રેગિંગે લીધો વધુ એક માસુમ ડૉક્ટરનો જીવ!
સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે કર્યો આપઘાત, 4 સિનિયર ડૉક્ટરો 6 મહિના માટે સસ્પેન્ડ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Surat Civil Hospital Doctor Harsh Pandya Suicide: સુરતની નવી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાત કેસમાં એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે કે મૃતક ડૉક્ટર પોતાના સિનિયરો દ્વારા કરવામાં આવતા સતત માનસિક ત્રાસ અને રેગિંગનો શિકાર બન્યા હતા. સિનિયર તબીબોના અસહ્ય દબાણ અને ટોર્ચરિંગથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે, જેના પગલે સમગ્ર સિવિલ હોસ્પિટલ પરિસરમાં અને તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
હોસ્ટેલના રૂમ નંબર 1005 માંથી મળી આવ્યો મૃતદેહ
મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની 29 વર્ષીય ડૉ. હર્ષ સુભાષચંદ્ર પંડ્યા સુરતની ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના પીજી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા અને સાથે નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કેમ્પસમાં આવેલી જીપી બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 1005 માં રહેતા હતા. 9 ઓગસ્ટના રોજ સવારે જ્યારે ડૉ. હર્ષ પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહ્યા, ત્યારે સિનિયર ડૉક્ટરે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન બંધ આવતા અન્ય સાથી રેસિડેન્ટ ડૉક્ટરને રૂમ પર તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા. રૂમ અંદરથી બંધ હોવાથી બૂમો પાડવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે સિક્યોરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશતા ડૉ. હર્ષ પંખા સાથે દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન
પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, ડૉ. હર્ષ છેલ્લા 6 મહિનાથી સુરતમાં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ સ્વભાવે ખૂબ જ શાંત, પ્રામાણિક, જવાબદાર અને મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ હતા. તેમણે પોતાનો MBBS નો અભ્યાસ ફિલિપાઈન્સથી પૂર્ણ કર્યા બાદ સારી નોકરી પણ કરી હતી. તેમના ફેબ્રુઆરી માસમાં જ પ્રવેશ મેળવ્યા બાદ થોડા મહિના પહેલાં સગાઈ થઈ હતી અને આગામી ડિસેમ્બર માસમાં તેમના લગ્ન નિર્ધારિત હતા. તેમના પિતા સુભાષચંદ્ર પંડ્યા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S. જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયેલા છે અને તેમણે પોતે પણ સુરત હોસ્પિટલમાંથી જ અભ્યાસ કર્યો હતો. રક્ષાબંધનના તહેવારના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે પરિવારના એકના એક લાડકવાયા દીકરાના મોતના સમાચારથી મોડાસા સ્થિત પરિવાર પર આભ ફાટી પડ્યો છે.
4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે આકરી કાર્યવાહી
રેગિંગનો ગંભીર મુદ્દો સપાટી પર આવતા જ કોલેજ અને હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. એન્ટી રેગિંગ ટીમ અને વિદ્યાર્થીઓની પૂછપરછના આધારે ઘટનામાં સંકળાયેલા 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ડૉ. નિરાલી વસાવા, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. હિના ભૂત અને ડૉ. દિક્ષીતા સેસારિયનનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપી સિનિયર ડૉક્ટરોને 6 મહિના માટે હોસ્પિટલની કામગીરી, હોસ્ટેલ નિવાસ તેમજ તમામ શૈક્ષણિક અને ટીચિંગ પ્રવૃત્તિઓમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પરિવારજનોના ગંભીર આક્ષેપો
ઘટનાની જાણ થતાં જ મૃતકના પિતા અને સ્વજનો મોડાસાથી સુરત સિવિલ દોડી આવ્યા હતા. પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યા અને સંબંધી શૈલેષ પાઠકે આરોપ લગાવ્યો હતો કે ડૉ. હર્ષ સાથે કામ કરતા અન્ય સાથી વિદ્યાર્થીઓ અને કલીગ્સના નિવેદનો પરથી સિનિયરોની ભારે ટોક્સિસિટી અને માનસિક ત્રાસ સ્પષ્ટ થઈ રહ્યો છે. સિનિયરો દ્વારા આપવામાં આવતા માનસિક દબાણને કારણે જ તેમણે આ પગલું ભર્યું છે. પિતા સુભાષચંદ્ર પંડ્યાએ પણ જણાવ્યું હતું કે હર્ષ વાતચીતમાં ક્યારેય મોટી ફરિયાદ કરતો નહીં પરંતુ સિનિયરો તરફથી થોડી તકલીફ રહેતી હોવાનો ઉલ્લેખ ચોક્કસ કરતો હતો.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને FSL તપાસની માગણી
શરૂઆતમાં આઘાતની સ્થિતિમાં પરિવારે સામાન્ય પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપી દીધી હતી અને રવિવારે સાંજે સાદું પીએમ કરાયું હતું. પરંતુ બાદમાં ઘટનાસ્થળ અને સંજોગો જોતાં પરિવારને ભારે શંકા જતાં તેમણે મેડિકલ કોલેજના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં રૂબરૂ રજૂઆત કરી રિ-પીએમ અને ફોરેન્સિક પીએમની માગ કરી હતી. પરિવારનો દાવો છે કે હર્ષ મજબૂત મનોબળ ધરાવતો હતો અને તે જાતે પંખા પર લટકીને આપઘાત કરે તેવો નહોતો. પોલીસ દ્વારા ફરી ઈન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક તારણ ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલ પ્રશાસન સામે ભૂતકાળની ઘટનાઓ અંગે સવાલો
મૃતકના સંબંધી શૈલેષ પાઠકે સિવિલ હોસ્પિટલ તંત્રની કાર્યશૈલી સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આવી ઘટનાઓ વારંવાર બને છે. ભૂતકાળમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતા અંકિત નામના તબીબ પાસે સતત 17-17 કલાક કામ કરાવવામાં આવતું હતું અને તે બેઠા-બેઠા જ અવસાન પામ્યો હતો. તે પણ પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો જેમના પિતાએ દેવું કરીને ભણાવ્યો હતો. હોસ્પિટલ તંત્ર માત્ર તપાસ કમિટીઓ રચવાની વિધિ પૂરી કરે છે પરંતુ દોષિતો સામે કોઈ આકરાં પગલાં લેવામાં આવતા નથી.
વિભાગીય વડાની બેદરકારી અને આડા કાન કરવાનો આરોપ
પરિવારજનો અને અન્ય વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયરો દ્વારા અડધો-અડધો કલાક સુધી ટોર્ચરિંગ કરીને અપમાનજનક શબ્દો બોલવામાં આવતા હતા. આ માનસિક હેરાનગતિ અને ત્રાસ અંગે જુનિયર વિદ્યાર્થીઓએ વારંવાર વિભાગીય વડા (HOD) સમક્ષ રજૂઆતો કરી હતી. તેમ છતાં HOD એ તમામ રજૂઆતો પ્રત્યે આડા કાન કર્યા હતા અને કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નહોતો, જેના પરિણામે એક હોનહાર યુવાન ડૉક્ટરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રીનો આદેશ અને ઉચ્ચસ્તરીય તપાસ કમિટી
આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. તેમણે નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આરોગ્ય મંત્રીએ મૃતક ડૉક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી અને પરિવારને ન્યાય આપવાની તથા દોષિતો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કમિટી દ્વારા મોડી રાત્રે 9 જેટલા વિદ્યાર્થીઓની સઘન પૂછપરછ કરીને વિગતો મેળવવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી અને મોબાઈલ-લેપટોપનું જપ્તીકરણ
ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો અને ઈન્ચાર્જ તબીબી અધીક્ષક ડૉ. પારુલ વડગામા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખટોદરા પોલીસે ઘટનાસ્થળેથી ડૉ. હર્ષ પંડ્યાનો મોબાઈલ ફોન અને લેપટોપ કબજે લીધા છે. એફ.એસ.એલ (FSL) ની ટીમ દ્વારા રૂમમાંથી અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે રેગિંગ પ્રતિબંધક કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને સસ્પેન્ડ કરાયેલા ચારેય સિનિયર ડૉક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ