UPSCમાં ગુજરાતીઓએ સારો રેન્ક મેળવી મહેણું ભાગ્યુઃ સ્પીપાના 26 ઉમેદવારો ઉત્તિર્ણ
વડોદરાની હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને અમદાવાદની માર્ગી શાહે ચોથો રેન્ક મેળવ્યો

પાટણના કુણઘેરમાં રમકડાની લારી કાઢનાર માતાના દીકરાએ 607મો રેન્ક મેળવતાં આનંદ

પાટણના કુણઘેરમાં રમકડાની લારી કાઢનાર માતાના દીકરાએ 607મો રેન્ક મેળવતાં આનંદ
UPSCના જાહેર થયેલા પરિણામમાં ટોપ 30માંથી ત્રણ ગુજરાતીઓએ મેદાન માર્યુ છે. ત્રણમાંથી બે મહિલા ઉમેદવારોએ બાજી મારી છે. હર્ષિતા ગોયલે બીજો અને માર્ગી શાહે ચોથો રેન્ક મેળવ્યો છે. જ્યારે સ્મિત પંચાલે 30મો રેન્ક મેળવ્યો છે. હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી વડોદરામાં રહે છે. જ્યારે માર્ગી શાહ અમદાવાદની રહેવાસી છે. પાટણના કુણઘેર ગામમાં રમકડાની લારી કાઢતાં પરિવારના અંકિત વાણીયાએ સરકારી શાળામાં ભણીને UPSCમાં 607મો રેન્ક મેળવી મેદાન માર્યુ છે. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદની સ્પીપામાં કોચીંગ મેળવેલા 26 ઉમેદવારોએ UPSC ક્લીયર કરીને ગુજરાતનું મહેણું ભાગ્યુ છે. 26 માંથી 5 મહિલા અને 21 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર હર્ષિતા ગોયલે બેનિફિટ ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે, મેં એજ્યુકેશનમાં બી.કોમ. કર્યું છે અને હું CA પણ છું. UPSCમાં મારો ત્રીજો અટેમ્પ્ટ હતો. મારી પહેલી મેન્સ અને પહેલું ઇન્ટરવ્યૂ હતું અને ફાઈનલી આજે મેં ક્રેક કરી દીધી છે. હું ટ્રાય કરતી હતી કે વાંચવા પાછળ દરરોજ 7 થી 8 કલાક ટાઈમ આપી શકું. મારું કોઈ ફિક્સ શિડ્યુલ ન હતું. પરંતુ જેટલું પણ વાંચતી તેમાં પોતાના 100 ટકા આપી શકું અને તે જ મેં કર્યું છે.
તેણીએ વધુમાં કહ્યું કે, ક્યારેક એવું લાગતું કે અભ્યાસ નથી થઈ રહ્યો ત્યારે તે સમયે હું બ્રેક લઈ લેતી અને કોઈ એક્ટિવિટી કરતી જેનાથી સારૂં ફીલ કરી શકું. સિવિલ સર્વિસમાં મારા પરિવારમાંથી કોઈ નથી. હું પહેલી છું. મારા પિતા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. મારી માતા હાઉસ વાઈફ છે. ખુશીની કોઈ સીમા નથી કેમ કે મેં ક્યારેય ઓલ ઇન્ડિયા રેન્ક 2નું વિચાર્યું ન હતું. મારા પિતાનું સ્વપ્ન પુરૂ થયું છે.
ફેબ્રિકેશનની કાળી મજૂરી કરનારના દીકરાએ મેદાન માર્યુ
સમગ્ર દેશમાં 30મો રેન્ક મેળવનાર સ્મિત પંચાલે જણાવ્યું કે, 2017થી મહેનત ચાલુ છે. 10મા પછી આર્ટસ લીધુ હતુ. મીડિયમ પણ ચેન્જ કરી. ગુજરાતીમાંથી અંગ્રેજી કર્યું અને 8 વર્ષ મહેનત કરી ત્યારે પાર આવ્યો છે. મેં હજી જોબ પ્રોફાઇલ નક્કી નથી કરી પણ એ વસ્તુ પાક્કી છે કે દેશ સેવા કરવાની છે. મારા પપ્પા ફેબ્રિકેશનની ફિલ્ડમાં છે અને કાળી મજૂરી કરે છે અને મારા મમ્મી હાઉસ વાઇફ છે. આર્થિક પરિસ્થિતિ સારી નથી છતાં મને ખૂબ મહેનત કરીને ભણાવ્યો. મને તૈયારી માટે દિલ્હી પણ મોકલ્યો. મારા રિઝલ્ટ પાછળ સૌથી મોટો હાથ મારા મોટા ભાઈનો છે. તેમણે મને બધી રીતે મદદ કરી તેના કારણે હું અહીં સુધી પહોંચી શક્યો છું.
આંગણવાડી કાર્યકરના દીકરાએ UPSC ક્રેક કરી
UPSCની પરીક્ષા પાસ કરનાર સુરેન્દ્રનગરના લિંબડીના રહેવાસી જીતકુમારે જણાવ્યું કે, UPSCમાં છેલ્લા ત્રણ વર્ષથી મારી મહેનત રહી છે. આ મારી ત્રીજી મેન્સ, બીજું ઇન્ટરવ્યૂ અને પહેલીવાર લિસ્ટમાં નામ આવ્યું છે. 929 રેન્ક છે. હવે આગળની ઇચ્છા છે કે, હજુ એક પ્રયાસ કરી સારો રેન્ક લાવું અને IAS બનવા માટે પ્રયાસ કરવો છે. મારા પિતા હયાત નથી. મારી માતા આંગણવાડી વર્કર છે. તેમણે જ મને મોટો કર્યો છે. મારા માતા, મામા અને નાના સાથે હું રહ્યો છું અને કુટુંબીજનોના સહકારથી હું IIT બોમ્બેમાં જઈ શક્યો છું. મારી જોબ પણ હતી. તે જોબ મૂક્યા પછી મેં રિસ્ક લીધું કે મારે આનાથી આગળ વધવું છે. તેના માટે મેં UPSC આપવાનો ટ્રાય કર્યો હતો.
એક્ઝામ નજીક આવતી હતી તેમ વધારે વાંચવાનું થતું હતું. પ્રિલિમ્સ અને મેઇન્સ વખતે 10 થી 12 કલાક વાંચવાનું થતું હતું. કરન્ટ અફેર્સ અને બીજી બધી વસ્તુઓ રીકોલ કરવા માટે દરરોજ પાંચથી છ કલાક વાંચવું જરૂરી છે. મારો ઓપ્સનલ સબ્જેક્ટ હતો જે મારા રસનો વિષય હતો. મારું પેશન હતું તે ફિલોસોફીમાં મેં ઓપ્શન રાખ્યું હતું. તે મારા માટે અઘરું ન હતું પરંતુ મને લાગ્યું કે તેના માટે મારે વધારે યોગદાન આપવું જોઇએ અને તે ક્યાંક મને માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આપશે.
રમકડાંની લારી કાઢતા પરિવારના દીકરાએ બાજી મારી
પાટણ જિલ્લાના કુણઘેર ગામના અંકિત વાણિયાએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યું કે, મહેનતની શરૂઆત 2017થી થઈ ગઈ હતી. પરંતુ UPSCની વાત કરીએ તો 2022થી શરૂઆત કરી અને બેક ટુ બેક ત્રીજી મેઇન્સ અને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ આપ્યું હતુ. મારો પરિવાર મધ્યમ વર્ગીય છે. શરૂઆત કરી ત્યારે મારા માતા રમકડાની લારી કાઢતા અને મારા પિતા LICમાં પટ્ટાવાળામાં છે. જર્ની શરૂ થઈ ત્યારથી તેમનો સપોર્ટ રહ્યો છે. જે પણ નિર્ણય લીધા તેનું રિઝલ્ટ હવે દેખાઈ રહ્યું છે. વાંચન પાછળ કલાક તો ગણ્યા નથી. જ્યારે તમે કોઈ બીજી વસ્તુમાં જોડાયેલા ના હોય અને તમારે ફક્ત તૈયારી જ કરવાની હોય તો સવારથી સાંજ સુધીનો જે સમય છે. તેનો જેટલો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં તમે એકાદ વાર બ્રેક લઈ શકો. તેના સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલના દીકરાએ મેદાન માર્યુ
અમદાવાદના ઝોન-4માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે જણાવ્યું કે, મારો 473મો રેન્ક આવ્યો છે. હું છેલ્લા 4 વર્ષથી UPSCની તૈયારી કરતો હતો અને દરરોજ 10 થી 12 કલાક વાંચન કરતો હતો. તેના પહેલા હું સોફ્ટવેર એન્જિનિયર હતો. મેં 2 એટેમ્પ જોબની સાથે આપ્યા હતા પણ ત્યારે મને લાગ્યું જોબ સાથે પરીક્ષાની તૈયારી કરવી અઘરી છે એટલે મેં રિઝાઇન કરીને બે વર્ષ ફરી એટેમ્પ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુનિયન પબ્લિક સર્વિસીઝ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 (UPSC સિવિલ સર્વિસીઝ પરિણામ 2024)નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. પરિણામ જાહેર થયાના આશરે 15 દિવસ પછી ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે. UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટેના ઇન્ટરવ્યૂ 17 એપ્રિલ 2025 સુધી લેવામાં આવ્યાં હતા. ઇન્ટરવ્યૂનો રાઉન્ડ 7 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયો હતો. મુખ્ય પરીક્ષામાં સફળ થયેલા 2845 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2024 હેઠળ UPSCએ IAS, IPS સહિત સેવાઓમાં 1132 જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. મૂળ સૂચનામાં ફક્ત 1056 જગ્યા હતી. બાદમાં તેને વધારીને 1132 કરવામાં આવી હતી. UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. મેઇન્સ અને ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.