પાટણ: હારીજ-ચાણસ્મા હાઈવે પર બસ પલટી, 2 ના મોત
એક્ટિવા ચાલકને બચાવવા જતાં વડીલ વંદના કાર્યક્રમની બસ પલટી, 18 મુસાફરોને ગંભીર ઈજા

હારીજ બસ અકસ્માત

હારીજ બસ અકસ્માત
પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આઈટીઆઈ કોલેજ પાસે મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી જતાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક્ટિવા ચાલકને બચાવવા જતાં સર્જાઈ દુર્ઘટના :
પ્રાથમિક વિગતો મુજબ, લક્ઝરી બસ હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક એક્ટિવા સવાર આડો ઉતર્યો હતો. આ એક્ટિવા ચાલકને બચાવવા માટે બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડમાં ઉતરી જઈ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના વડીલ વંદના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના ઘટી હતી.
બચાવ કામગીરી અને હોસ્પિટલમાં દોડધામ :
અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાચ તોડીને લોકોને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત ધરાવતા દર્દીઓને પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી :
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ બહાર ઇજાગ્રસ્તોના સગા-સંબંધીઓના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઇવે પર પલટી ગયેલી બસને ક્રેન દ્વારા ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.