જામનગરમાંથી વધુ એક બનાવટી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.LCBની ટીમે બાતમીના આધારે નેવી મોડા ગામે સીમમાં દરોડો પાડી 1,056 નકલી દારૂ સહિત રૂપિયા 7.28 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે.આરોપીઓ કેમિકલયુક્ત દારૂમાં કંપનીના સ્ટીકર ચોંટાડી કરામત કરતા હતા. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ બનાવી કંપનીના ખોટા સ્ટીકરો લગાવી દેતા હતા :
જામનગરના નેવીમોડાગામના હરદીપસિંહ જાડેજાની વાડીમાં આવેલા રહેણાંક મકાને પોલીસે રેડ પાડી હતી.આ વેળાએ બનાવટી દારૂ બનાવવાની ફેકટરી ધમધમતી હોવાનો પર્દાફાશ થતાં પોલીસ પણ અવાચક થઈ ગઈ હતી.આરોપીઓ અંગ્રેજી દારૂ જેવો બનાવટી દારૂ બનાવી કંપનીના ખોટા સ્ટીકરો લગાવી દેતા હતા.કેમિકલના ઉપયોગ થકી બનાવટી દારૂ બનાવવાની ફેકટરીમાં વિદેશી દારૂ જેવો દારૂ બનાવી દારૂના ચપલા (પાઉચ)-1056 તથા અન્ય પદાર્થ (કેમિકલ) તથા સાધન સામગ્રી મોબાઈલ ફોન તથા વાહન મળી કુલ રૂપિયા 7,28,450નો મુદ્દામાલ ઝડપાયો હતો.
આ આરોપીઓની કરાઈ ધરપકડ :
1.હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવીરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (ઉવ.32 ધંધો ડ્રાઈવીંગ રહે.જામનગર મુળ- નેવીમોડા તા.જી.જામનગર)
2.શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ (ઉવ.25 ધંધો- ડ્રાઈવીંગ રહે. રામેશ્વરનગર, જામનગર)
3.અર્જુનસીંગ તેજસીંગ સોઢા (ઉવ.30 ધંધો- ડ્રાઈવીંગ રહે. ચોહટન, જી.બાડમેર રાજસ્થાન)
4.સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ (ઉવ.28 ધંધો- મજુરી રહે. લોરડીગામ જી.બ્યાવર રાજસ્થાન)
5.સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ (ઉવ.43 ધંધો- મજુરી રહે. બરેલાગામ જી.બ્યાવર રાજસ્થાન)
6.સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ (ઉવ.24 ધંધો- મજુરી રહે. બડલાગામ જી.ભીલવાડા રાજસ્થાન)
અલગ અલગ કલમો હેઠળ નોંધાયો ગુનો :
પોલીસે તમામ સામે પ્રોહિબિશન કલમ 65(એ),(ઈ),65એફ,67(1)(ક),83,98(2) તથા બીએનએસ કલમ 336(2),336(3),340(2) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ બનાવી છે.આ બનાવમાં જામનગરના જે આરોપીઓ છે તેના પર અગાઉ પ્રોહિબિશનના ગુન્હા નોંધાયા છે.જોકે જામનગર પોલીસ દ્વારા શહેર કે અન્ય જગ્યાએ આ ડુપ્લીકેટ દારૂ ફેક્ટરીમાંથી દારૂ સપ્લાય થાય એ પહેલા જ દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે.પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.