વડોદરા શહેરના આશરે 55 વર્ષથી વધુ જુના પંડયા બ્રિજની નીચેના ભાગ માંથી આજે સવારમાં પોપડા ખરી પડ્યા હતા . આ બ્રિજ પર સૌથી વધુ ટ્રાફિક હોય છે , અને નીચે પણ ટ્રાફિકનું ધમધમાટ ચાલુ હોય છે. બ્રિજના નીચેના હિસ્સામાંથી સવારે પોપડા પડતા ભાગાભાગીનો માહોલ થઈ ગયો . વડોદરાના સામાજિક કાર્યકરોએ સ્થળ પર પહોંચીને આ બ્રિજને જ્યાં જરૂર છે તે સ્થળે તાત્કાલિક રીપેરીંગ હાથ ધરવા કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજની અમુક સ્થળે પેરાપીટમાં પણ તિરાડો જોવા મળે છે. મોરબીમાં ત્રણ વર્ષ અગાઉ બ્રિજ દુર્ઘટના બની હતી, એ પછી વડોદરામાં બધા બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા શાસ્ત્રી બ્રિજ પર પેરાપીટનું રીપેરીંગ કર્યું હતું.
રિનોવેશન કાર્યની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા
વડોદરાના અટલ બ્રિજથી ફતેગંજ વિસ્તારનો જોડતો પંડ્યા બ્રિજ અત્યંત મહત્વનો છે. રોજ પંડ્યા બ્રિજ ઉપરથી અને તેની નીચેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ પંડ્યા બ્રિજ પર કરાયેલી રિનોવેશન કાર્યની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. આજે પંડ્યા બ્રિજના મસમોટા પોપડા રોડ પર નીચે પડ્યા છે. જેને પગલે વાહનચાલકોના માથે મોટું જોખમ આવી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ઘટના અંગે જાણ થતા જ સામાજિક કાર્યકરો દોડી ગયા છે. અને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે.
અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે
સામાજિક કાર્યકર વિજય જાધવે મીડિયાને જણાવ્યું કે, આ સિમેન્ટના પોપડાને હું મ્યુનિસિપલ કમિશનરને ભેંટ આપવા ઇચ્છું છું. જે દર્શાવે છે કે આ બ્રિજની કામગીરી કેટલી કેટલી બોદી કરવામાં આવી છે. વર્ષો પહેલા આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, તે યથાવત છે. અને થોડાક મહિનાઓ પહેલા આ બ્રિજનું જે સમારકામ કરવામાં આવ્યું હતું, તેના પોપડાં ખરી રહ્યા છે. મુદ્દાની વાત છે કે, આ બ્રિજ નીચેથી સ્ટેશનથી લઇને નવાયાર્ડ સુધી ધમધમી રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનો અહિંયાથી પસાર થાય છે. જે રીતે પોપડા પડી રહ્યા છે, તે જોતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
જ્યાં બ્રિજની જરૂર નથી ત્યાં કામ થઇ રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, પંડ્યા બ્રિજ વર્ષો જુનો છે, અને તે સમારકામ માંગી રહ્યો છે. લોકોને જરૂરિયાતના કામોને તંત્રએ પ્રાથમિકતા આપવી જોઇએ. ચાર દિવસ પહેલા બીજી જગ્યાએ પોપડાં ખર્યા હતા. પાલિકા તંત્રની ભૂલ કોઇનો જીવ લે તેવી છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે મીડિયાને જણાવ્યું કે, જે જગ્યાએ બ્રિજની જરૂરત નથી, જે બ્રિજ પર મરામતની જરૂર નથી, ત્યાં કામ થઇ રહ્યા છે. પંડ્યા બ્રિજના પોપડા ખરવા માંડ્યા છે. તે જર્જરિત હાલતમાં છે. આ રાહદારીઓના જીવ સાથે ચેડાં થઇ રહ્યા છે.