PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠાના ભીલડી અને એકતાનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસ સાથે જોડાયેલા કાર્યક્રમો યોજાશે. આજે ભીલડીમાં ₹14,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જ્યારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.
ભીલડીમાં PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ભીલડી ખાતે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)ની મુલાકાત લેશે. ત્યારબાદ ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. ભીલડી ખાતે ₹325 કરોડના ખર્ચે 127 એકરમાં તૈયાર થયેલા BBBRCનું લોકાર્પણ થશે. આ કેન્દ્રનો હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપવાનો છે. કાંકરેજ ગાયની જાતિને સમર્પિત આ કેન્દ્રમાં ગાય-ભેંસના સંવર્ધન, આનુવંશિક સુધારણા અને આધુનિક પ્રજનન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. કાર્યક્રમ દરમિયાન PM મોદીએ વાછરડાઓને દૂધ પણ પીવડાવ્યું. ભીલડીમાં પ્રથમવાર ખાટલા સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ગ્રામ્ય પરંપરા મુજબ ખાટલા ગોઠવવામાં આવ્યા છે.
અમદાવાદ મેટ્રો અને હાઇવે સહિત મોટા પ્રોજેક્ટ
PM મોદી અમદાવાદ મેટ્રો ફેઝ-2A અને ફેઝ-2Bના વિસ્તરણનું ખાતમુહૂર્ત કરશે. ફેઝ-2A હેઠળ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં આવશે, જ્યારે ફેઝ-2Bમાં GIFT સિટીથી શાહપુર સુધી મેટ્રો માર્ગ બનાવવામાં આવશે. અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ કરવાના ₹2,600 કરોડના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.
ખેડૂતો અને કૃષિ માટે પણ મહત્વના પ્રોજેક્ટ
પીએમ કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો આશરે ₹19,000 કરોડનો જાહેર કરવામાં આવશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલી 521 પરિયોજનાઓ, જેમાં કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ગોડાઉન, સાઇલો અને પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે, રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. સણાદર ખાતે બનાસ ડેરીના બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું પણ ઈ-લોકાર્પણ થશે. ₹51.65 કરોડના ખર્ચે પ્લાન્ટની ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવામાં આવશે અને 10 હજાર ટન ક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
થરાદ-રાધનપુરમાં બાયો-CNG પ્લાન્ટ
બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં સ્થાપવામાં આવનારા બે બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત થશે. બંને પ્લાન્ટમાં પશુઓના છાણની પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પાદન માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.
એકતાનગરમાં ભારત પર્વ અને રાષ્ટ્રીય એકતા દિવસ
30 ઓક્ટોબરની સાંજે PM મોદી એકતાનગર ખાતે ભારત પર્વ-2026નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ 15 નવેમ્બર 2026 સુધી ચાલશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસત, વિવિધતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરશે. એકતાનગરમાં ₹400 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થશે. શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું ₹15.10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને PM મોદી અહીં નર્મદા આરતીમાં ભાગ લેશે. ‘એકતા પ્રકાશ પર્વ’માં 1.5 કરોડથી વધુ LED લાઇટ્સથી એકતાનગરને સજાવવામાં આવશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે વડાપ્રધાનના બે દિવસીય ગુજરાત પ્રવાસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.