જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા એક યુવાને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી હતી,જે સડોદર ગામના જ બે શખ્સોને પસંદ પડી ન હતી, અને ગઈકાલે અષાઢી બીજના કાર્યક્રમ દરમિયાન સામે મળી જતાં ઇન્સ્ટાગ્રામની પોસ્ટ મૂકનાર યુવાન પર બંને આરોપીઓએ છરીના છ થી સાત ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતો મીત નાથાભાઈ શ્રીમાળી નામનો 18 વર્ષનો યુવાન કે જે ગઈકાલે અષાઢી બીજનો તહેવાર હોવાથી સડોદર ગામમાં આવેલા અલક આશ્રમ પાસેના મેદાનમાં સંતવાણી તેમજ ભોજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયો હતો.જે દરમિયાન સડોદર ગામના જ જયેશ ભરતભાઈ રાઠોડ અને અરમાન ઉર્ફે લાલો ભરતભાઈ રાઠોડ ત્યાં મળી આવ્યા હતા.અને સોશિયલ મીડિયાની એક પોસ્ટ બાબતે મીત શ્રીમાળી સાથે તકરાર કરી હતી.આજથી છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કર્યો હતો.જેમાં કોમેન્ટ કરેલી હતી,જે કોમેન્ટ આરોપી જયેશ અને લાલાને પસંદ પડી ન હોવાથી તેનું મનદુઃખ રાખીને બંનેએ છરી વડે હુમલો કરી દઈ શરીરમાં આડેધડ છ થી સાત ઘા ઝીંકી દીધા હતા.જેથી મીત ત્યાંજ ઢળી પડ્યો હતો,અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ બનાવની જાણ થતાં ભારે અફરાતફરી થઈ હતી અને શેઠ વડાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.એસ.પટેલ બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાન મિત શ્રીમાળીની ફરિયાદના આધારે બંને હુમલાખોરો જયેશ અને લાલા સામે બી.એન.એસ.કલમ 109,504 તથા જીપીએકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે.હાલ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.