નર્મદામાં અધિકારીઓએ કર્યો સરકારી નિયમોનો ઉલાળિયો!
SOU નજીક 2019માં અધિકારીઓને ફાળવેલા પ્લોટમાં રહેણાંકના બદલે કોમર્શિયલ બાંધકામો કરી દીધાં

સરકારી અધિકારીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા

સરકારી અધિકારીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા
Action against illegal constructions by government officials: નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં સરકારી અધિકારીઓને ફાળવાયેલા પ્લોટ પર ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે જેસીબી મશીનોની મદદથી ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું. જેના કારણે રાજ્યના વહીવટી વર્તુળોમાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
વર્ષો પહેલા ફાળવાયેલા પ્લોટ બન્યા વિવાદનું કારણ
વર્ષ 2019 દરમિયાન ગરુડેશ્વર વિસ્તારમાં કેટલાક સરકારી અધિકારીઓને રહેણાંક માટે પ્લોટ ફાળવાયા હતા. તત્કાલિન કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા તે સમયના 13 સરકારી અધિકારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. પ્લોટ મેળવ્યા બાદ અધિકારીઓએ નિયત સમયમર્યાદામાં કોઈ બાંધકામ કર્યું નહોતું. પ્રાથમિક વિગતો મુજબ, નિયત શરતોનું પાલન ન થવા ઉપરાંત કેટલીક જગ્યાઓ પર નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
રહેણાંકની જગ્યાએ વ્યાવસાયિક ઉપયોગના આક્ષેપ
ટાઉન પ્લાનિંગના નિયમો અને મંજૂરીઓને નેવે મૂકીને બાંધકામો કરવામાં આવ્યા. રહેણાંકના બદલે કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતાં વહીવટી તંત્રએ કાર્યવાહી કરી હતી. તત્કાલિન કલેક્ટર દ્વારા વર્ષ 2019માં અપાયેલી જમીનો પર નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા કોમર્શિયલ બાંધકામો બદલ વર્તમાન કલેક્ટરે આ જમીન ફરી 'શ્રી સરકાર' કરવાનો કડક આદેશ આપતા સમગ્ર રાજ્યના વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
RTI અને ફરિયાદ બાદ શરૂ થઈ તપાસ
આ સમગ્ર મામલો સત્તાવાર ફરિયાદ અને માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ મેળવાયેલી વિગતો બાદ વધુ ચર્ચામાં આવ્યો. રજૂ થયેલા દસ્તાવેજો અને તપાસના આધારે જિલ્લા વહીવટીતંત્રે ગેરરીતિઓની સમીક્ષા કરી અને કથિત ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો નિર્ણય લીધો.
ક્યાં અધિકારીનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું?
ડી. કે. ભગત (તત્કાલિન પ્રાંત અધિકારી અને હાલમાં અધિક કલેક્ટર)
બી. ડી. મોડિયા (તત્કાલિન ચૂંટણી અધિકારી, નર્મદા અને હાલમાં સચિવાલય ગાંધીનગર)
વી. વી. મછાર (તત્કાલિન મામલતદાર અને હાલમાં નિવૃત્ત)
એચ. વી. ગામિત (તત્કાલિન ટાઉન પ્લાનર, નર્મદા અને હાલ સિનિયર ટાઉન પ્લાનર, એવોર્ડ શાખા, ગાંધીનગર)
સ્વ. ડી.એન. ચૌધરી (તત્કાલિન પ્રાંત અધિકારી, ડેડિયાપાડા)
આર.એમ.ચૌધરી
નિવૃત્ત IAS એલ.એમ. ડીંડોર અને આર.વી. બારીયાએ કોર્ટમાંથી સ્ટે મેળવતાં હાલ પૂરતી કાર્યવાહી ટળી
અધિકારીઓએ સરકારી નિયમોનો ઉલાળિયો કર્યો
નર્મદા જિલ્લાના રમણીય સ્થળો પર પ્લોટો મેળવી લાભ લેનાર તમામ અધિકારીઓ મહેસૂલ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે જોડાયેલા હતા. તમામને પ્લોટ ફાળવણીના નિયમોનો ખ્યાલ હોવા છતાં નિયમોનો ઉલાળિયો કર્યો હતો. આ મામલે ભારે ઉહાપોહ થતા બુલડોઝર ફેરવવાની ફરજ પડી છે.
શું હતો સમગ્ર મામલો?
સરકારની યોજના હેઠળ વર્ષ 2019માં 13 તત્કાલિન અધિકારીઓને નિયમ મુજબ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. તત્કાલિન કલેક્ટર આર.એસ.નિનામા દ્વારા સરકારના નીતિ નિયમોનું પાલન કરવાની શરતે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. અધિકારીઓને પ્લોટ ફાળવ્યા બાદ નિયમ મુજબ કેટલાક અધિકારીઓએ બાંધકામ કર્યું ન હતું. કેટલાક અધિકારીઓએ ટાઉન પ્લાનિંગની મંજૂરી લીધી ન હતી. અધિકારીઓએ કરેલાં બાંધકામ અંગે તપાસ કરતાં કોમશયલ પ્રકારનું હોવાથી તત્કાલિન મામલતદાર પી.કે.જોષીએ ફરિયાદ કરી હતી. બાદમાં આરટીઆઈ દ્વારા માહિતી માંગતા મામલો ઉછળ્યો હતો. તેથી કલેકટરે સમગ્ર પ્રકરણની તપાસ સોંપી હતી.
તપાસ બાદ ચાર અધિકારીઓએ બાંધકામ ન કર્યું હોવાથી તેમની જમીન શ્રીસરકાર કરવામાં આવી હતી. અન્ય અધિકારીઓના મકાનો કોમર્શિયલ પ્રકારના હોવાથી બાંધકામ તોડી જમીન શ્રીસરકાર કરવા કલેક્ટરે હુકમ કર્યો હતો. જેના પગલે વહીવટી તંત્રએ મકાનોના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા છે. હાલમાં પાંચ અધિકારીઓના મકાનો પર બુલડોઝર ફર્યું છે. બે અધિકારીઓએ કોર્ટમાંથી સ્ટે મેળવતાં કાર્યવાહી હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વખત અધિકારીઓને નોટિસ આપીને બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવા કહ્યું હતું. તેમ છતાં બાંધકામ દૂર કર્યુ ન હતું. વર્ષ 2019માં નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં અધિકારીઓએ જમીનની માગણી કરી હતી. પરંતુ ક્યા હેતુ માટે માંગણી કરી હતી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી. ટાઉન પ્લાનિંગના અધિકારીને પણ આ જગ્યાએ પ્લોટની ફાળવણી કરાઇ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ