ગુજરાત રાજ્યની કેબીનેટ દ્વારા આજ ખેડૂતોને લગતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી પાકમાં થયેલા નુકસાન માટે 1419.12 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં રાજ્યના 20 જિલ્લાના 136 તાલુકાઓના ખેડૂતોની 8.83 લાખ હેકટર જમીનમાં નુકસાન થયો હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે.
ક્યાં જિલ્લામાં ચુકવાશે સહાય
પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોમાં સહાય ચુકવાશે. ૧૨૧૮ જેટલી ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
કેટલી સહાય ચુકવાશે?
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ ઉપરાંત નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂ. ૪૭૫.૭૧ કરોડ, પિયત પાકો માટે રૂ. ૯૪૨.૫૪ કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂ.૧.૩૭ કરોડ મળી કુલ રૂ. ૧૪૧૯.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવશે.
ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.