હોસ્ટેલની બેદરકારીએ લીધો 10 વર્ષની માસૂમનો જીવ!
માસૂમ દીકરીના રહસ્યમય મોતથી વાલીઓમાં ભારે રોષ, પરિવારે આપી આંદોલનની ચીમકી

હોસ્ટેલની બેદરકારીએ લીધો 10 વર્ષની માસૂમનો જીવ!

હોસ્ટેલની બેદરકારીએ લીધો 10 વર્ષની માસૂમનો જીવ!
Rajkot Hostel Tragedy: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહીને ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની માસૂમ વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હસતી-રમતી દીકરીના અચાનક મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે મૃતક બાળકીના પરિવારજનો દ્વારા શાળા સંચાલકો પર ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો દાવો છે કે દીકરી છેલ્લા 10 દિવસથી હોસ્ટેલમાં બીમાર હોવા છતાં શાળાના જવાબદાર એજ્યુકેટેડ સંચાલકોએ પરિવારને તેની કોઈ જાણ કરી ન હતી અને તેને સમયસર યોગ્ય સારવાર પણ અપાવી ન હતી, જેના કારણે માસૂમ આયુષીનું કરૂણ મોત નીપજ્યું છે.
ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે મોકલેલી દીકરીનો મૃતદેહ મળતા પિતાનો વસવસો
મૃતક આયુષીના પિતા રમેશભાઈ બલદાણીયાએ અત્યંત ભારે હૈયે વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામના રહેવાસી છે અને પોતે પ્રાઇવેટ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે માત્ર 2 મહિના પહેલા, 27 એપ્રિલ 2026 ના રોજ પોતાની વ્હાલસોયી દીકરી આયુષીને સારું શિક્ષણ મળે અને તે જીવનમાં ખૂબ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે જસદણની આ આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં દાખલ કરી હતી. અગાઉ ધોરણ 4 સુધી મહુવામાં જ અભ્યાસ કરનારી આયુષી હોસ્ટેલમાં રહીને ભણતી હતી. પિતાએ રોષ સાથે જણાવ્યું કે તેમણે પોતાની દીકરીને ભણવા મોકલી હતી, પરંતુ શાળાના બેદરકાર સંચાલકોએ તેમને તેમની દીકરીનો મૃતદેહ સોંપ્યો છે, જેથી આ ગુનાહિત બેદરકારી બદલ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.
શાળા પ્રશાસન દ્વારા 10 દિવસ સુધી બીમારીની વાત છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ
રમેશભાઈના જણાવ્યા અનુસાર, 24 જૂનના રોજ અચાનક શાળામાંથી તેમના પર ફોન આવ્યો હતો કે તમારી દીકરીના પગ દુખે છે અને વધુ સારવાર માટે અમે તેને રાજકોટની હોસ્પિટલે લઈને જઈ રહ્યા છીએ, જેથી તમે તાત્કાલિક રાજકોટ પહોંચો. આ સાંભળીને પિતાએ જ્યારે દીકરીની બીમારી અંગે પૂછપરછ કરી, ત્યારે શાળા પ્રશાસને સ્વીકાર્યું હતું કે આયુષી છેલ્લા 10 દિવસથી બીમાર હતી. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો કે જો દીકરી 10 દિવસથી બીમાર હતી તો શાળાએ અગાઉ કેમ જાણ ન કરી અને વાલીને અંધારામાં કેમ રાખ્યા? એટલું જ નહીં, હોસ્ટેલમાં મોકલ્યા બાદ આટલા સમયમાં માત્ર 1 જ વાર દીકરી સાથે ફોન પર વાત કરાવવામાં આવી હતી અને સંચાલકો વારંવાર વાત પણ કરાવતા ન હતા.
પિતા રાજકોટ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ માસૂમ આયુષીએ દમ તોડ્યો
હોસ્પિટલ આવવાના ફોન બાદ રમેશભાઈ તાત્કાલિક મહુવાથી સગા-સંબંધીઓ સાથે રાજકોટ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન શાળાના સ્ટાફે ફરી ફોન કરીને જણાવ્યું કે તેઓ દીકરીને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાંથી ડોક્ટરોએ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું છે. રમેશભાઈએ રાજકોટમાં રહેતા તેમના સંબંધીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ મોકલ્યા, પરંતુ ત્યાં પહોંચતા જ ખબર પડી કે આયુષીનું મોત થઈ ચૂક્યું હતું. પિતા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને દીકરીનો માત્ર નિર્જીવ મૃતદેહ જ જોવા મળ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે સમયસર હોસ્પિટલ ન લઈ જવાના કારણે અને સારવારમાં વિલંબ થવાને કારણે દીકરીએ જીવ ગુમાવ્યો છે.
હોસ્ટેલ સંચાલકે મીડિયા સમક્ષ પોતાની ગંભીર ભૂલ અને બેદરકારીનો સ્વીકાર કર્યો
આ સમગ્ર મામલે વિવાદ વકરતા આલ્ફા હોસ્ટેલના સંચાલક હિરેન શંખારવાએ મીડિયા સમક્ષ આવીને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. સંચાલકના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યે આયુષીએ પગમાં ખાલી ચડી ગઈ હોવાનું કહ્યું હતું અને જ્યારે તેને ઊભી થવાનું કહેવામાં આવ્યું ત્યારે તે હલન-ચલન કરી શકતી ન હતી. શાળા સ્ટાફને લાગ્યું કે તેને આંચકી ઉપડી છે, જેથી તેઓ તેને સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઓક્સિજન ઓછું થતું હોવા તેમજ બીપી લો થવાના કારણે રાજકોટ જવાની સલાહ અપાઈ હતી. સંચાલકો તેને રાજકોટની અમૃતા અને ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલ રિફર કરાતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. સંચાલકે કબૂલ્યું કે અગાઉ આયુષીને અછબડા થયા ત્યારે પણ પરિવારને જાણ કરાઈ ન હતી અને આ વખતે સામાન્ય દવા આપીને રાખવામાં આવી હતી, જે તેમની મોટી બેદરકારી છે.
પરિવારે ન્યાય માટે ઉઠાવી માંગ
આ માસૂમના કરૂણ મોતથી પરિવાર અને સમગ્ર સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. રમેશભાઈએ ન્યાયની ગુહાર લગાવતા જણાવ્યું છે કે, શાળા સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અન્ય કોઈ વાલીના દીકરા કે દીકરી સાથે આવી ઘટના ન બને. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની દીકરીના મોતના કેસમાં શાળાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરીને ન્યાય આપવામાં નહીં આવે, તો તેઓ પોતાના સમાજને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડશે.
પોલીસ અને જિલ્લા શિક્ષણ તંત્રની ભૂમિકા પર સૌની નજર
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ વાલીઓનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહેણાંક શાળાઓમાં બાળકોની સુરક્ષા અને આરોગ્યને લઈને મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે. હવે આ ગંભીર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ શાળા વિરુદ્ધ કેવા પગલાં ભરે છે અને આયુષીના મોતનું સાચું કારણ શું નીકળે છે, તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. હાલમાં આ દુર્ઘટનાએ બાળકોને હોસ્ટેલમાં મોકલતા વાલીઓમાં ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?