DCP નકુમ સહિત 6 અધિકારીઓને IPS પ્રમોશન
વિવાદોથી ઘેરાયેલા અધિકારીને મળી મોટી બઢતી,સરકારનો શિરપાવ કે નિયમિત પ્રક્રિયા?

AI જનરેટેડ

AI જનરેટેડ
Ips Promotion 6 Police Officers : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ DCP નકુમનું છે, જેઓ નાસીરનગર ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલા વિવાદોને કારણે અગાઉ ચર્ચામાં આવ્યા હતા.તેમના સહિત કુલ છ અધિકારીઓને મળેલા પ્રમોશન બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.સરકારના આ નિર્ણયને એક તરફ વરિષ્ઠ અધિકારીઓની લાંબી સેવા અને કામગીરીનું સન્માન ગણાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ કેટલાક વર્ગો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વિવાદોમાં રહેલા અધિકારીઓને પણ આ જ તબક્કે પ્રમોશન આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.
કોને મળ્યું IPS પ્રમોશન?
રાજ્ય સરકારે જાહેર કરેલા નિર્ણય મુજબ રાજ્ય પોલીસ સેવાના કુલ છ અધિકારીઓને IPS કેડરમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ લાંબા સમયથી વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.આ તમામ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ, તપાસ અને જાહેર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સેવા આપી છે.કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તેમને IPS કેડરમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.રાજદીપસિંહ એન.નકુમ,ભરતકુમાર બી.રાઠોડ,પ્રફુલ વી.વાણિયા,રાજેશકુમાર ટી.પરમાર,કલ્પેશકુમાર એમ.ચાવડા,રાકેશ ડી.દેસાઈઆ તમામ અધિકારીઓને એક વર્ષ માટે પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ધારિત ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરવાની રહેશે.
હાલ કયા અધિકારી ક્યાં ફરજ બજાવે છે?
હાલમાં રાજદીપસિંહ નકુમ સુરત SOGમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.ભરતકુમાર રાઠોડ અમદાવાદ શહેરમાં ઝોન-2ના ડીસીપી તરીકે કાર્યરત છે,જ્યારે રાકેશ દેસાઈ રાજકોટ શહેર પોલીસમાં ઝોન-2ના ડીસીપી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કલ્પેશ ચાવડા હાલમાં એસઆરપી ગ્રુપ ગોંડલ ખાતે ફરજ પર છે.અન્ય અધિકારીઓ પણ ગુજરાત પોલીસમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
ગુજરાત હાઇકોર્ટની ટકોર,છતાં સરકારનો શિરપાવ
ગુજરાત હાઇકોર્ટમાં 25 જૂનના રોજ નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અરજદારોના વકીલે આક્ષેપ કર્યો હતો કે, કોઈપણ પ્રકારની નોટિસ કે કાયદેસરની પ્રક્રિયા વિના સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 30 મેના રોજ 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે પુછવામાં આવ્યું હતું કે જો ડિમોલિશન SMC દ્વારા નહોતું કરાયું, તો ત્યાં પોલીસ અને SMCના કર્મચારીઓ શું કરી રહ્યા હતા? પોલીસ કમિશનરને ફરિયાદ મળી હોવા છતાં કેમ નોંધવામાં ન આવી? ડિમોલિશન સ્થળે કયા અધિકારીઓ હાજર હતા? કોર્ટના આ સવાલોની ઝપેટમાં આવેલા DCP રાજદીપસિંહ નકુમની હાજરી અંગે પણ ચર્ચા થઈ હતી. કોર્ટના આ તેવરના માત્ર એક અઠવાડિયામાં જ તેમને IPS તરીકે પ્રમોશન મળતા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
DCP નકુમ કેમ ચર્ચામાં રહ્યા?
DCP નકુમનું નામ ખાસ કરીને નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યું હતું.ડિમોલિશન દરમિયાન સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.કાર્યવાહી અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હતા અને કેટલાક સામાજિક તથા રાજકીય સંગઠનોએ આ કાર્યવાહી સામે વિરોધ પણ નોંધાવ્યો હતો.તે સમયે સોશિયલ મીડિયા પર ઘટનાના વીડિયો અને તસવીરો વ્યાપક રીતે વાયરલ થયા હતા, જેના કારણે સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.સરકાર અથવા સંબંધિત વિભાગે તેમના સામે કોઈ અંતિમ શિસ્તભંગની કાર્યવાહી જાહેર કરી હોવાની માહિતી ઉપલબ્ધ નથી.
નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટના સવાલો
નાસીરનગર ડિમોલિશન કેસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અરજદારોનો આરોપ છે કે સુરતના નાસીરનગર વિસ્તારમાં 30 મેના રોજ કોઈ પૂર્વ નોટિસ, રજૂઆતનો અવસર કે યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં 25 જૂનના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જો ડિમોલિશનની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી ન હોય તો સ્થળ પર હાજર કર્મચારીઓ શું કરી રહ્યા હતા? પોલીસ અધિકારીઓની ભૂમિકા શું હતી? તેમજ અરજદારો દ્વારા રજૂ કરાયેલા આક્ષેપોનો આધાર શું છે? સુનાવણી દરમિયાન અરજદારો તરફથી જણાવાયું હતું કે સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ સ્થળ પર હાજર હતા. આ મુદ્દે પણ કોર્ટે સ્પષ્ટતા માગી હતી.
હાઇકોર્ટના સવાલો વચ્ચે મળેલી બઢતી ચર્ચામાં
ડિમોલિશન કેસમાં હાઇકોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અને ત્યારબાદના માત્ર સાત દિવસમાં મળેલી IPS બઢતીને લઈને અનેક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષ અને સામાજિક કાર્યકરોનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ અધિકારીની ભૂમિકા અંગે ન્યાયપાલિકા પ્રશ્નો ઉઠાવી રહી હોય ત્યારે તેમને તાત્કાલિક પ્રમોશન આપવાના નિર્ણય પાછળના કારણો શું છે. બીજી તરફ વહીવટી સૂત્રોનું કહેવું છે કે IPS પ્રમોશનની પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હોય છે અને તે પસંદગી યાદી તથા સેવાની વરિષ્ઠતા સહિતના માપદંડોના આધારે કરવામાં આવે છે.
ચૂંટણી દરમિયાન પણ વિવાદોમાં રહ્યું હતું SOGનું નામ
રાજદીપસિંહ નકુમનું નામ અગાઉ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસ દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ સામે સત્તાના દુરુપયોગ અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન SOGના અધિકારીઓની ભૂમિકા અંગે પણ રાજકીય વિવાદ સર્જાયો હતો, જોકે આ મામલે કોઈ સત્તાવાર દોષારોપણ નોંધાયું નહોતું.
કોંગ્રેસના નેતાઓએ પણ ઉઠાવ્યા સવાલો
થોડા દિવસ પહેલા સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા આકરા પાણીએ છે.તેમણે કહ્યું કે રાજદીપસિંહ નકુમ જનરલ ડાયર છે, તેમણે ગરીબોને ઘરવિહોણા કર્યા છે અને સમગ્ર કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસ થવી જોઈએ.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે SOG દ્વારા જાહેર કરાયેલા કેટલાક આરોપીઓ તે વિસ્તારમાં રહેતા જ નહોતા,જેના કારણે સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે.
એક તરફ હાઇકોર્ટના સવાલો, બીજી તરફ IPS કેડરમાં એન્ટ્રી
રાજદીપસિંહ નકુમને મળેલી બઢતી હવે માત્ર વહીવટી નિર્ણય પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ હાઇકોર્ટ નાસીરનગર ડિમોલિશન મામલે વેધક સવાલો પૂછે છે તો, બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા IPS કેડરમાં તેમની પસંદગી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ આગામી દિવસોમાં વધુ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે, ખાસ કરીને નાસીરનગર કેસની આગામી સુનાવણીઓ દરમિયાન.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ