ગુજરાતમાં સોમવારે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા!
આજે 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી, રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાયા
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી, રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાયા
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાક દરમિયાન રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના ડભોઈ, બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના ઈડરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અઢી ઈંચ અને બાકીના તાલુકાઓમાં 1 મીમીથી લઈને 59 મીમી એટલે કે બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. અંદાજે 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં સિઝનમાં પહેલી વખત સાબરમતી નદી બે કાંઠે વહી છે. સવારથી જ સાબરમતી નદીમાં પાણીની આવક વધી હતી. એએમસી અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. પાણીની આવક વધતાં લોકો નદી કાંઠે જોવા માટે એકઠાં થતાં મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું હતું.
રવિવારે બપોરે 1 વાગ્યે વાસણા બેરેજમાં જળ સપાટી 129 ફૂટ નોંધાઈ હતી. સંત સરોવરમાંથી 63,225 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે ધરોઇ ડેમમાંથી 32,140 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાંથી 51,126 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. નદીમાં પાણીની આવક વધી જતાં વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 33 લોકો ફસાયા હતા. જેને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા.

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતાં રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું હતું અને રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. રિવરફ્રન્ટના વોક વે પર પાણીની સાથે સાપ પણ જોવા મળ્યા હતા. સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાયો હતો.
વિજાપુરના દેરોલ બ્રિજ ઉપર વાહનો માટે પ્રતિબંધ
હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલા દેરોલ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં વાહનો બંધ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. માત્ર દ્વિચક્રી અને નાના ચારપૈડાં વાહનોને મંજૂરી આપવામાં આવી હતી. મહેસાણા માર્ગ અને મકાન વિભાગે સલામતીના કારણોસર શનિવારે સાંજથી તમામ વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 થી 30 ઓગસ્ટ સુધીના 7 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાએ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આવતીકાલે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં 81.74 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં રવિવાર સવારે 6 વાગ્યા સુધીમાં 81.74 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 84.58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 83.59 ટકા, સૌરાષ્ટ્રમાં 81.25 ટકા અને મધ્ય ગુજરાતમાં 77.19 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 251 તાલુકા પૈકી 39 તાલુકામાં 1000 મીમીથી વધુ, 133 તાલુકામાં 501 થી 1000 મીમી, 75 તાલુકામાં 251 થી 500 મીમી અને 4 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યના 91 ડેમ હાઈએલર્ટ ઉપર
રાજ્યમાં અતિ ભારે વરસાદના કારણે કુલ 206 ડેમ પૈકી 91 ડેમ છલકાઈ જતાં હાઈ એલર્ટ પર મૂકાયા છે. જ્યારે 28 ડેમ એલર્ટ ઉપર અને 19 ડેમ વોર્નિંગ લેવલ ઉપર છે. 64 ડેમ છલોછલ થઈ ગયા છે. 74 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. 29 ડેમ 50 થી 70 ટકા, 22 ડેમ 25 થી 50 ટકા અને 17 ડેમ 25 ટકાથી નીચે ભરાયા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.