ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા ઇન્ચાર્જ કુલપતિ
નીરજા ગુપ્તાની મુદત પૂર્ણ થયા બાદ ડો. જગદીશ જોશીને ઇન્ચાર્જ કુલપતિનો કાર્યભાર સોંપાયો

ગુજરાત યુનિવર્સિટી અને નવ નિયુક્ત ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની તસવીર

ગુજરાત યુનિવર્સિટી અને નવ નિયુક્ત ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની તસવીર
Gujarat University Vice Chancellor Appointment: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ટર્મ 30 જૂનના પૂર્ણ થતાં નવા કુલપતિ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, નવા કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારે ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરી છે. મંગળવારે સાંજે ઇન્ચાર્જ કુલપતિ તરીકે સિનિયર પ્રોફેસર જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, નિયમ પ્રમાણે યુનિવર્સિટી કાર્યાલયનો સમય પૂરો થાય ત્યાં સુધી એટલે કે 6-10 મિનિટ સુધીમાં નિર્ણય લેવાના બદલે રાત્રે 9 વાગે કાર્યકારી કુલપતિનો ચાર્જ સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ થયા પહેલા ત્રણ વર્ષની મુદત પ્રમાણે વર્ષ 2023માં જૂનમાં વર્તમાન કુલપતિ ડો.નિરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરાઈ હતી. આ નિયુક્તિ બાદ હવે કુલપતિની મુદત પાંચ વર્ષની કરી દેવાતાં વર્તમાન કુલપતિને વધારાના બે વર્ષ એક્સટેન્શન અપાશે તેવી શકયતા ઊભી થઇ હતી.
નિયમ પ્રમાણે ત્રણથી છ મહિના પહેલા સર્ચ કમિટીની રચના પણ કરવામાં ન આવતાં વર્તમાન કુલપતિને ફરીવાર તક મળશે તેવી ચર્ચાઓ વધુ તેજ થઇ હતી. કુલપતિની મુદત પૂરી થવાના ગણતરીના દિવસો પહેલા સર્ચ કમિટીની રચના કરવામાં આવતાં નવા કુલપતિની સત્તાવાર નિયુક્તિ ન થાય ત્યાં સુધી વર્તમાન કુલપતિને કાર્યકારી કુલપતિ તરીકે યથાવત્ રખાશે તેવી અટકળો વહેતી થઇ હતી.
કુલપતિની મુદત 30મી જૂને પૂરી થઈ ત્યાં સુધી સરકારે મગનું નામ મરી ન પાડતાં શિક્ષણજગતમાં અનેક ચર્ચા વહેતી થઇ હતી. નિયમ પ્રમાણે છેલ્લા દિવસે સાંજે 6-10 મિનિટે કુલપતિનો ચાર્જ કોને સોંપવામાં આવશે તેનો નિર્ણય કરી દેવામાં આવતો હોય છે. પરંતુ સર્ચ કમિટીની જેમ સરકારે કાર્યકારી કુલપતિ કોને બનાવવા તે નક્કી કરવામાં લાંબો સમય લીધો હતો.
આખરે રાત્રે 9 વાગે યુનિવર્સિટીના એચઆરડીસી વિભાગના સિનિયર પ્રોફેસર ડો.જગદીશ જોશીને ઇન-ચાર્જ કુલપતિની જવાબદારી સોંપવામાં આવતી હોવાની સત્તાવાર જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. આગામી આદેશ ન થાય ત્યા સુધી અથવા તો વધુમાં વધુ 12 મહિના સુધી તેઓ યુનિવર્સિટીના ઇનચાર્જ કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. ભૂતકાળમાં 4 ઓક્ટબર 2023થી 7 ઓક્ટોબર 2023 સુધી 4 દિવસ માટે કાર્યકારી કુલપતિની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે.

જગદીશ જોશી એચ.આર.ડી.સી ડિપાર્ટમેન્ટના સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓ સંઘ સાથે જોડાયેલા હોવાથી ઇન્ચાર્જ કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ કુલપતિ માટે બીજી ટર્મ રહેવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ સરકાર અને સંઘ બંને નારાજ હોવાથી રીપીટ કરાયા નથી.
કેવી રીતે કરાય છે નવા કુલપતિની નિમણૂક?
નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીના 3 સભ્યની નિમણૂક કરવામાં આવે છે. જેમાંથી એક સભ્ય રાજ્ય સરકારના નોમિની, એક સભ્ય UGC નોમિની અને એક યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને સિન્ડિકેટ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવેલ નોમિની હોય છે. જે બાદ સર્ચ કમિટીની એક બેઠક છે. ત્યારબાદ નવા કુલપતિ માટે ઉમેદવારોની અરજી મંગાવવા જાહેરાત આપવામાં આવે છે. જાહેરાત આપ્યા બાદ અરજીઓ આવે તેની ચકાસણી કરવામાં આવે છે.
અરજી ચકાસણી બાદ 3 થી 5 નામ પસંદ કરવામાં આવે છે. સર્ચ કમિટી દ્વારા પસંદ કરેલા નામ રાજ્યપાલને મોકલવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા સર્ચ કમિટીએ મોકલાવેલા સભ્યોમાંથી એક વ્યક્તિની કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવે છે. નિયમ મુજબ કુલપતિની ટર્મ પૂરી થવાના એક મહિના અગાઉ કમિટીની રચના કરવામાં આવતી હોય છે.
નીરજા ગુપ્તાનો વિવાદિત કાર્યકાળ
કુલપતિ નીરજા ગુપ્તાએ બીજી ટર્મ માટે અનેક પ્રયત્ન કર્યા હતા. નીરજા ગુપ્તા દ્વારા UGCમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, કેટલાક સિન્ડિકેટ સભ્યોએ નીરજા ગુપ્તાની રાજ્ય સરકારને અનેક ફરિયાદો કરી હતી. સિન્ડિકેટ બેઠકમાં પણ સભ્યોએ અનેક વખત નીરજા ગુપ્તાના નિર્ણયોનો વિરોધ કર્યો હતો. તેથી નીરજા ગુપ્તાને બીજી ટર્મ માટે રિપિટ કરાયા નથી.
નીરજા ગુપ્તાનો કાર્યકાળ શરૂ થયો ત્યારથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ શરૂ થયા હતા. નર્સિંગના પેપર પરીક્ષા બાદ બહાર ગયા હતાં. બોટની વિભાગમાં તોડફોડ, સિન્ડિકેટ સભ્ય દ્વારા પ્રોફેસરો પાસે પૈસાની માંગણી, સિન્ડિકેટ સભ્યને કરોડોની જમીન બારોબર આપી દેવી, વિદેશી વિદ્યાર્થીઓની નમાઝનો વિવાદ, ખાનગી કંપની ચલાવતા સમીર શુક્લાને બારોબર કરોડો રૂપિયા મંજૂર કરવા સહિત અનેક વિવાદ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ