ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલે કરોડો રૂપિયાની ગેરરીતિ કર્યાની ફરિયાદ થતાં સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત મિલકતો અંગે સીબીઆઈએ 6 દિવસ અગાઉ દરોડા પાડ્યા હતા. 12 હજાર ફાર્મસી કોલેજોમાં મોન્ટુ પટેલ સામે ગોટાળો કર્યાનો આરોપ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મોન્ટુ પટેલે PhD કર્યુ હોવાનું સામે આવ્યું છે. ફાર્મસી ભવનમાં એડમિશન મેળવી છ વર્ષ પહેલાં મોન્ટુ પટેલે PhDની ડિગ્રી મેળવી હતી.
વર્ષ 2019માં મોન્ટુ પટેલે HIV પર સંશોધન કરી PhD પૂર્ણ કર્યું હતું. મૂળ અમદાવાદ અને હાલમાં કેનેડા સ્થિત ડો. નિરવ વી પટેલના માર્ગદર્શન હેઠળ મોન્ટુ પટેલે PhDની ડિગ્રી મેળવી હતી. ફાર્મસી ભવનમાં કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે 5 વર્ષ માટે નિરવ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. મોન્ટુ પટેલે ડેવલોપમેન્ટ એન્ડ કરેક્ટરાઇઝેશન ઓફ નેનો ટેકનોલોજી બેઇઝ સીસ્ટમ ફોર ધી ઇફેક્ટીવ ટ્રીટમેન્ટ ઓફ એચઆઇવી એઇડ્સ નામના વિષય હેઠળ મહા શોધ નિબંધ રજુ કર્યો હતો. નવા નિયમ મુજબ PhDમાં દર 6 મહિને વાયવા લેવામાં આવે છે. મોન્ટુ પટેલે પીએચડી કર્યું ત્યારે જૂના નિયમો હતા. જૂના નિયમો મૂજબ માત્ર રિપોર્ટ સબમિટ કરવાનો નિયમ હતો. જેથી રૂબરૂ આવવાની જરૂર રહેતી ન હતી.
દેશની 12 હજાર ફાર્મસી કોલેજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હેઠળ આવે છે. જેમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. હાલમાં મોન્ટુ પટેલ ફરાર છે. તેની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો તેમજ જરૂર ન હોવા છતાં 117 કરોડની ઓફિસ અને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ 4 વર્ષ પહેલાં PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં પહેલાં ગુજરાતી અધ્યક્ષ બન્યા છે. મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે પણ જોડાયેલા છે.
ફાર્માસિસ્ટ તથા ફાર્મસીને લગતા અભ્યાસક્રમની નીતિવિષયક બાબતો અંગે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કામ કરે છે. કાઉન્સિલ રેગ્યુલેશનની કામગીરી પણ કરતું હોય છે. દેશની નવી ફાર્મસી કોલેજના પરવાનગી આપવાનું તથા કોલેજ નિરીક્ષણ કરી તેની માન્યતા રિન્યુ કરવાનું પણ કામ કરતું હોય છે.
સીબીઆઈએ 30 જૂન 2025ના રોજ નોંધેલી ફરિયાદ મુજબ મોન્ટુ પટેલ સામે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 2022માં થયેલી ચૂંટણીમાં ગેરરીતિ, સગાવાદ, કારોબારી સમિતિમાં 6 સભ્યોની પસંદગી કરી ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન થયેલું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડો. મોન્ટુ પટેલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષપદની 6 એપ્રિલ, 2022ના રોજ યોજાયેલી ચૂંટણી સમયે દિલ્હીના કનોટ પ્લેસની હોટલમાં 3 એપ્રિલથી 6 એપ્રિલ માટે 15 રૂમ બુક કરાવ્યા હતા. તેણે અલગ અલગ 18 પેકેજ બુક કરાવ્યા હતા. જેમાં 7 હજારના 3 પકેજ, 8 હજારના 14 પેકેજ અને 12,500નું 1 પેકેજ બુક કરાવ્યું હતું. જેના પેટે તેણે 2.75 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મોન્ટુએ સેન્ટ્રલ કાઉન્સિલના 12 મેમ્બર તેમજ ચૂંટણીના મતદારો બુકિંગ કરાવ્યા હતા.