ભાવનગર.. 43 વર્ષમાં કંઇ બદલાયું ખરું..?
ભાવનગર મહાનગરપાલિકા જ્યારથી અસ્તિવમાં આવી ત્યારથી ફાયદો થયો કે નુકશાન

ભાવનગર મહાનગરપાલિકા જ્યારથી અસ્તિવમાં આવી ત્યારથી ફાયદો થયો કે નુકશાન

ભાવનગર મહાનગરપાલિકા જ્યારથી અસ્તિવમાં આવી ત્યારથી ફાયદો થયો કે નુકશાન
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 14 ફેબ્રુઆરી 1982ના રોજ થઈ હતી. છેલ્લા ચાર દાયકા કરતા વધું સમયથી મહાનગરપાલિકા શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. વાત એવી છે કે સરકાર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બનાવી દે છે પણ ખરેખર સ્થાનિક નાગિરીકોને તેનો ફાયદો થાય છે કે કેમ તે પણ જાણવું જરુરી છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 20 મેયર તથા 32 કમિશ્નર બદલાયા છે. વર્ષો પૂર્વે ભાવનગર રાજ્ય તરીકે ઓળખાતુ હતું અને ત્યારબાદ ઈ.સ.1872ની 6 એપ્રિલથી ભાવનગર નગરપાલિકાની સ્થાપના થઈ હતી. સને 1963થી પંચાયતીરાજ અમલમાં આવ્યુ તે પહેલા ભાવનગર જિલ્લામાં ભાવનગર, બોટાદ, ગઢડા, ગારિયાધાર, સાવરકુંડલા, મહુવા, પાલિતાણા, પાળીયાદ, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર એમ કુલ 12 નગરપાલિકાઓ સાથે જોડાયેલી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે 10 હજારથી નીચેની વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત અને 10 હજારથી 30 હજાર વસ્તી ઘરાવનાર શહેરમાં નગરપાલિકાની રચના કરવાની ભલામણનો સ્વીકાર કર્યો હતો. તેથી જિલ્લામાં નગરપાલિકાની સંખ્યા 12 થી ઘટીને 5 થઈ હતી, જેમાં ભાવનગર, બોટાદ, મહુવા, પાલીતાણા અને સાવરકુંડલા વગેરેનો સમાવેશ થતો હતો. મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે શાસન કર્યુ છે, જેમાં રજવાડા સમયે ભાવનગરનો વિકાસ થયો છે તેવો વિકાસ હજુ સુધી જોવા મળતો નથી. રજવાડા સમયે ભાવનગરનો દબદબો હતો પરંતુ રાજકીય શાસનમાં દબદબો ઘટયો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. શું મહાનગરપાલિકા બની જવાથી ભાવનગરવાસીઓને જે મળવું જોઇતું હતું તે ખરેખર મળ્યું છે ખરું તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે
આમ તો 1982માં ભાવનગર મહાનગરપાલિકા જ્યારે બની ત્યારે શહેરની 308642 વસતી હતી અને તે વખતે 9 વોર્ડ હતા.આજે 43 વર્ષ પછી ભાવનગરની વસતી 6 લાખ 47 હજારની આસપાસ છે અને કોર્પોરેશનમાં 13 વોર્ડ છે. જ્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે મુળ ગામ તળના વડવા, દરબારી કોઠા, કણબીવાડ, ખારગેટ, કૃષ્ણનગર તે સમયે ભેળવાયા હતા. ત્યારબાદ ધીમે ધીમે અન્ય વિસ્તારો ભેળવાયા હતા .
જો કે કોર્પોરેશન બનવાથી શરુઆતમાં જ જે ગામો અને વિસ્તારો કોર્પોરેશનમાં ભેળવાયા હતા તેમાં 43 વર્ષ પછી પણ કોઇ જ ફેરફાર કે સુવિધા ના હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
સ્થાનિક પત્રકાર જયેશ દવે બેનિફીટ ન્યુઝને કહે છે કે કોર્પોરેશન જ્યારથી અસ્તિત્વમાં આવ્યું અને ત્યારે જે ગામો અને વિસ્તારો ભેળવાયા હતા તે ગામતળના વિસ્તારોમાં માળખાકિય સુવિધાઓમાં કોઇ ફેરફાર થયો જ નથી. આ વિસ્તારોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓ ઓછી છે અને પીવાના પાણીની સમસ્યા , પાણી ભરાવાની સમસ્યા યથાવત છે જેની સરખામણીમાં પાછળથી જે નવા વિસ્તારો ઉમેરાયા તેમાં સારી માળખાકિય સુવિધાઓ ઉભી કરાઇ છે.
કોર્પોરેશનની રચના થાય બાદ ઉત્તરો ઉત્તર કેટલાક નવા વિસ્તારો અને ગામડા કોર્પોરેશનમાં ભેળવાયા જેમાં વિજયરાજનગર, દેવરાજનગર, કાળીયાબીડ જેવા નવા વિસ્તારો ઉમેરાયા અને નવા ગામડા સીદર, ચિત્રા વરતેજ, કરસમીયા જેવા ગામો ઉમેરાયા હતા. હવે આ નવા વિસ્તારો અને ગામો ઉમેરાયા તેમાં સુવિધાઓ નવેસરથી નંખાઇ છે જેથી ભાવનગર તળ વિસ્તાર કરતા નવા વિસ્તારોનો વિકાસ વધુ થયો છે. તળ વિસ્તારમાં 43 વર્ષ પહેલા જે શાક માર્કેટ હતી તે શાક માર્કેટ આજની તારીખે પણ તે જ હાલતમાં છે. વડવામાં આંગણવાડી અને પીએચસી સેન્ટર બન્યા પણ નવા વિસ્તારોની સરખામણીમાં માત્ર 10 ટકા જ વિકાસ થયો છે. કોર્પોરેશન બન્યા પછી જ જે નવા વિસ્તારો ડેવલપ થયા છે તેનો સારો વિકાસ થયો છે અને તે વિસ્તારોને જ ફાયદો થઇ રહ્યો છે.
આમ તો સ્થાપના કાળથી જ ભાવનગર સંસ્કારનગરી ગણાય છે અને લોકોને પણ કોર્પોરેશન હોય કે ના હોય કોઇ ફેર પડતો નથી. ભાવનગર મુળભુત ટર્મીનસ છે જેથી રેલવે લાઇન આગળ જતી નથી અને તેથી રેલવે સ્ટેશનનો વિકાસ ના થયો. રેલવે સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનવાનું છે પણ નવી ટ્રેનો મળી જ નથી. ભાવનગરથી સુરત માટેની નવી ટ્રેનની લોકોની વર્ષોથી માગ છે. એસટી સુવિધામાં પણ લોકોને કંઇ નવું મળ્યું નથી. ભાવનગરમાં અગાઉ યશવંતરાય નાટ્યગૃહ બન્યું હતું અને ત્યારબાદ વર્ષો પછી હમણાં ઝવેરચંદ મેઘાણી ઓડિટીયરીયમ બન્યું હતું તો 25 વર્ષ પહેલા એક સ્વીમીંગ પુલ બન્યો હતો અને એક સ્વીમીંગપુલ હવે બન્યો છે. કોર્પોરેશન જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોર્પોરેશન ટ્રાન્સપોર્ટેશન માટે સિટી બસ ચલાવતી હતી પણ છેલ્લા પાંચ વર્ષથી સીએનજી બસો ખરીદાતી ના હોવાથી સિટી બસ સર્વિસ બંધ કરી દેવાઇ છે.
ભાવનગરમાં રોજગાર અને ઉદ્યોગોની સ્થિતી એવી છે કે ભાવનગરના મુળભુત જુના ઉદ્યોગો પ્લાસ્ટિક ઉદ્યોગ અને પોટ્રી ઉદ્યોગ હવે બંધ થઇ રહ્યો છે જ્યારે અલંગ શીપ યાર્ડ, રીઅલ એસ્ટેટ તથા એજ્યુકેશન જેવા નવા ઉદ્યોગો અને રોજગારો ઉભા થયા છે. પહેલા એક વિઠ્ઠલવાડી જીઆઇડીસી હતી પણ હવે નારી જીઆઇડીસીનું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તો કુંભારવાડા વિસ્તાર પણ ઇન્ડસ્ટ્રીયલ થઇ રહ્યો છે.
ઉપરાંત ભાવનગર જિલ્લો અને અમરેલી ડાયમંડ સાથે જોડાયેલા હતા. ડાયમંડમાં સુરત હબ બન્યું જેથી ભાવનગરના મોટાભાગના લોકો ધંધા રોજગાર માટે સુરત શિફ્ટ થવા માંડ્યા હતા. હવે પછીની પેઢીઓ માટે ભાવનગરમાં રોજગારની તક ઓછી છે. અલંગ નું કામ ચોક્કસ વર્ગ માટે છે પણ ભાવનગરમાં આઇટી ક્ષેત્રની કોઇ કંપની નથી. નાનકડું શહેર છે.જેથી આજની પેઢી ભણીને અન્ય શહેરો તરફ જતી રહે છે. ડાયમંડ સાથે જોડાયેલા લોકો સુરત તરફ તો નવયુવાનો બેંગલોર, મુંબઇ અને પુણે તરફ જઇ રહ્યા છે. કેટલાક તો હવે વિદેશની વાટ પણ પકડી રહ્યા છે
પત્રકાર જયેશ દવે તો કહે છે 10 વર્ષનો ગાળો એવો પણ આવ્યો હતો કે ભાવનગર માટે કહેવાતું કે રેશનકાર્ડ શિફ્ટનો સૌથી મોટો આંકડો ભાવનગરનો હતો પણ જો કે તેમાં અત્યારે થોડું અટક્યું છે. પણ તેને ખાળી શકાય તેમ નથી. વર્ક એસાઇન્ડમેન્ટવાળું કામ વધ્યું છે પણ અમે તો માનીએ છી કે ભાવનગર અર્બન સિટી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં ફ્લાય ઓવર વર્ષોથી હશે પણ ભાવનગરમાં તો હમણાં પહેલો ફ્લાય ઓવર એ પણ વન વેમાં ખુલ્યો છે. હજું એક પાર્ટનો રસ્તો બંધ છે. પાંચ વર્ષ થી કામ ચાલે છે. ક્યારે આખો ફ્લાય ઓવર શરુ થશે તે કોઇને ખબર નથી.
ભાવનગરમાં એરપોર્ટ તો છે પણ નાઇટ લેન્ડીગ નથી અને ભાવનગરમાં મુસાફરો પણ મળતા નથી જેથી ફ્લાઇટો પણ બંધ થઇ ગઇ છે. સતત ફ્લાઇટસ જતી નથી. જો કે હવે ઇન્ફ્રાસ્ટ્રકચર હોવાના કારણે તાલિમ કેન્દ્ર શરુ થવાનું છે તો નાની કેપેસિટીના પ્લેનનું રિપેરીંગ કામકાજ પણ શરુ થવાનું છે.
ખરેખર ભાવનગરનો વિકાસ થયો કે કેમ તે વિશે બેનિફીટ ન્યુઝ દ્વારા ભાવનગરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. શહેરના અગ્રણી બિલ્ડર ગિરીશ પટેલે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બન્યે ઘણા વર્ષો થઇ ગયા છે અને તેના કારણે શહેરમાં મોટા ફેરફાર થઇ ગયા છે. નગરપાલિકા વખતે ઓકટ્રોય જેવી આવક સિમીત હતી અને તેથી આંતરમાળખાકિય સુવિધા ઓછી હતી પણ મહાનગરપાલિકા બનવાથી સરકારી ગ્રાન્ટો વધવા માંડી જેનો ઉપયોગ સ્વાભાવિક છે કે આંતરમાળખાકિય સુવિધા માટે થાય . તેમણે કહ્યું કે 2001 પહેલાં કોર્પોરેશનની આવક માત્ર 4થી 5 કરોડ રુપિયા હતી પણ 2001 પછી શહેરી વિકાસ મંત્રાલયની વિવિધ યોજનાની ગ્રાન્ટો મળવા લાગી અને તેનો શહેરીજનોને ફાયદો થયો છે. ભાવનગરમાં ભૂગર્ભ જળ અમક વિસ્તારોમાં બહું ઉંડા છે પણ હવે શૈત્રુંજી યોજનાથી ભાવનગરને પાણીનો સ્ત્રોત મળી રહે છે. સારી ટીપી પડવા લાગી અને રોડ રસ્તા પાણી અને ગટરની પણ સુવિધા વિકસવા માંડી છે. લોકોની સગવડ વધી છે. ગિરીશ શાહે જો કે કહ્યું કે ભાવનગરમાં મોટી કોઇ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો નથી જેથી રોજગારીની મોટી સમસ્યા છે અને તેના કારણે ભાવનગરના યુવાનોને કમાવા માટે સુરત અમદાવાદ જેવા શહેરોમાં જવું પડ્યું છે.
આ મામલે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભૂપતભાઇ વ્યાસે કહ્યું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારથી બની ગઇ ત્યારથી ગ્રાન્ટના સૌથી મોટા ફાયદા થયા છે અને વિવિધ સરકારી ગ્રાન્ટો મળતી થઇ ગઇ છે. તેના કારણે રસ્તા પાણી ગટરની સગવગડતા વધી છે પણ મહત્વની બાબત એ છે કે નેતાઓની રાજકિય ઇચ્છા શક્તિ કેટલી છે તેના પર તમામ બાબતો નિર્ભર છે. જો નેતાઓ રાજકિય ઇચ્છા શક્તિ વધારે તો શહેરને હજું પણ ફાયદા મળી શકે છે. વેપારીઓની દ્રષ્ટીએ તો ઘણી સમસ્યાઓ છે જે તેને નગરપાલિકામાં ન હતી તે સ્વાભાવિક છે કારણ કે વિવિધ પ્રકારના ટેક્સ વધી જાય છે. નવા પ્રોજેક્ટ લાવીને દબાણો હટાવીને શહેરનો વિકાસ કરાય થાય તે જરુરી છે.
ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટ સોનીએ આ મામલે કહ્યું કે મહાનગરપાલિકા બનવાથી ભાવનગરને ઘણો ફાયદો થયો,. શહેર વિકસીત થયું છે. આસપાસના બીજા વિસ્તારો અને ગામો શહેરમાં ઉમેરાયા છે. જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે. હવે શહેર મોટુ થયું છે અને લોકોની સુખાકારી વધી છે. જો કે મહાનગરપાલિકા બનવાથી લોકો માટે બજેટમાં ટેક્ષ વધ્યો છે
આ તરફ કોંગ્રેસ નેતા જયદીપસિંહ ગોહિલે કહ્યું કે ભાવનગરમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી ક્યારેય સત્તા પર આવી નથી. ભાવનગરમાં હમણાં પણ 5 નવા ગામ ભેળવ્યા છે કારણ કે અમુક લાખ વસ્તી વધે તો અમુક યોજનાની ગ્રાન્ટ મળે તેવા નિયમો છે અને કેન્દ્રમાંથી અમૃતની નવી યોજનાઓ આવે છે પણ મોટી સમસ્યા એ છે કે ભાવનગરમાં મોટા ઉદ્યોગો નથી જેથી લોકોનું સ્થળાંતર થઇ રહ્યું છે અને તે મોટી સમસ્યા છે. એરપોર્ટ બંધ છે.. રેલવેની કનેક્ટિવીટી બરાબર નથી. મતદારયાદી પ્રમાણે અને વાસ્તવિક રીતે શહેરમાં રહેતા લોકોની ગણતરી કરાય તો ભાવનગરની વસતી 6થી 7 લાખ જ થશે ભાવનગરમાંથી સારા શો રુમો બંધ થઇ ગયા છે. બિલ્ડરો પણ અમદાવાદ શિફ્ટ થઇ રહ્યા છે ભાવનગરમાં સારી યુનિવર્સિટી નથી અને આરોગ્ય ક્ષેત્રે પણ કથળેલી સ્થિતી છે. કાયદો વ્યવસ્થા જેવું તો ભાવનગરમાં છે જ નહી. તેમણે કહ્યું કે આંતરમાળખાકિય સુવિધાઓના નામે મીંડુ છે. શહેરમાં ફરવા માટે બગીચા નથી અને ટ્રાન્સપોર્ટેશન પણ નથી. અગાઉ ભાવનગરના ઉદ્યોગો હતા. અલંગ, હિરા ઉદ્યોગ, પાટીના કારખાના સહિતના અનેક ઉધ્યોગો હતો છતાં ભાવનગરમાં લોકો માઇગ્રેટ થઇ રહ્યા છે. લોકો પલાયન થઇ રહ્યા છે.
અંતે પત્રકાર જયેશ દવે તો કહે છે કે ભાવનગર અમદાવાદ અને સુરતની કક્ષાએ ક્યારે આવશે તે વાત તો ભુલી જવાની છે અને વડોદરાની કક્ષાએ આવવા માટે હજું 20 વર્ષ રાહ જોવી પડશે પણ 10 વર્ષની રાહ જોઇએ તો રાજકોટની કક્ષાએ આવી શકાય. તેઓ કહે છે કે નગરજનોની આર્થિક વૃદ્ધી વધી ગઇ છે. લેબર સસ્તું મળે છે. ભાવનગરનું જીવન ધોરણ બીજા શહેરો કરતા ઓછું છે. આર્થિક સદ્ધરતા છે. રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને આ શહેર નિવૃત્તોનું શહેર છે.
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!