ડેરીને ભાજપ કાર્યાલય નહીં બનવા દઈએ: દર્શન નાયક
ભાજપની ‘મેન્ડેટ પ્રથા’ સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ચૂંટણીમાં રાજકીય ગરમાવો

સુમુલ ડેરીને ભાજપ કાર્યાલય નહીં બનવા દઈએ: દર્શન નાયક

સુમુલ ડેરીને ભાજપ કાર્યાલય નહીં બનવા દઈએ: દર્શન નાયક
Sumul Dairy Election: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)ની ચૂંટણી જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હાલમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે ભાજપની 'મેન્ડેટ પ્રથા' સામે મોરચો ખોલી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુમુલ એ કોઈ રાજકીય પક્ષની ખાનગી કચેરી નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના લાખો ગરીબ પશુપાલકોના સ્વેદબિંદુથી ચાલતી સ્વાયત્ત સહકારી સંસ્થા છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની હિલચાલનો કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે અને પશુપાલકોના હિતમાં તમામ બેઠકો પર પોતાની સત્તાવાર પેનલ મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.
આ વખતની ચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ
છેલ્લા એક વર્ષથી સુમુલ ડેરીમાં કસ્ટોડિયન શાસન ચાલી રહ્યું હોવાથી આ વખતની ચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણી કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીની આગેવાની હેઠળ લડવામાં આવશે, જેના કારણે ચૂંટણીમાં ભારે ખેંચતાણ થવાની પૂરેપૂરી શક્યતા છે.
#સુરત
— Benefit News 24 (@BenefitNews24) June 18, 2026
સુમુલ ડેરીના કૌભાંડોનો મામલો
સુરતની સુમુલ ડેરીના કથિત કૌભાંડો અંગે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવામાં આવશે
કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરી મીડિયા સમક્ષ ખુલાસાઓ કરશે
સુમુલ ડેરીમાં અંદાજે ₹1000 કરોડનું મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો
જમીન સબસીડી, પાર્લર ફાળવણી… pic.twitter.com/UammZ1bG36
સહકારી ચૂંટણીમાં રાજકીય મેન્ડેટ શા માટે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. તુષાર ચૌધરીએ ભાજપના શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સુમુલ ડેરી પશુપાલકોની સ્વાયત્ત સંસ્થા છે અને અહીં દૂધ ભરનારા પશુપાલકો કોઈ એક ચોક્કસ રાજકીય વિચારધારા કે પક્ષ સાથે બંધાયેલા હોતા નથી. નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પક્ષના સત્તાવાર પ્રતીક પર લડાતી હોવાથી ત્યાં મેન્ડેટ પ્રથા સમજાય છે, પરંતુ સહકારી ક્ષેત્રની લોકશાહીમાં તેનું કોઈ સ્થાન હોઈ શકે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપ પહેલા ડિરેક્ટરો અને ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે પોતાના મેન્ડેટ આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષના દબાણ હેઠળ રાખવા માંગે છે. આ પ્રથા સહકારી માળખાની સ્વાયત્તતા અને પાયાના સિદ્ધાંતો પર મોટો પ્રહાર છે. છેલ્લા એક દાયકાથી ભાજપ આ પ્રકારે મેન્ડેટ આપીને સંસ્થા પર એકહથ્થુ શાસન ચલાવી રહ્યું છે.
મેન્ડેટ પ્રથા એટલે ‘સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન’: કોંગ્રેસનો આક્ષેપ
ડૉ. તુષાર ચૌધરીએ પત્રકાર પરિષદમાં સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રમાં લાવવામાં આવેલી આ મેન્ડેટ પ્રથા માત્રને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા અને તેને કેન્દ્રિત કરવા માટેનો એક નુસ્ખો છે, જેને ‘સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન’ કહી શકાય. મેન્ડેટ આપીને ડિરેક્ટરોને અગાઉથી જ પક્ષના આદેશોથી બાંધી લેવામાં આવે છે, જેથી તેઓ પક્ષના ઈશારે કામ કરે અને સંસ્થાના ભોગે મનસ્વી નિર્ણયો લઈ શકે. કોંગ્રેસે આ તબક્કે સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ ભાજપના મેન્ડેટવાળા કોઈપણ ઉમેદવારને આ વખતે બિનહરીફ જીતવા નહીં દે અને દરેક બેઠક પર મજબૂત ઉમેદવાર ઊભા રાખશે. જો કોઈ અનુભવી, તટસ્થ અને શુદ્ધ સહકારી વિચારધારા ધરાવતી વ્યક્તિ પક્ષના લેબલ વગર પણ પશુપાલકોના હિતમાં લડવા માંગશે, તો કોંગ્રેસ તેને પણ પોતાની પેનલમાં સાથે રાખીને ચૂંટણી લડવા માટે તૈયાર છે.
છેલ્લા 10 વર્ષમાં રૂ. 1000 કરોડથી વધુનું કૌભાંડ: દર્શન નાયક
કોંગ્રેસના વરિષ્ઠ સહકારી નેતા દર્શન નાયકે સુમુલ ડેરીના વહીવટ અંગે મોટા ખુલાસા કરતા જણાવ્યું કે, વર્ષ 2015 થી 2025 સુધીના છેલ્લા 10 વર્ષના ભાજપ પ્રેરિત શાસનમાં સુમુલ ડેરીમાં અંદાજે રૂ. 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર અંગે સ્થાનિક પશુપાલકો, વિવિધ દૂધ સહકારી મંડળીઓના પ્રમુખો અને ખેડૂત સંગઠનો દ્વારા વારંવાર રાજ્ય સરકાર તેમજ સહકાર વિભાગને પુરાવા સાથે લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. આ વ્યાપક ફરિયાદોના આધારે સહકાર વિભાગ દ્વારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-86 હેઠળ સત્તાવાર તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા.
તપાસ અહેવાલમાં બહાર આવેલી મુખ્ય ગેરરીતિઓ અને પ્રોજેક્ટના નામે ધુમાડો
દર્શન નાયકના જણાવ્યા અનુસાર, નવસારીના રજિસ્ટ્રાર દ્વારા તૈયાર કરાયેલા અંદાજે 1000 પાનાના સત્તાવાર તપાસ અહેવાલમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ અને કૌભાંડોની વિગતો સામે આવી છે, જે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર આધારિત છે:
ધિરાણ કૌભાંડ: પશુપાલકોના વિકાસ માટે ફાળવવામાં આવેલી રૂ. 25 કરોડથી વધુની લોન બાબતે ડેરીની મંડળીઓના પ્રમુખો મુદત વીતી ગઈ હોવા છતાં બાકીદાર (ડિફોલ્ટર) બન્યા છે. આમ છતાં, રાજકીય વગના કારણે આજે પણ તેમની પાસેથી કોઈ વસૂલાત કરવામાં આવી નથી.
જમીન અને ઉદ્ઘાટનનો અધધ ખર્ચ: માંડવી ખાતે આવેલી સીંગવાઈ સરકારી જમીનની માગણી હજુ સરકાર સ્તરે મંજૂર થઈ નથી, છતાં તે જમીન પર માત્ર ઉદ્ઘાટન કરવાના નામે જ રૂ. 4 કરોડ 40 લાખનો આંધળો ધુમાડો કરી દેવાયો છે.
બાજીપરા પશુદાણ ફેક્ટરી પ્રોજેક્ટ: પશુદાણ ફેક્ટરી માટે સરકાર તરફથી રૂ. 20 કરોડની સબસિડી મળી હતી. જે પ્રોજેક્ટનો મૂળ અંદાજિત ખર્ચ રૂ. 33 કરોડ હતો, તેને વહીવટદારોએ ટેન્ડર કરતા પણ વધુ વધારીને રૂ. 133 કરોડ પર પહોંચાડી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ફેક્ટરીના માત્ર ઉદ્ઘાટન મહોત્સવ પાછળ જ સંસ્થાના રૂ. 17 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા હતા.
મેડિસીન અને પાર્લર કૌભાંડ: સુમુલ ડેરી અંતર્ગત ચાલતા પાર્લર ફાળવણીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. આ ઉપરાંત સભાસદોના નામે ખોટા પશુઓની સંખ્યા દર્શાવીને પશુઓની દવાઓની ખરીદીમાં પણ મસમોટું મેડીસીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ તમામ વિગતો સાથેનો સંપૂર્ણ તપાસ અહેવાલ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીના ટેબલ પર પડ્યો હોવા છતાં રાજકીય રક્ષણના કારણે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
રૂ. 12,000 કરોડની સહકારી સંસ્થાને ‘ભાજપ કાર્યાલય’ બનવા નહીં દઈએ
કોંગ્રેસ પક્ષે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સત્તાધારી પક્ષ એક તરફ 'સહકારથી સમૃદ્ધિ'ના મોટા સૂત્રો ઉચ્ચારે છે, પરંતુ બીજી તરફ ભ્રષ્ટાચારી તત્વોને જ ફરીથી મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોના લોહી-પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. વાર્ષિક હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ પ્રતિષ્ઠિત સંસ્થા પર ભાજપ પોતાનું આધિપત્ય જમાવીને તેને પક્ષનું કાર્યાલય બનાવવા માંગે છે અને સંસ્થાના ભોગે પોતાના રાજકીય ખર્ચાઓ કાઢી રહી છે. પશુપાલકોના આર્થિક હિતો અને તેમના ભવિષ્યની રક્ષા કરવા માટે કોંગ્રેસ આ ચૂંટણીમાં આરપારની કાનૂની અને રાજકીય લડાઈ લડવા સજ્જ થઈ છે. દર્શન નાયકે દક્ષિણ ગુજરાતના તમામ પશુપાલકોને ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો ગમે તે આવે, પરંતુ આ સંસ્થા આપણા પૂર્વજો અને બાપ-દાદાઓએ અથાગ મહેનત કરીને, લોહીનું પાણી કરીને ઊભી કરી છે. લાખો ગ્રામીણ પરિવારોનું ગુજરાન આ ડેરી પ્રવૃત્તિ પર નિર્ભર છે. આવી પરિસ્થિતિમાં ભ્રષ્ટ શાસકોના હાથમાં સુમુલનું સુકાન સોંપી શકાય નહીં. પશુપાલકોનું હિત જળવાઈ રહે અને સહકારી ક્ષેત્ર શુદ્ધ રહે તે માટે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી પોતાની લડત ચાલુ રાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?