના ડિપ્રેશનમાં હોય ત્યારે તેમને વધુ સમય અને હુંફની જરૂર હોય છે, તો બાળકોમાં વધતું જતું સ્ક્રીન એડિક્શન તેમને વાસ્તવિકતાથી દૂર કરી રહ્યું છે.
ક્ષણિક આવેગમાં લેવાયેલા આ નિર્ણયો હસતા-રમતા પરિવારોને ક્યારેય ન ભરાય તેવા ઝખમ આપી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ