અમદાવાદના સુભાષબ્રિજ પર ગરમાયું રાજકારણ
સુભાષબ્રિજ બંધ થતાં વિપક્ષ-સત્તાપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ ગરમાયું છે.

સુભાષબ્રિજ

સુભાષબ્રિજ
અમદાવાદના હૃદય સમાન ગણાતા અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશ માટેના મુખ્ય દ્વાર એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો એક સ્પાનનો ભાગ બેસી જવાના કારણે બ્રિજને તાત્કાલિક ધોરણે અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે 5મી ડિસેમ્બરના રોજ, AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમોએ તાત્કાલિક બોટમાં બેસીને નદીની નીચેથી બ્રિજનું ઈન્સ્પેક્શન કર્યું હતું. આ સાથે જ બ્રિજ ઈન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આશરે પાંચ દિવસ સુધી સુભાષબ્રિજ બંધ રહેવાના કારણે રોજ પસાર થનારા અંદાજિત 1 લાખ વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓ પરથી જવું પડ્યું છે.
એડિશનલ ટ્રાફિક પોલીસ ફોર્સ પણ કરાશે તૈનાત
આ ડાયવર્ઝન હોવાના કારણે રાણીપ ડી માર્ટ, પરીક્ષિતલાલ બ્રિજ અને વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો, જેના પરિણામે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે, અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એડિશનલ ટ્રાફિક પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
વિપક્ષના આકરા પ્રહાર
સુભાષબ્રિજની આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. પોલીસે રોકવા છતાં તેઓ બ્રિજ પર પહોંચ્યા હતા અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મોરબી-ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ પણ કોર્પોરેશન-ભાજપના સત્તાધીશો જાગ્યા નથી. તેમનું કહેવું છે કે, મોરબી દુર્ઘટના બાદ કોર્ટનો આદેશ તમામ બ્રિજના ઈન્સ્પેકશન કરવાનો હતો, જેમાં શહેરમાં આવેલા 82 બ્રિજ અને 7 નદી પરના બ્રિજના વાર્ષિક ઇન્સ્પેકશનની સૂચના હતી.
વિપક્ષે કર્યા આક્ષેપ
શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો કે, અગાઉ AMC દ્વારા કરેલા ઈન્સ્પેક્શન એ માત્ર દેખીતું ઈન્સ્પેક્શન હતું, જેમાં માત્ર કલર, રેલિંગ જેવા વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન થયા હતા. તેમના મતે, હેમરિંગ ટેસ્ટ, મટીરિયલ સેમ્પલિંગ, એક્સેસ વેહિકલ ચેકિંગ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ વગેરે જેવા ઘણા ટેસ્ટ કરવાના હોય છે, જેમાંથી એક પણ AMC દ્વારા કરવામાં આવેલ નથી. વિપક્ષે માંગ કરી છે કે, જો ચોમાસા પહેલા અને પછી ટેસ્ટ કર્યા હોય તો 82 બ્રિજના ટેસ્ટ રિપોર્ટ જનતા સામે રજૂ કરવામાં આવે, અને સાથે જ 5 દિવસ બ્રિજ બંધ કરવાની વાત પણ ખોટી હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે, યોગ્ય જવાબ ન મળતા આવનાર સમયમાં ઉગ્ર વિરોધ કરાશે.
સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો
વિપક્ષના આકરા આક્ષેપો સામે AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, AMC દ્વારા બધા જ બ્રિજની પેનલ બનાવીને જુદી-જુદી કંપનીઓને તપાસ સોંપવામાં આવી હતી. ગઈકાલે પાણીમાં ઇન્સ્પેક્શન કરતા ખામી દેખાતા તાત્કાલિક ધોરણે સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને હાલ પણ તપાસની કામગીરી શરૂ છે.
આ પણ વાંચો: અમદાવાદ સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે
તેમણે સ્પષ્ટ કર્યું કે, રિપોર્ટ આવે ત્યાં સુધી 5 દિવસ માટે સુભાષબ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. દાણીએ જણાવ્યું કે, બ્રિજને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે, અને અગાઉ કરવામાં આવેલી તપાસ કેવી હતી અને તે તપાસ કર્યા બાદ પણ જો આવો બનાવ બન્યો તો તેની પણ તપાસ કરવામાં આવશે. સત્તાપક્ષે સુભાષબ્રિજ મુદ્દે પારદર્શિતા જાળવવાનો અને યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?