અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ ઉપર શા માટે હર્ષ સંઘવી ભડક્યા?
SP ના અખિલેશ યાદવ અને AAP ના અરવિંદ કેજરીવાલને સંઘવીએ નકલી અને કપટી કહ્યાં

બે વર્ષ જૂના પરિણામને લઈ સમાજવાદી, AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટ્વિટર વોર

બે વર્ષ જૂના પરિણામને લઈ સમાજવાદી, AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટ્વિટર વોર
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બે વર્ષ જૂના ધોરણ-10ના પરિણામને લઈ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા X પર ગુજરાત મોડેલ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવની ટ્વિટને લઈ AAP નેતા અરવિંદ કેજરીવાલે સૂર પુરાવ્યો હતો. ટ્વિટ જોઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભડક્યા હતા અને બંને નેતાઓને નકલી અને કપટી ગણાવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2025માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજુ જાહેર થયુ નથી. તેવામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુજરાતની ભાજપ સરકારની શિક્ષણ નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ ઉપર ટ્વિટ કરીને બે વર્ષ જૂના ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામને લઈ ગુજરાત મોડેલ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના રિઝલ્ટનું ઉદાહરણ આપીને તેમાં સૂર પુરાવ્યો હતો. બંને નેતાઓની ટ્વિટ જોઈને હર્ષ સંઘવી ભડક્યા હતા. અખિલેશ યાદવ અને કેજરીવાલને નકલી અને કપટી ગણાવીને બાળકો બાબતે ગંદું રાજકારણ નહી કરવા કહ્યું હતું.
અખિલેશ યાદવે શું કહ્યું હતું?
SP અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ ઉપર એક અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું હતું કે, 'ગુજરાત બોર્ડ રિઝલ્ટઃ 10માં ધોરણમાં 157 સ્કૂલમાં શૂન્ય વિદ્યાર્થીઓ પાસ'. પોસ્ટમાં લખ્યું કે, 'ગુજરાત મોડેલ ફેઇલ થઈ ગયું... ગુજરાતમાં 157 સ્કૂલમાં 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થી પાસ નથી થયો. ભાજપ હટાવો, ભવિષ્ય બચાવો!'
અરવિંદ કેજરીવાલે શું લખ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે અખિલેશ યાદવની પોસ્ટને ફરી શેર કરી ગુજરાતના શિક્ષણ મોડેલને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે, 'આ ગુજરાત મોડેલ છે. જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા ઈચ્છે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. આખા દેશને અભણ રાખવા ઈચ્છે છે. તમે મને એક રાજ્ય બતાવો જ્યાં ભાજપની સરકાર હોય અને તેમણે ત્યાં શિક્ષણનો નાશ ન કર્યો હોય. આ મોડેલ હેઠળ હવે આ લોકો દિલ્હીની શિક્ષણ વ્યસ્થાને ખતમ કરવામાં લાગી રહ્યા છે.'
કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયા...
આ મામલે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણની અધોગતિ કરવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો નથી. સરકાર ભરતી કરતી નથી. આંદોલન કરનારાઓ શિક્ષકોને જેલમાં પૂરી દેવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, કોરોનામાં શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવા મોકલ્યા હતાં. શિક્ષકોને વિવિધ કામોમાં ફસાવીને રાખે છે પછી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ક્યારે કરે? ભાજપ સરકારમાં દિન-પ્રતિદિન શિક્ષણની વ્યવસ્થા કથળી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભડક્યાં...
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અખિલેશ યાદવ અને કેજરીવાલને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, 'મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ સુધી જાહેર થયા નથી. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર નકલી પરિણામ શેર કરવામાં આવ્યા છે. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે છેડછાડ કરવાનો પ્રયાસ છે. આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ઘસવાનો કોઈ અધિકાર નથી.'
સમગ્ર મામલો શું છે?
અખિલેશ યાદવ અને કેજરીવાલે જે ગુજરાત બોર્ડના રિઝલ્ટને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે તે વર્ષ 2023નું પરિણામ છે. બે વર્ષ પહેલાં ગુજરાત બોર્ડમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7,34,898 પરીક્ષાર્થીમાંથી 4,74,893 પરીક્ષાર્થી પાસ થયા હતા. ધોરણ 10 બોર્ડનું સરેરાશ પરિણામ 64.62 ટકા હતું. રાજ્યની 272 શાળામાં 100 ટકા પરિણામ આવ્યું હતું અને 1084 શાળામાં 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જ્યારે 157 શાળામાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થી પાસ નહોતા થયા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.