શિયાળાએ હવે વિદાય લઇ લીધી છે અને આવતાની સાથે જ ઉનાળાએ તેનું રૌદ્ર સ્વરુપ બતાવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે મંગળવાર 11 માર્ચના દિવસે રાજ્યના 9 જિલ્લામાં હિટવેવની આગાહી કરીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ શકે છે.કારણ કે તાપમાનનો પારો 42 ડિગ્રીની પાર જવાની સંભાવના છે.
હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓ ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ચેતવણી જાહેર કરીને હિટવેવની આગાહી કરી છે .

ઉલ્લેખનિય છે કે સોમવારે રાજ્યમાં ગરમીની તીવ્ર અસરજોવામળી હતી અને દાહોદ 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભજમાં 42 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ગરમ પવન ફૂંકાવાના કારણે લૂ નો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં હિટવેવને કારણે ગરમીનું જોર યથાવત્ રહેશે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 13 માર્ચ સુધી હિટવેવનું જોર યથાવત્ રહેવાની પ્રબળ શક્યતા છે. જ્યારે અમદાવાદમાં આગામી 24 કલાક બાદ હિટવેવથી રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.
હિટવેવથી બચવા માટે લોકોએ ખાસ ધ્યાન રાખવું જરુરી છે કારણકે લૂ લાગવાથી ડિહાઇડ્રેશન થઇ શકે છે અને ચક્કર પણ આવી શકે છે. ઉનાળામાં ભારે ગરમીની અસર વચ્ચે વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું, બપોરના 1થી 4 વાગ્યા દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું, ટુ-વ્હીલર ચાલકોઅે શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવા, દર 7થી 10 કિલોમીટરે વાહન ઊભું રાખી છાંયામાં ઊભા રહેવું અને પાણી પીવું, ભારે ખોરાક ખાવાનું ટાળવું, લૂની અસર જણાય તો ડોક્ટરો સંપર્ક કરવો અને ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાસ વગેરેનું સેવન કરવું ખાસ જરુરી છે