ગુજરાત સરકારે પર્યાવરણને બચાવવા અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે 31 માર્ચ, 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા નાગરિકોને માત્ર 1 ટકા જ ટેક્સ ભરવાનો રહેશે.
રાજ્યના પરિવહન મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ તરફ સરકારનું એક મજબૂત કદમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકશે અને આ ટેક્સ છૂટનો સીધો લાભ મેળવી શકશે. આ જાહેરાત ગુજરાત સરકારે વર્ષ 2025-26 ના બજેટમાં કરી હતી, જેને હવે અમલમાં મૂકવામાં આવી છે અને આજથી જ તેનો અમલ શરૂ થઈ ગયો છે.
જો કે, આ રાહતની વચ્ચે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે એક તરફ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની વાત કરનાર ગુજરાત સરકારે ઘણા સમય પહેલાં આ વાહનો પર મળતી સબસિડી બંધ કરી દીધી છે. અગાઉ, પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે ટુ-વ્હીલર પર 20 હજાર રૂપિયા અને 15 લાખથી ઓછી કિંમતની ફોર-વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. આ સબસિડી બંધ થવાના કારણે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. હવે માત્ર 5 ટકા ટેક્સની છૂટથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કેટલું વધે છે તે જોવાનું રહેશે.
આ ટેક્સ છૂટથી ખરીદદારોને ચોક્કસ ફાયદો થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર ખરીદે છે, તો પહેલા તેને 6 ટકા એટલે કે 60 હજાર રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ હવે 5 ટકાની છૂટ મળવાથી તેને માત્ર 1 ટકા એટલે કે 10 હજાર રૂપિયા જ ટેક્સ ભરવો પડશે. આ રીતે કાર ખરીદનારને સીધો 50 હજાર રૂપિયાનો ફાયદો થશે.
પરિવહન મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ટેક્સ છૂટની જાહેરાતની માહિતી લોકો સાથે શેર કરી હતી. હવે જોવાનું એ છે કે સબસિડી બંધ કર્યા બાદ માત્ર આ ટેક્સ રાહત ગ્રીન મોબિલિટીના લક્ષ્યને હાંસલ કરવામાં કેટલી મદદરૂપ સાબિત થાય છે. શું આ નાનકડી રાહત ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોના વલણને બદલવામાં સફળ થશે? સમય જ આ પ્રશ્નનો જવાબ આપશે.