ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત!
ભાવનગરમાં પ્રથમ મોતની પુષ્ટિ, રાજ્યમાં કેસો વધતા આરોગ્ય વિભાગે વધારી સતર્કતા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસના રોગચાળાની સમીક્ષા કરી હતી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસના રોગચાળાની સમીક્ષા કરી હતી
First child dies due to Chandipura virus in Bhavnagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારા વચ્ચે ભાવનગર જિલ્લામાં પ્રથમ મોતનો કેસ નોંધાયો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના છ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 8 બાળકોના મોત થયા છે.
બાળકમાં શરૂઆતના લક્ષણો દેખાયા
ભાવનગર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક થોડા દિવસ પહેલાં પરિવાર સાથે જામનગરથી મેલાણા ગામ આવ્યો હતો. તેને તીવ્ર તાવ અને ચાલવામાં તકલીફ થતાં પ્રથમ સ્થાનિક સ્તરે સારવાર અપાઈ હતી. ત્યારબાદ સ્થિતિ ગંભીર બનતાં તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને મેલાણા ગામમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
સઘન સારવાર છતાં જીવ બચાવી શકાયો નહીં
સર ટી. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકને તીવ્ર તાવ, સતત આંચકી અને ન્યુરોલોજીકલ લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યો હતો. ICUમાં વેન્ટિલેટર સહિતની સારવાર અને જરૂરી દવાઓ આપવામાં આવી હોવા છતાં સારવારના બીજા દિવસે તેનું મોત થયું હતું. તેના સેમ્પલ વિશેષ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મેલાણા ગામમાં આરોગ્ય વિભાગની કામગીરી તેજ
ઘટના બાદ આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં સર્વેલન્સ, આરોગ્ય ચકાસણી, દવાનો છંટકાવ અને સંક્રમણ નિયંત્રણની કામગીરી શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓના આરોગ્યની તપાસ સાથે સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની સ્થિતિ
રાજ્ય સરકારની સમીક્ષા મુજબ અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં 55 નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ થયું છે અને 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં ગુજરાતના નવ અને રાજસ્થાનના ત્રણ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે 8 બાળકોના મોત થયા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર, અમદાવાદનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કેસની સ્થિતિ, લેબ પરીક્ષણ, સંક્રમણના સ્ત્રોત અને નિયંત્રણ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટપૂર્વક તપાસ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
સેન્ડફ્લાય નિયંત્રણ માટે વિશેષ અભિયાન
અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો ઘરોમાં હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાયરસના સંભવિત વાહક સેન્ડફ્લાય અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણ આસપાસ વિશેષ ડસ્ટિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી કેન્દ્રોમાં બાળકો માટે ICU બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
બાળકોમાં આ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લો
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે, બાળકમાં અચાનક ઊંચો તાવ, વારંવાર ખેંચ આવવી, ઉલટી, ઝાડા, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલ અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. ચોમાસા દરમિયાન સપ્ટેમ્બર સુધી વાયરસની સક્રિયતા વધુ રહેતી હોવાથી સાવચેતી રાખવી જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ