આદરી બીચ પર દરિયામાં 5 લોકો ડૂબતા, 1 યુવતી ગુમ
ફોટોશૂટ માટે આવેલા 5 લોકો દરિયામાં તણાયા, જેમાં 4 યુવકોને બચાવ્યા પરંતુ 1 યુવતી ગુમ છે

જ્યોતિ પરમાર

જ્યોતિ પરમાર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક દુર્ઘટના બની છે, જેના કારણે આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે. એક યુવક-યુવતીના સમૂહ દ્વારા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઊંચી લહેરો ઊછળી અને 5 લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તણાઈ ગયેલા 5 લોકોમાં 4 યુવકોનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
30 વર્ષીય યુવતી જ્યોતિ પરમાર ગુમ
જોકે, આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ પરમાર હજુ પણ ગુમ છે. જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલમાં વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુમ યુવતી જ્યોતિ પરમારની માસીની દીકરીના લગ્ન હતા, અને વર પક્ષ તેમજ વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ગંભીર ઘટના બની હતી.
આ પણ વાંચો: ધાતરવાડી નદીમાં ડૂબેલા 4માંથી 2ના મૃતદેહ મળ્યા
સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે 4 યુવકોનો આબાદ બચાવ થયો હતો. હાલમાં, ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં ગુમ યુવતી જ્યોતિ પરમારની શોધખોળ ચાલુ છે. તંત્ર દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દુર્ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી
આદરી બીચ પર બનેલી આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ દરિયાકિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવાં અને જીવનરક્ષક ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જોરદાર માગણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?