અમરેલીમાં 9 ઈંચ વરસાદ, જળબંબાકાર, રેડ એલર્ટ જાહેર
અરબસાગરમાં ડિપ્રેશનને કારણે દિવાળી બાદ પણ વરસાદી માહોલ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

અમરેલીમાં 9 ઈંચ વરસાદ

અમરેલીમાં 9 ઈંચ વરસાદ
ગુજરાતમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે, જેના પરિણામે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યારે ઠંડીનો ચમકારો પણ વધતાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.
અમરેલી-રાજુલામાં 9 ઈંચ વરસાદ
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અમરેલી મોખરે છે. અમરેલી જિલ્લાના રાજુલામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રાજુલાના ધાતરવાડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેના પગલે નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામોને એલર્ટ કરાયા છે. તરવાડી નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે. ખાખબાઈ ગામમાં તો પાણી ઘૂસી જતાં મુશ્કેલી વધી હતી.
આ પણ વાંચો: ગીર સોમનાથ, અમરેલી અને સુરતમાં પણ વરસાદ શરૂ
ઉનામાં 5 ઈંચ વરસાદ, ખેતરોમાં પાણી
ગીર-સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પણ સતત 2 દિવસથી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉના શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. એલમપુર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળીના પાથરા પલળી ગયા છે. સનખડા અને ખત્રીવાડા ગામ વચ્ચે પાણી ફરી વળતા બન્ને ગામ એકબીજાથી સંપર્ક વિહોણા થયા છે. અમદાવાદમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં ઝરમર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. અંધારપટ હોવાથી વાહનચાલકોને વાહનની લાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી.
રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ઓક્ટોબરે સવારના 10 વાગ્યા સુધી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ગુજરાતનાં મોટાભાગના જિલ્લામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!