"હું ક્યારેય નાનું લક્ષ્ય નથી રાખતો"
સાણંદમાં CG OSAT ફેસિલિટીના લોન્ચિંગ પર પીએમ મોદીનું મોટું નિવેદન

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
CG Semi OSAT Plant Chip Launch: ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના મજબૂત સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (4 જુલાઈ) ગુજરાતના સાણંદ ખાતે 'CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ' (OSAT) ફેસિલિટીનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કર્યું છે. દેશના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત છેલ્લા 4 મહિનામાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનારો આ દેશનો ત્રીજો મોટો પ્લાન્ટ છે. આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024 માં મંજૂરી આપવામાં આવી હતી અને હવે તે કાર્યરત થઈ ગયો છે. મુર્ગપ્પા ગ્રૂપની કંપની 'CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડ'ની સબસિડરી 'CG સેમિ પ્રા. લિમિટેડ' દ્વારા આ આધુનિક પ્લાન્ટ આશરે રૂ. 7600 કરોડના જંગી રોકાણ સાથે સ્થાપવામાં આવ્યો છે.
ઉત્પાદન પ્રક્રિયાઓ અને ક્લીન રૂમનું ઝીણવટભર્યું નિરીક્ષણ
આ ઐતિહાસિક પ્રસંગે પીએમ મોદીએ પ્લાન્ટની વિવિધ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયાઓ અને ક્લીન રૂમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત દેશના પ્રથમ 4 પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારી મજબૂત કરશે.
વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ્સ સાથે ત્રિપક્ષીય ભાગીદારી
સાણંદમાં સ્થાપિત આ પ્લાન્ટ વૈશ્વિક સહયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટમાં CG સેમિ કંપની સાથે જાપાનની અગ્રણી 'રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ' અને થાઈલેન્ડની 'સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ' સંયુક્ત ભાગીદારીમાં જોડાયેલી છે. આ આંતરરાષ્ટ્રીય જોડાણને કારણે પ્લાન્ટને વિશ્વસ્તરીય ટેકનોલોજીકલ સપોર્ટ મળશે. ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો, એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં થઈ રહેલી ઝડપી પ્રગતિને કારણે અત્યારે વિશ્વભરમાં મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે જે ભારે માંગ ઊભી થઈ છે, તેને પૂરી કરવામાં આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્લાન્ટમાં શરૂઆતમાં દર વર્ષે 20 કરોડ ચિપ્સનું વ્યાપારી ઉત્પાદન થશે, જેને ખૂબ જ ઝડપથી દૈનિક 1.5 કરોડ ચિપ્સ સુધી પહોંચાડવામાં આવશે.
ઓટોમોટિવ અને 5G ક્ષેત્રને બૂસ્ટર ડોઝ
CG સેમિની આ નવીનતમ ફેસિલિટી ઓટોમોટિવ (વાહન ઉદ્યોગ), ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા અત્યંત મહત્ત્વના અને આધુનિક ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્લાન્ટ એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. આ સુવિધામાં પરંપરાગત QFN અને QFP જેવી લિગેસી ચિપ્સની સાથે સાથે આધુનિક ટેકનોલોજી આધારિત FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ પણ કરવામાં આવશે. સાણંદમાં અગાઉ શરૂ થયેલા માઇક્રોન (Micron) પ્લાન્ટ અને કેન્સ સેમિકોન (Kaynes Semicon) બાદ હવે CG સેમિની ઉપસ્થિતિથી સાણંદ વૈશ્વિક નકશા પર સેમિકન્ડક્ટરના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં આ કંપનીમાં 300 થી વધુ ઉચ્ચ કુશળ કર્મચારીઓ કાર્યરત છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટના કારણે આશરે 5000 જેટલી સીધી અને પરોક્ષ રોજગારીની નવી તકોનું સર્જન થશે.
લક્ષ્ય નાનું ન હોવું જોઈએ: પીએમ મોદી
ઉદ્ઘાટન બાદ જનમેદનીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ ભારતમાં સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો ભારતમાં જ વિકસે તેવા પ્રયાસો છે. આ અંતર્ગત 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0'ની જાહેરાત કરવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે, "સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું આગામી પગલું ક્રિટિકલ મિનરલ્સ અને હાઇટેક મટિરિયલમાં આત્મનિર્ભર બનવાનું છે. આપણી જૂની કહેવત છે કે 'નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન'. મારો સ્વભાવ પણ એવો જ છે, હું ક્યારેય નાનું લક્ષ્ય નથી રાખતો. સ્ટેચ્યૂ બનાવું તો પણ દુનિયાનું સૌથી મોટું (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) બનાવું છું." કંપનીના અધિકારી સુબૈયાના વક્તવ્યનો ઉલ્લેખ કરતા પીએમએ હળવા અંદાજમાં 'સુનતે હો ના બિનોદ... કામ બોલતા હૈ' કહીને તાળીઓ મેળવી હતી.
સાણંદ બનશે ભારતની 'સેલિકોન વેલી'
વડાપ્રધાને ઐતિહાસિક સંદર્ભ આપતા કહ્યું કે, દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસમાં કોઈપણ મોટી ઇન્ડસ્ટ્રીયલ તાકાત ક્લસ્ટરના આધારે જ આગળ વધી છે, જેમ કે અમેરિકાની સેલિકોન વેલી. સાણંદમાં પણ હવે દેશનું એક શક્તિશાળી સેમિકન્ડક્ટર ક્લસ્ટર શરૂ થઈ ગયું છે, જે લાખો રોજગાર આપવાની સાથે અર્થતંત્રને મજબૂત કરશે. ભારત 2014 પહેલાં મોટાભાગના સ્માર્ટફોન આયાત કરતું હતું, જ્યારે આજે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ છે અને દેશમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન 7 ગણું વધી ગયું છે. વડોદરામાં બનેલા C2-95 વિમાનની સફળતાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, સાયકલ બનાવનારો આ દેશ આજે વિમાનો અને અતિ આધુનિક ચિપ્સ બનાવી રહ્યો છે. પોતાની લાગણી વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે મારું 20 થી 22 વર્ષ જૂનું વ્યક્તિગત સપનું પૂર્ણ થયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે, 20 વર્ષ પહેલાં મેં ગાંધીનગર અને પ્રાંતિજ પાસે 350 થી 400 એકર જમીન નક્કી કરીને સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા ગ્લોબલ કંપનીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ તે સમયે તત્કાલીન કેન્દ્ર સરકારના ઉદાસીન વલણને કારણે વાત આગળ વધી શકી નહોતી. તે જમાનામાં ચિપ વિશે કોઈ ચર્ચા કરતું નહોતું અને મીડિયા મજાક ઉડાવતું હતું. આજે ભારતે 5 વર્ષ પહેલાં લીધેલો સંકલ્પ સિદ્ધ કર્યો છે, જે સાબિત કરે છે કે ભારત જે નક્કી કરી લે છે તે કરીને જ જંપે છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ