ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
137 તાલુકાઓમાં વરસાદ ખબક્યો, કપરાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, અમદાવાદમાં જળબંબાકાર

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Gujarat Heavy Rain: છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 137 તાલુકાઓમાં વરસી રહેલા મેઘરાજાએ પોતાનું ધમાકેદાર આગમન નોંધાવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આજે સવારના 6 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યના 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લી બે કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોમવારનો દિવસ હોવાથી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે આ ભારે વરસાદ ભારે મુશ્કેલીરૂપ સાબિત થયો હતો.
અમદાવાદમાં એસ.જી. હાઇવે અને ચાંદલોડિયામાં ઘૂંટણસમા પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં મોડીરાતથી શરૂ થયેલા વરસાદને કારણે એસ.જી. હાઇવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા છે. થલતેજ સર્વિસ રોડ પર કારના અડધાથી વધુ ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પરેશાન થયા હતા. ચાંદલોડિયાના મુખ્ય માર્ગ અને આર્યન બંગલોઝ વિસ્તારમાં પણ પોણા ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા હોવાથી અસંખ્ય ટુ-વ્હીલર અને કારના એન્જિન તથા સાયલેન્સરમાં પાણી ઘૂસી જવાથી વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેને લોકોએ ધસડીને બાજુ પર કરવા પડ્યા હતા.
ધોલેરાના વણી તળાવ ગામમાં પાણી ફરી વળતા NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન
ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં ધંધુકામાં 1 ઇંચ અને ધોલેરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની અતિશય આવક થવાને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાઈને એક બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્કવિહોણું બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા બોટ અને ખાસ સાધન-સામગ્રીની મદદથી પાણીમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
સ્ટર્લિંગ સિટી અને બોપલના રહીશોની ઊંઘ હરામ, બગોદરા માર્ગ બંધ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા દેવતીર્થ બંગલોઝ અને સ્ટર્લિંગ સિટીના સેક્ટર A તથા B માં સવારના માત્ર પોણા કલાકના વરસાદમાં જ ફરીથી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પાણી ઘરમાં ઘૂસી ન જાય તે માટે લોકોએ પોતાના ફર્નિચર, કબાટ અને રસોડાના નીચેના ખાના ખાલી કરવાની ફરજ પડી હતી તેમજ વાહનો સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. બીજી તરફ, ભારે પાણી ભરાવાના કારણે બગોદરા ગુંદી ફાટક માર્ગ ત્રીજા દિવસે પણ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે ઉપરવાસના પાણી હજુ સુધી ઓસર્યા નથી.
આસ્ટોડિયામાં જર્જરીત મકાન ધરાશાયી અને પકવાન પાસે વૃક્ષ પડ્યું
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળની ઉપલી શેરીમાં એક જર્જરીત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનનો કાટમાળ પડવાથી આસપાસ પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરીને ભયજનક ભાગને ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત, પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ તરફ જતા માર્ગ પર પણ એક મોટું વૃક્ષ ધરાશાયી થવાથી ટ્રાફિકને અસર થઈ હતી.
અમદાવાદ DEO દ્વારા શાળાઓ શરૂ કરવા અંગે વિવેકબુદ્ધિથી નિર્ણય લેવાનો આદેશ
શહેરમાં વરસાદી વિરામ બાદ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અને વાહનવ્યવહારમાં અડચણો ઊભી થતી હોવાથી અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો તથા આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સંપૂર્ણ સુરક્ષિત હોવાની ખાતરી કર્યા બાદ જ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને વિવેકબુદ્ધિથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો તાત્કાલિક નિર્ણય લઈને વાલીઓને સમયસર જાણ કરવા પણ કહેવાયું છે.
હવામાન વિભાગનું ઓરેન્જ અને યલો એલર્ટ: 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ પૂરબહારમાં ખીલ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળ્યું છે. આજે 27 જુલાઈના રોજ વાવ-થરાદ, પાટણ અને વડોદરા સહિત 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 3 કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે.
આગામી 30 જુલાઈથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાનમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં આ વરસાદી માહોલ બન્યો છે. હવે આગામી અઠવાડિયામાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં ‘વેલમાર્ક્ડ લો પ્રેશર’ બનવાની પ્રબળ સંભાવના છે, જેની સીધી અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે. આ નવી સિસ્ટમના પ્રભાવ હેઠળ 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સીઝનનો સારો વરસાદ: અમદાવાદમાં સામાન્ય કરતા 45 ટકા વધુ પાણી વરસ્યું
ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે એકલા અમદાવાદ શહેરમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ, નાગરિકોએ આગામી દિવસોમાં પણ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર ફરી વધશે. તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાંથી સમયસર રાહત આપી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ