સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્માના ગ્રામીણ પંથકમાં ખાબક્યો હોવાને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે.ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણીએ સર્જેલી તારાજીના દ્રશ્યો જોઈ ખેડૂત પણ હવે ચિંતાતુર બન્યા છે.મોંઘા બિયારણ,દવા ખાતરો,સહિત મજૂરીનો ખર્ચ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોવાને પગલે જગતનો તાત સરકારના આળસુ અધિકારીઓ પાસે ઝડપી નુકસાનીનું સર્વે થાય તેમજ ખેડૂતોને વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યો છે.
ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો:
સાબરકાંઠાના ખેડબ્રહ્મા પંથકમાં છેલ્લા 72 કલાકથી ખાબકેલા 10 થી 12 ઇંચ જેટલા વરસાદને પગલે મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો છે. ખેડબ્રહ્માની નીચી ધનાલ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગનો કપાસ,મગફળી,સોયાબીન સહિતનો પાક વરસાદી પાણીમાં નિષ્ફળ જવાને કારણે ખેડૂતોએ કરેલો દવા,ખાતર, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ તારાજી બાદ પાણીમાં ધોવાયો છે.નીચી ધનાલ ગ્રામ્ય વિસ્તાર વચ્ચેથી પસાર થતું ઉંડવા નાળાના વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા પાક સહિત ખેતરની મોટાભાગની જમીનનું ધોવાણ થયું છે.
ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો :
એક તરફ ચોમાસાની પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી.જોકે આ વખતે ચોમાસાની વહેલી શરુઆતમાં જ ખેડબ્રહ્માના પશ્ચિમ વિભાગના ગ્રામીણ પંથકમાં મેઘો મન મૂકીને વરસ્યો છે.ત્યારે પાણીની જરૂરિયાતની વચ્ચે ધોધમાર વરસેલા વરસાદે પણ ખેડૂતો માટે ભારે નુકસાની ઉભી કરી છે.સામાન્ય રીતે વર્ષો બાદ એક અઠવાડિયાથી ધોધમાર ખાબકેલા વરસાદને પગલે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.વરસાદે સર્જેલી તારાજીને પગલે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ હવે ધોધમાર વરસાદમાં ધોવાઈ ચૂક્યો છે.મુશળધાર વરસેલા વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં 100 એકર કરતા વધુ જમીનમાં વવાયેલો મગફળીનો પાક નિષ્ફળ જવાને પગલે ખેડૂતોએ વાવેલો પાક ખેડૂતો માટે નુકસાનીનો પાક સાબિત થઈ રહ્યો છે.