ગુજરાતમાં મેઘતાંડવ: અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ
વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી જળબંબાકાર

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર ઉમરગામમાં રાતના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગઈકાલથી આજ સુધીમાં ઉમરગામમાં કુલ 36 ઇંચ જેટલો વરસાદ વરસતા ગંભીર કુદરતી આફત સર્જાઈ છે. ભારે વરસાદના કારણે શહેરમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે અને મોંઘીદાટ કારો પણ પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે ફસાયેલા લોકોને બચાવવા માટે બોટથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો અને બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર
સુરત શહેરમાં પણ સવારના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. સુરતમાં ખાડી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં જોખમી સ્થિતિમાં રહેતા 2,244 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી સમયને લઈને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને આજે, 23 જુલાઈના રોજ મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક અને મંત્રીઓ તથા IAS અધિકારીઓ મેદાનમાં
દક્ષિણ ગુજરાતમાં વણસી રહેલી સ્થિતિ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચીને સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી હતી અને પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના થવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત કમિશનર રેમ્યા મોહન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે સહિત તમામ રેડ એલર્ટવાળા જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં વહેલી સવારે 3.30 વાગ્યાથી વાડજ, ઉસ્માનપુરા, નારણપુરા અને ઇન્કમટેક્સ જેવા વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલા વરસાદ બાદ સવારે 9.00 વાગ્યા પછી વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. માત્ર 1 કલાકમાં જ પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને બોપલ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બોપલની સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા અને અંડરપાસ બંધ કરાયા
સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે બોપલની સ્ટર્લિંગ સિટી સોસાયટીના કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ચંદનપુરા-ડી કેબિન રોડ પર આવેલી પીપળેશ્વર સોસાયટીની બહાર આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા ડી કેબિન અંડરપાસ અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આંબલી-બોપલ રોડ તેમજ એસ.જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રસ્તાઓ પર વાહનોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી હતી.
આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 25 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા 26 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ