ડોમ ધરાશાયી થયો, પણ ગરબા નહીં અટકે! કિર્તિદાન ગઢવીએ કરી મોટી જાહેરાત
અમદાવાદમાં ‘પરંપરા’ નવરાત્રિને લઈને મોટો નિર્ણય… હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં રમાશે ગરબા!

ડોમ ધરાશાયી થયા બાદ કિર્તિદાન ગઢવીના પરંપરા ગરબા હવે ખુલ્લા મેદાનમાં

ડોમ ધરાશાયી થયા બાદ કિર્તિદાન ગઢવીના પરંપરા ગરબા હવે ખુલ્લા મેદાનમાં
Kirtidan Gadhvi Garba Event Ahmedabad: અમદાવાદમાં નવરાત્રિ પહેલાં કિર્તિદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા મહોત્સવના AC ડોમ ધરાશાયી થવાની ઘટના બાદ આયોજકોએ આયોજનમાં ફેરફાર કર્યો છે. ડોમને નુકસાન પહોંચ્યા છતાં ગરબા રદ કરવામાં આવ્યા નથી. કિર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર રીલ શેર કરીને જાહેરાત કરી છે કે હવે ગરબા ડોમની જગ્યાએ ખુલ્લા મેદાનમાં યોજાશે. ‘પરંપરા’ નવરાત્રિનું આયોજન 12થી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.
'હવે ડોમના બદલે ખુલ્લા ગ્રાઉન્ડમાં ગરબા રમાશે'
કિર્તિદાન ગઢવીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે છેલ્લા દિવસથી ડોમને નુકસાન પહોંચ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ડોમને નુકસાન થયું છે, પરંતુ તેમની ટીમ અને ગરબાપ્રેમીઓના ઉત્સાહને કોઈ નુકસાન થયું નથી. ચાહકો તરફથી મળેલા સંદેશા અને પ્રેમને કારણે ફરી આયોજન શક્ય બન્યું હોવાનું તેમણે જણાવ્યું. કિર્તિદાને કહ્યું કે હવે ડોમના બદલે ખુલ્લા ગ્રાઉન્ડમાં ગરબા રમાશે. બીજા નોરતાથી દશેરા સુધી ગરબાનું આયોજન રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે સાઉન્ડ અને લાઇટિંગ સહિતની વ્યવસ્થા પહેલાં જેવી જ રહેશે. સાથે જ તેમણે ગરબાપ્રેમીઓને ‘પરંપરા’ સાથે જોડાયેલા રહેવા અપીલ કરી અને ‘જય માતાજી’ના સંદેશ સાથે જાહેરાત પૂર્ણ કરી.
9 ઓક્ટોબરે ધરાશાયી થયો હતો AC ડોમ
ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરની સાંજે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં ‘પરંપરા’ નવરાત્રિ માટે તૈયાર કરવામાં આવેલો AC ડોમ અચાનક ધરાશાયી થયો હતો. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના હોવાથી સ્થળ પર તૈયારીઓ ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, લગભગ બે મહિનામાં તૈયાર કરાયેલો ડોમ સંપૂર્ણ રીતે ઊભો કરવામાં આવ્યો હતો અને તેમાં લાઇટિંગ સહિતની વ્યવસ્થાઓ પણ લગાવવામાં આવી હતી. ડોમ ધરાશાયી થયો ત્યારે સ્થળ પર કામ કરી રહેલા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી હતી. સદનસીબે, ઘટના ગરબા શરૂ થાય તે પહેલાં બની હતી. ગરબા મહોત્સવ શરૂ થયા બાદ આવી ઘટના બની હોત તો મોટી જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
9 લાખ ચોરસ ફૂટમાં થવાનું હતું આયોજન
‘પરંપરા’ નવરાત્રિનું આયોજન આશરે 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં એકસાથે અંદાજે 12 હજાર લોકો ગરબા નિહાળી શકે તેવી ક્ષમતા હોવાનું જણાવાયું હતું. ડોમ ધરાશાયી થયા બાદ આયોજન સામે મોટો પડકાર ઊભો થયો હતો, પરંતુ કિર્તિદાન ગઢવીની જાહેરાતથી ગરબાપ્રેમીઓને રાહત મળી છે. હવે સૌની નજર ખુલ્લા મેદાનમાં થનારા ‘પરંપરા’ ગરબા મહોત્સવ પર છે. ડોમની ઘટના બાદ પણ આયોજકોએ ગરબા યોજવાનો નિર્ણય લીધો છે અને 12થી 20 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓ આગળ વધારવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત