રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે મારપીટ
CCTV ફૂટેજ સામે આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ

રાજકોટ PDU સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટની ઘટના CCTVમાં...

રાજકોટ PDU સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટની ઘટના CCTVમાં...
Rajkot Civil Hospital Assault Case: રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટનો મામલો સામે આવ્યો છે. ઇમરજન્સી વોર્ડમાં સિનિયર મેડિકલ ઓફિસર સાથે થયેલા વિવાદ બાદ CCTV ફૂટેજ સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે.
ગંભીર દર્દીની સારવાર મુદ્દે શરૂ થયો વિવાદ
મળતી માહિતી મુજબ, 20 ઓગસ્ટે સાંજે આશરે 7:30થી 7:45 વાગ્યાની વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં આ ઘટના બની હતી. કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં રહેતી અને છેલ્લા છ મહિનાથી મેડિસિન વિભાગમાં R1 રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડો. ક્રિશા નિલેશકુમાર સિંગાળા 24 કલાકની ઇમરજન્સી શિફ્ટમાં હતી. આ દરમિયાન ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ નાજુક હોવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટરની જરૂરિયાત હોવાનું જણાતા ડો. ક્રિશાએ ફરજ પરના સિનિયર મેડિકલ ઓફિસર ડો. અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીને આ અંગે રજૂઆત કરી હતી.
દર્દીના મુદ્દે બોલાચાલી, મહિલા ડોક્ટરને લાફો માર્યાનો આરોપ
આરોપ છે કે દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત અંગેની રજૂઆત બાદ ડો. અશ્વિન રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં ખસેડવાની વાત કરી હતી. ડો. ક્રિશાએ દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ફરી રજૂઆત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડો. અશ્વિન રામાણીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકી આપી અને ડો. ક્રિશાને લાફો માર્યો હોવાનો ગંભીર આરોપ છે. હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં બનેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળે હાજર અન્ય મેડિકલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.
જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ, ઇમરજન્સી બહાર ધરણાં
મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટની ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી વોર્ડની બહાર એકત્ર થયા હતા અને ધરણાં શરૂ કર્યા હતા. જુનિયર ડોક્ટરોની મુખ્ય માંગ આરોપી સિનિયર મેડિકલ ઓફિસરને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવાની હતી. અગાઉ પણ ગેરવર્તન અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો ડોક્ટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ બાદ હડતાળ સમેટી, સારવાર ફરી શરૂ
ઘટનાને લઈને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જુનિયર ડોક્ટરોએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું અને દર્દીઓની સારવાર માટે ફરી ફરજ પર પરત ફર્યા હતા. 21 ઓગસ્ટે પોલીસે ફરિયાદના આધારે આરોપી ડો. અશ્વિન રામાણીને અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બાદ મામલો વધુ ગંભીર બન્યો છે.
સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચસ્તરીય બેઠક
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO, મેડિકલ કોલેજના ડીન સહિતના અધિકારીઓએ જુનિયર ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. મોનાલી માંકડિયાએ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોલેજ કાઉન્સિલમાં સમગ્ર મામલે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને આગળની કાર્યવાહી માટે રિપોર્ટ મોકલવામાં આવશે. હોસ્પિટલમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની ખાતરી પણ આપવામાં આવી છે.
પીડિત ડોક્ટરની કડક કાર્યવાહીની માંગ
પીડિત ડો. ક્રિશાએ જણાવ્યું હતું કે દર્દીની સારવારને લઈને સામાન્ય ગેરસમજ હતી, પરંતુ આ દરમિયાન તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી અને તેમના પર હાથ ઉપાડવામાં આવ્યો. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડો. ક્રિશાના પરિવારજનોએ પણ ઘટનાને ગંભીર ગણાવીને તંત્ર પાસે કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે. તેમની માતા ભારતીબેને જણાવ્યું કે તેમની દીકરી માત્ર દર્દીના હિત માટે રજૂઆત કરી રહી હતી અને તેની સાથે આવું વર્તન કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.
અગાઉની ફરિયાદો છતાં કાર્યવાહી ન થઈ હોવાના સવાલો
આ ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની આંતરિક વ્યવસ્થા અને તબીબી સ્ટાફની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. ડો. ક્રિશાએ અગાઉ પણ ડો. અશ્વિન રામાણીના કથિત ગેરવર્તન અંગે હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે અગાઉની ફરિયાદો પર સમયસર કાર્યવાહી કેમ ન થઈ? જો અગાઉ યોગ્ય પગલાં લેવાયા હોત તો શું આ પ્રકારની ઘટના અટકાવી શકાઈ હોત? આ મામલે હોસ્પિટલ તંત્રની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
રાજકોટના તબીબી આલમમાં ખળભળાટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટ અને ત્યારબાદ થયેલી પોલીસ કાર્યવાહીથી સમગ્ર તબીબી આલમમાં ચર્ચા શરૂ થઈ છે. એક તરફ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે, તો બીજી તરફ દર્દીની સારવાર દરમિયાન સિનિયર અને જુનિયર મેડિકલ સ્ટાફ વચ્ચે સંકલન અને વ્યવસ્થાના સવાલો પણ ઉઠ્યા છે. હવે પોલીસ તપાસ અને હોસ્પિટલ કાઉન્સિલના નિર્ણય પર સૌની નજર છે.

લક્ઝરી બસના દરવાજામાં મોત, અકસ્માતના 15 મિનિટનું CCTV રહસ્યમય રીતે ગાયબ

રૂમ બદલ્યા બાદ સવારે મળી લાશ, મિત્રની અટકાયતથી અનેક સવાલો

10થી વધુ શખ્સોનો હુમલો, 8 આરોપી ઝડપાયા, જુઓ CCTV ફૂટેજ