Ahmedabad News: અમદાવાદના મકરબા રેલવે ઓવરબ્રિજની ખામીઓ હવે મ્યુનિસિપલ તંત્ર માટે માથાનો દુઃખાવો બની રહી છે. શહેરના વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં બ્રિજની કામગીરી અને તેની ડિઝાઈનને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓવરબ્રિજની ખામીઓનો અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ અભ્યાસ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. મકરબા રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં સંકળાયેલી ડીઈએલએફ કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી જ બ્રિજની ખામીઓ અંગે સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. જેના કારણે તંત્રની કાર્યવાહી સામે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે જે એજન્સી સાથે બ્રિજની કામગીરી જોડાયેલી હતી, તેની પાસેથી જ હવે બ્રિજની ખામીઓ અંગે જવાબ માગવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને લઈને એવી ચર્ચા પણ થઈ રહી છે કે જાણે પરીક્ષાર્થી જ પોતાના પેપરની તપાસ કરી રહ્યો હોય. બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા બાદ જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવાને બદલે હાલમાં કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી સ્પષ્ટીકરણ મંગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
96 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો ઓવરબ્રિજ
મકરબા રેલવે ઓવરબ્રિજ 96 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે જે કામ ચાર વર્ષમાં પૂર્ણ થવાનું હતું તે ઓવરબ્રિજ તૈયાર થવામાં લગભગ છ વર્ષનો સમય લાગ્યો. લાંબા સમય સુધી ચાલેલી કામગીરી બાદ બ્રિજ શરૂ થયા પછી તેની ડિઝાઈન અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. મકરબા વિસ્તારમાં આવેલા આ ઓવરબ્રિજનું આયોજન અને તેની ડિઝાઈન અંગે પણ શરૂઆતથી ચર્ચા રહી છે. ખાસ કરીને બ્રિજનો છેડો સીધો ચાર રસ્તા પર ઉતરતો હોવાના કારણે ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થા, વાહનોની અવરજવર અને અકસ્માતના જોખમને લઈને સવાલો ઉભા થયા છે. હવે લોકોમાં બ્રિજની કામગીરીને લઈને ઉહાપોહ વધતા મ્યુનિસિપલ તંત્ર સામે પણ આ મુદ્દે કાર્યવાહી કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
કડક કાર્યવાહી પહેલા માત્ર સ્પષ્ટીકરણ
મકરબા રેલવે ઓવરબ્રિજની ખામીઓ અંગે હાલમાં કન્સલ્ટન્ટ એજન્સી ડીઈએલએફ પાસેથી સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. એજન્સી તરફથી કારણો અને સ્પષ્ટીકરણ મળ્યા બાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી અને સમસ્યાના નિરાકરણ અંગે નિર્ણય લેવામાં આવશે. આ કાર્યવાહી સામે સૌથી મોટો સવાલ એ છે કે બ્રિજની ડિઝાઈન, આયોજન અને કામગીરીમાં જો ખરેખર ખામીઓ સામે આવી રહી હોય તો જવાબદારી કોની નક્કી થશે? બ્રિજ તૈયાર કરનાર કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી જ સ્પષ્ટીકરણ મંગાવવાની કાર્યવાહી બાદ લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે.
બ્રિજની ખામીઓ ક્યારે દૂર થશે?
મકરબા રેલવે ઓવરબ્રિજ શહેરના મહત્વના માર્ગો પૈકીનો એક હોવાથી અહીં રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. આવી સ્થિતિમાં બ્રિજની ડિઝાઈન અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ઊભા થતા સવાલોનું સમયસર નિરાકરણ જરૂરી બની જાય છે. હાલમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. હવે એજન્સી શું જવાબ આપે છે અને તેના આધારે AMC દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર નજર રહેશે. મકરબા રેલવે ઓવરબ્રિજના નિર્માણ પાછળ 96 કરોડથી વધુનો ખર્ચ, ચાર વર્ષના બદલે લગભગ છ વર્ષનો સમય અને હવે તેની ખામીઓના અભ્યાસની કાર્યવાહી સામે આવી છે. જેના કારણે અમદાવાદના નાગરિકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે બ્રિજની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને તેની જવાબદારી આખરે કોની નક્કી થશે?