રાજ્યભરમાં અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં મારપીટ, તોડફોડ, ધાક-ધમકીના અનેક વીડિયો વાઇરલ થયા બાદ સફાળી જાગેલી સરકારે ગુંડા તત્ત્વો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવાનું એલાન કર્યું છે. અભિયાનના ભાગરૂપ રાજ્યભરમાં પોલીસે 7,612 અપરાધીઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં 3,264 બુટલેટગર, 516 જુગારીઓ તથા જાહેરમાં મહિલાઓની છેડતી કરનાર 2,149 આરોપીઓના નામ સામેલ છે. આ અસામાજિક તત્ત્વો વિશે અગાઉથી જાણ હોવા છતાં પોલીસ અત્યાર સુધી કેમ સક્રિય થઈ નહીં એ સવાલ સામાન્ય લોકો પૂછી રહ્યાં છે. રાજ્યમાં સ્થાપનાથી જ પ્રોહિબીશન છે તો આટલા બધા બુટલેગરો કેમ પેદા થયા તે પણ હવે સવાલ થઇ રહ્યો છે. પોલીસના સહકાર વગર આ શક્ય જ નથી કારણ કે રાજ્યનો પ્રત્યેક નાગરીક જાણે છે કે બુટલેગરો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ છે. રાજ્યમાં સ્ટેટ મોનિટરીંગ સેલ છાશવારે દરોડા પાડીને દારુ અને બુટલેગરો પકડે છે. એસએમસીની ટીમ જે સ્થળે પહોંચીને દરોડા પાડે છે અને તેને બાતમી પણ મળે છે પણ સ્થાનિક પોલીસને બાતમી પણ મળતી નથી તે નવાઇની વાત છે. એક તરફ ગૃહ રાજ્ય મંત્રી એમ કહે છે કે અસામાજીક તત્વો સામે પોલીસમાં ફરિયાદ કરો અને પોલીસ કાર્યવાહી ના કરે તો મને ફરિયાદ કરો ત્યારે સવાલ એ પણ થાય છે કે શું ગુજરાત પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરતી નથી એટલે છેક ગૃહ રાજ્યમંત્રી સુધી જવું પડે ?
ગુજરાતના ગુનેગારોની યાદી
3264-બુટલેગરો
516-જુગારી
2149 -શરીર સંબંધી ગુનો કરનાર
958-મિલક્ત સંબંધી ગુનો કરનાર
179- માઈનિંગ સંબંધિત ગુનેગાર
545 - અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર
કાર્યવાહીના આદેશ અપાઈ ગયા: ડીજીપી
રાજ્યભરની પોલીસ પાસેથી મળેલા આ અસામાજિક તત્ત્વોના નંબર છે. જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ડીજીપી ના આદેશ બાદ અમદાવાદમાં જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદન અને શહેરકોટડા વિસ્તારના અયુબ ઉર્ફે પતલીના ગેરકાયદે રીતે બાંધેલા મકાન તોડી પડાયા હતા, જ્યારે સરદારનગર વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર મંજુબેનના ગેરકાયદે ઘરને ડિમોલીશ કરવામાં આવ્યું હતુ.