કચ્છનું રણ બન્યું ફ્લેમિંગો માટે પ્રજનન સ્થળ
આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટીમાં હાલ 30,000થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા

કચ્છનું રણ બન્યું ફ્લેમિંગો માટે પ્રજનન સ્થળ

કચ્છનું રણ બન્યું ફ્લેમિંગો માટે પ્રજનન સ્થળ
કચ્છનું રણ અનેક પ્રકારના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે જે દર વર્ષે ચોમાસા અને શિયાળાના સમય પર અહીં આવી ત્રણથી ચાર મહિના જેટલો સમય રોકાઈ પરત પોતાના વતને ઉડી જાય છે. આ પક્ષીઓમાં વિશેષ ફ્લેમિંગો પક્ષી કે જેને ગુજરાતીમાં સુરખાબ કહેવામાં આવે છે. હાલમાં કચ્છની અંદર 30,000થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા છે જેમનું વનવિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે લાખોની સંખ્યામાં ધ ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે. ફલેમિંગો દર વર્ષે કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ કરે છે અને અહીં ઈંડા મૂકી બચ્ચાને જન્મ પણ આપે છે.કચ્છના રણમાં આવેલ ફ્લેમિંગો સિટી તેમજ અન્ય સ્થળોએ દર વર્ષે અનેક બાળ ફ્લેમિંગો જન્મ લેતા હોય છે. ફ્લેમિંગો પક્ષીઓ ગુલાબી રંગના હોય છે અને તેમની સુંદરતા મનમોહક હોય છે તેમજ લોકોને માટે પણ ખૂબ આકર્ષિત હોય છે.
ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે. જેમાં પણ ખાસ કરીને અંડાબેટ સાઈટ છે ત્યાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળે છે. તો પૂર્વ કચ્છ વનવિભાગ દ્વારા કુડા ખાતે ઊભી કરેલી આર્ટિફિશિયલ સાઈટ છે ત્યાં પણ ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે.સામાન્ય રીતે ચોમાસાના વરસાદી પાણી તેમજ દરિયાઈ પાણીના લીધે ચોમાસાથી શિયાળા સુધી આ રણ વિસ્તારમાં પાણી જોવા મળે છે. ત્યારે અહીંની ક્ષારયુક્ત જમીનમાં ભરાઈ જતું છીછરું દરિયાઈ પાણી ફ્લેમિંગોના વસવાટ, ખોરાક તેમજ પ્રજનન માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે.
દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો કચ્છના મોટાં રણમાં આવેલા અંડા બેટ એટલે કે ફ્લેમિંગો સિટી વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતભરમાં માત્ર આ અંડા બેટ એકમાત્ર સ્થળ છે જ્યાં સુરખાબ આવીને પ્રજનન કરે છે. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા અંડા બેટથી અનેક કિલોમીટર દૂર એક વિશાળ જગ્યામાં એક આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટી ઊભી કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલા ક્યારેય ન થયું હોય તેવા આ પ્રયોગ હેઠળ મોટા રણના કુડા વિસ્તારમાં એક વિશાળ જગ્યાની સપાટી ઊંચી કરી તેમાં આર્ટીફિશિયલ માઉન્ટ બનાવવામાં આવ્યા હતા કે જેથી ફ્લેમિંગો તેમાં પોતાના ઇંડા મૂકી શકે.
પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે,આ વર્ષે 3 થી 4 લાખ ફ્લેમિંગો જુલાઈ મહિનામાં કચ્છ આવી મોટા રણમાં બનાવાયેલા આ આર્ટીફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા જે નવેમ્બર શરૂ થતાની સાથે જ ઉડી ગયા હતા અને હાલમાં માત્ર 30,000થી 40,000 જેટલા ફ્લેમિંગોના બચ્ચા જ છે જેના માટે વનવિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ નવી કુડા સાઈટમાં વનવિભાગના અંદાજ મુજબ 12 થી 15 હજાર ફ્લેમિંગો આવીને વસવાટ શરૂ કર્યું હતું અને હવે 3થી 4 લાખ ફ્લેમિંગો દર વર્ષે અહીં આવે છે. ઉપરાંત અહીં બનાવાયેલા આર્ટીફિશિયલ માઉન્ટમાં ફ્લેમિંગોએ અનેક વખત ઈંડા પણ આપ્યા છે અને હાલમાં જ આ ઈંડામાંથી મોટી સંખ્યામાં બાળ ફ્લેમિંગો જન્મ્યા છે જે હાલમાં એક - દોઢ મહિનાના છે જેઓ પણ ટૂંક સમયમાં અહીંથી ઉડી જશે.
કચ્છનું મોટું રણ કે જે ફ્લેમિંગો માટે ખૂબ પ્રખ્યાત છે દર વર્ષે ફ્લેમિંગો પ્રજનન કરવા માટે કચ્છ આવે છે.સામાન્ય રીતે ફ્લેમિંગો દર વર્ષે જૂન મહિનાના અંતમાં અને જુલાઈ માસ દરમિયાન પોતાની એક્ટિવિટી કરતા હોય છે. ફ્લેમિંગો ખરેખર શિયાળા દરમિયાન નહીં પરંતુ ચોમાસા દરમિયાન આવે છે. જેમાં લેસર અને ગ્રેટર ફ્લેમિંગો આવે છે અને નેસ્ટીંગ કરે છે, ઈંડાઓ મૂકે છે અને બચ્ચાંઓ આવે છે ત્યારે ફરીવાર અહીંથી નજીકના વિસ્તારમાં માઈગ્રેશન કરે છે.
હાલમાં કચ્છની કુડા સાઈટ પર 30થી 40 હજાર બચ્ચાંઓ છે જેના માટે વનવિભાગ દ્વારા નજીકના મીઠા પાણીના તળાવોમાંથી ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે.કારણ કે અહીં જે પાણી ભરાયેલું હોય છે તે જેમ જેમ તડકો વધતો જાય છે તેમ તેમ પાણી સુકાતું જાય છે અને રણ વિસ્તાર હોવાથી સેરેનિટી વધારે હોય છે જેથી તેમને મીઠું પાણી આપવામાં આવે છે.
આ ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયામાં કચ્છના રણમાં મોટી માત્રામાં ફ્લેમિંગો આવ્યા હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે અંગે જણાવતા વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હકીકતમાં આ વિડિયો કચ્છ નહીં ભારતનો જ નથી બીજા દેશનો છે. વિડિયોમા જે રંગના ફ્લેમિંગો છે તે પ્રજાતિના ફ્લેમિંગો કચ્છની અંદર જોવા મળતા નથી.હાલમાં આ વિસ્તારમાં માત્ર ફ્લેમિંગોના નાના બચ્ચાંઓ છે જે વનવિભાગના સુપરવાઇઝનમાં છે.માટે જે વિડિયો વાયરલ થયો છે તે કચ્છનો નથી અને કચ્છની અંદર ફ્લેમિંગોનો આવો કોઈ ગ્રુપ આવ્યો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ