આરોગ્ય મંત્રીના વિસ્તારમાં PHCનું બારોબાર વેચાણ!
અધિકારીઓની બેદરકારીથી સરકારી હોસ્પિટલની જમીન વેચાણ થવાનો મામલો ચર્ચાસ્પદ
વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનનું બારોબાર વેચાણ
વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનનું બારોબાર વેચાણ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તાર વિસનગરમાં આરોગ્ય કેન્દ્રની જમીન બારોબાર વેચાઈ ગયાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધિકારીઓની બેદરકારીથી વેચાઈ ગયુ છે. આજુબાજુના 12 ગામના લોકો માટે આરોગ્ય સેવા પૂરી પાડતા આરોગ્ય કેન્દ્રની જમીનનું વેચાણ થઈ જતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આરોગ્ય કેન્દ્રની જમીનનું વેચાણ થઈ ગયા બાદ કાચી નોંધ પડી ત્યાં સુધી કોઈને જાણ સુધ્ધાં થઈ નથી. ત્યારે સમગ્ર કાંડ અંગે તપાસ થાય તો અન્ય ખુલાસા થઈ શકે તેમ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માદરે વતન વિસનગરમાં તેમના જ વિભાગનો અજીબોગરીબ કિસ્સો સાંભળવા મળ્યો છે. ખરવડા-મગરોડા ગામના સર્વે નંબર 11 વાળી જમીનમાં બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન બારોબાર વેચાઈ ગઈ છે. 70 વર્ષ અગાઉ આરોગ્ય કેન્દ્રની જમીન દાનમાં આપવામાં આવી હતી. રાજ્ય સરકારે અત્યાર સુધી આરોગ્ય વિભાગના નામે ટ્રાન્સફર કરાવ્યા વગર વપરાશ કર્યો છે. જો કે, 70 વર્ષ પછી જમીનના મૂળ વારસદારોએ તેનું વેચાણ કરી દીધુ છે.
ખરવડા-મગરોડા ગામમાં આરોગ્ય સુવિધાઓની જરૂરિયાત હતી ત્યારે વર્ષ 1955માં રાઈબેન ચૌધરીએ પોતાની સર્વે નંબર 11 વાળી જમીન આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવા દાનમાં આપી હતી. ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને આરોગ્ય મળી રહે તે માટે રાઈબેને જમીન આપી હતી. ત્યારે સરકારે જમીનને પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યા વગર આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરી દીધું હતું. તેથી જમીનના રેકોર્ડમાં હજુ સુધી મૂળ માલિકનું નામ ચાલી રહ્યું છે.

70 વર્ષ બાદ રાઈબેન ચૌધરીના ભાણીયા ગૌરવ ચૌધરીએ જમીનનું વેચાણ કરી દીધું છે. આ જમીન વિસનગર એપીએમસીના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ ખરીદ કરી છે. વેચાણના દસ્તાવેજોમાં પડેલી નોંધમાંથી જાણવા મળ્યું છે. 70 વર્ષથી આરોગ્ય સેવા આપતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીન વેચાઈ જતાં પંથકમાં હડકંપ મચી ગયો છે.
મજાની વાત તો એ છે કે, 70 વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગે જમીનને પોતાના નામે કરાવ્યા વગર તેના પર 7 મકાનો બનાવ્યા છે. આરોગ્ય કેન્દ્રની મુખ્ય ઈમારત સહિત વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અધિકારીઓની ગંભીર બેદરાકરીના કારણે પંથકના લોકોને આરોગ્ય સુવિધા ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જમીન ખરીદ કરનાર આ જગ્યા પર પોતાના હક્કનો દાવો કરી શકે છે. જેના કારણે આરોગ્ય કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવાની નોબત આવી શકે છે.
એક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં જમીન અને મિલકતોના બારોબાર વેચાણ થવા પાછળ આવા કિસ્સા જવાબદાર હોય છે. જમીનના રેકોર્ડ અને સરકારી મિલકતોના વ્યવસ્થાપનની ખામીઓના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે.
વિસનગર તાલુકા પંચાયત અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉંઘમાંથી જાગીને જમીનના રેકોર્ડ તપાસી રહ્યા છે. પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે. જમીન સરકારી હસ્તગત થઈ ગઈ હોય તો કાનૂની રાહે તેને પરત મેળવી શકાય છે. પરંતુ તેના કારણે કેસ વધિ જટિલ બની શકે તેમ છે.
કલેકટરે ગ્રાન્ટ અટકાવતા મામલો બહાર આવ્યો
ખરવડા-મગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગ તેમજ અન્ય વિકાસના કામ માટે 86 લાખ ગ્રાન્ટ ફાળવી છે. તે સંદર્ભે આરોગ્ય વિભાગમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રક્રિયા દરમિયાન જમીન વિવાદ ધ્યાને આવતા મહેસાણા કલેકટરે રૂપિયા 86 લાખની ગ્રાન્ટ અટકાવી દીધી છે. જેના કારણે આરોગ્ય કેન્દ્રનો વિવાદ બહાર આવ્યો છે. કલેક્ટરે ગ્રાન્ટ અટકાવીને આરોગ્ય વિભાગ તેમજ જમીન નોંધણી વિભાગના અધિકારીઓ પાસે જવાબ માંગતાં બંને વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી છે.

મારી માતાનું નામ લખાય તો જમીન પરત આપીશઃ હરેશભાઈ ચૌધરી
આ જમીન જેમણે ખરીદી છે તે વિસનગર એપીએમસીના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ જમીન મે ના ખરીદી હોત તો અન્ય કોઈ વ્યક્તિ ખરીદી લેત. ગામનો જ વ્યક્તિ હોવાના કારણે મેં આરોગ્ય કેન્દ્ર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મારી શરત છે કે હોસ્પિટલના બિલ્ડીંગ ઉપર મારી માતાનું નામ લખાય. આ જગ્યા સરકાર પાસેથી નહીં પરંતુ જમીન માલિક પાસેથી ખરીદી છે.
સ્થળ તપાસ વગર જ કાચી નોંધ પાડી દેવામાં આવી
ખરવડા-મગરોડા જમીનના વેચાણનો દસ્તાવેજ થઈ ગયા બાદ મામલતદાર કચેરીમાં તેની કાચી નોંધ પાડી દેવામાં આવી છે. સરકારી જગ્યા હોવા છતાં કેવી રીતે દસ્તાવેજ થઈ ગયો તે પણ તપાસનો વિષય છે. દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન અધિકારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારી જમીન હોવાનું કેમ ધ્યાને ન આવ્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. 70 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું હોવા છતાં કાચી નોંધ કેવી રીતે પડી ગઈ જેવાં અનેક સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો