Radhanpur Sami Road Accident: પાટણ જિલ્લામાં શુક્રવાર, 23 ઓક્ટોબર 2026ના રોજ વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર-સમી માર્ગ પર ગોચનાદ ગામ નજીક સવારે આશરે 6 વાગ્યે સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં માતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર
મળતી માહિતી મુજબ, મૂળ ગુજરાતનો અને હાલ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના શિવાણા ગામે રહેતો સોની પરિવાર ગુજરાત પ્રવાસે આવ્યો હતો. દ્વારકામાં દર્શન કર્યા બાદ પરિવાર ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોચનાદ ગામ નજીક તેમની સ્વિફ્ટ કાર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં માતા-પુત્રનાં કરૂણ મોત
આ દુર્ઘટનામાં જમનાબેન મોંગીલાલ (ઉંમર 70 વર્ષ) અને રણજિતભાઈ મોંગીલાલ (ઉંમર 43 વર્ષ)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ધાર્મિક દર્શન બાદ પરિવારને મળવા જઈ રહેલા સોની પરિવાર માટે આ પ્રવાસ દુઃખદ ઘટનામાં ફેરવાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસકાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી.
ચાર લોકો ગંભીર રીતે ઘાયલ, મહેસાણામાં સારવાર
અકસ્મતમાં આરોહીબેન રણજિતભાઈ (ઉંમર 40 વર્ષ), અમિતભાઈ રણજિતભાઈ (ઉંમર 9 વર્ષ), શ્રવણભાઈ રણજિતભાઈ (ઉંમર 6 વર્ષ) અને ભાભરના યસકુમાર શામળભાઈ (ઉંમર 23 વર્ષ) ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે મહેસાણાની વાયબ્રન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અકસ્માતની તપાસ શરૂ
રાધનપુર-સમી માર્ગ પર થયેલા આ અકસ્માતને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.