ગુજરાતમાં પોલીસની ખુલ્લેઆમ દાદાગીરી
પાલડીમાં મહિલા પર હાથ ઉપાડ્યો અને સુરતમાં વેપારીને બેફામ માર માર્યો, તપાસના આદેશ

પોલીસની દાદાગીરી

પોલીસની દાદાગીરી
અમદાવાદ અને સુરત એમ બંને શહેરોમાંથી ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે. જે પોલીસ પર જનતાના રક્ષણની જવાબદારી છે, તે જ પોલીસ કર્મચારીઓ હવે સામાન્ય નાગરિકો પર પોતાનો રોફ જમાવી રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે ગેરવર્તણૂક
અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયંતી ઝાલા નામના પોલીસકર્મીએ માનવતા અને મર્યાદા નેવે મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આઈડી કાર્ડની આપ-લે દરમિયાન કાર્ડ ભૂલથી નીચે પડી જતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય બોલાચાલીમાં પોતાનો સંયમ ગુમાવીને પોલીસકર્મીએ મહિલા પર હુમલો કર્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પીડિત મહિલા આ બાબતે ફરિયાદ કરવા ગઈ, ત્યારે પોલીસ સ્ટેશનમાં જ તેની રજૂઆત સાંભળવામાં આનાકાની કરવામાં આવી હતી. આ મામલો હવે રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે અને ઉચ્ચ સ્તરેથી કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
સુરત: પોલીસ કોન્સ્ટેબલે વેપારીને મેથીપાક ચખાડ્યો
બીજી તરફ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસકર્મી એક નિર્દોષ દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ દાદાગીરીને કારણે પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા થયા છે.
અમદાવાદમાં 18 ડિસેમ્બર, 2025ના રોજ નવનિર્મિત ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને તેમની કાર્યશૈલી અને જનતા સાથેના વ્યવહાર અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસનું કામ સામાન્ય નાગરિકોને મદદ કરવાનું અને અસામાજિક તત્વોમાં ભય પેદા કરવાનું છે.
ગુનેગારોમાં પોલીસનો ખૌફ જરૂરી :ગૃહમંત્રીએ અમદાવાદ પોલીસને ટકોર કરતા જણાવ્યું કે રાજ્યમાં પોલિસિંગ એવી રીતે થવું જોઈએ કે જેનાથી ગુનેગારોના મનમાં ફાળ પડે. ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસને ઉદ્દેશીને તેમણે કહ્યું કે પોલીસની ધાક એવી હોવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રૂજવા લાગે અને તેમની ચાલ બદલાઈ જાય. કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે અસામાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો અનિવાર્ય છે.
સામાન્ય જનતા સાથે સંવેદનશીલ વ્યવહાર :પોલીસ સ્ટેશને આવતા વૃદ્ધો અને ફરિયાદીઓ સાથેના વર્તન અંગે પણ હર્ષ સંઘવીએ ભાર મૂક્યો હતો. તેમણે સલાહ આપી કે જ્યારે કોઈ વડીલ કે દાદા-દાદી પોતાની ફરિયાદ લઈને આવે, ત્યારે પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) જેવી ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને તેમનું સન્માન કરવું જોઈએ. તેમને પાણી આપીને માનભેર બેસાડવાથી પીડિત નાગરિકનો સિસ્ટમમાં વિશ્વાસ વધે છે અને તેમને જીવન જીવવાની નવી શક્તિ મળે છે.
તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો પોલીસ અધિકારીઓ ફરિયાદીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરશે, તો સામાન્ય જનતા ન્યાયની આશા ગુમાવી દેશે. અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને વિનમ્રતાથી પેશ આવવાની તેમણે પોલીસ બેડાને અપીલ કરી હતી.
તપાસ અને કાર્યવાહી :
સુરતની ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ તપાસીને જો પોલીસકર્મી દોષિત જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. પોલીસની આ પ્રકારની વર્તણૂક સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ