PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે શનિવારે તેઓ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા. વડાપ્રધાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન હેલિકોપ્ટરથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથે જ એકતાનગરમાં ₹400 કરોડથી વધુનાં વિકાસકાર્યોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પુષ્પવર્ષા, PM મોદીએ કર્યા સરદાર પટેલને નમન
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચ્યા હતા. તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પ્રસંગે દેશની એકતા અને અખંડિતતામાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
એકતાનગરમાં ₹400 કરોડથી વધુનાં વિકાસકાર્યોનો પ્રારંભ
વડાપ્રધાન મોદીએ એકતાનગરમાં ₹400 કરોડથી વધુના ખર્ચે હાથ ધરાનારા વિકાસપ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો હતો. તેમાં જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, લાઇટિંગ વ્યવસ્થા, નર્મદા ઘાટનો વિકાસ, IRCTC હોટેલ, રેન ફોરેસ્ટ, યુનિટી ટ્રેલ અને ઇકો ટ્રેલ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વડાપ્રધાને વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી અને અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની પણ મુલાકાત લીધી હતી.
સાંજે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે PM મોદી
કાર્યક્રમના સમયપત્રક મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5:30થી રાત્રે 7:40 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે 8:00 વાગ્યે એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે દિલ્હી માટે પ્રસ્થાન કરશે.
ભીલડીમાં ₹14,000 કરોડનાં વિકાસકાર્યો, રાહુલ ગાંધી પર કટાક્ષ
ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન PM કિસાન યોજના હેઠળ આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો પણ રિલીઝ કર્યો હતો. ભીલડીના કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “બનાસકાંઠાના લોકો પહેલેથી જ આલુમાંથી સોનું બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી.” તેમણે વિરોધીઓ પર અફવા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
એકતાનગરમાં ભારત પર્વ અને નર્મદા મહાઆરતી
30 ઓક્ટોબરે વડાપ્રધાને એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આશરે 300 કલાકારોએ ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજૂ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને ‘એકતા પ્રકાશ પર્વ’નું નિરીક્ષણ કર્યું અને નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા. સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં શ્રદ્ધાંજલિ, વિકાસકાર્યો અને રાષ્ટ્રીય એકતા પરેડ મુખ્ય આકર્ષણ બન્યાં છે. રાત્રે દિલ્હી પ્રસ્થાન સાથે વડાપ્રધાનનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.