Jamnagar Accident News: જામનગરમાં 31 ઓગસ્ટની મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા અને ચેલા ગામ નજીક આશરે રાત્રે 2 વાગ્યે કિયા કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલક વૃદ્ધ અને બાઈક પર સવાર બે યુવાનો સહિત કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 મહિલાઓ અને 5 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ભોળેશ્વર મહાદેવના દર્શનથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ શ્રાવણ માસના ત્રીજા સોમવારે જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચંગા અને ચેલા ગામની વચ્ચે જામનગર-લાલપુર હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર, ઓટોરિક્ષા અને બાઈકને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તથા રાહદારીઓ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્મતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત
આ અકસ્માતમાં 60 વર્ષીય રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઈક પર સવાર જામનગરના નવીન પઠાણ અને નોમન સમાનું પણ ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્રણ લોકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
5 બાળકો અને 2 મહિલાઓ સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ત્રિપલ અકસ્માતમાં કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં 40 વર્ષીય ધારાબેન બારોટ, 11 વર્ષીય આશી બારોટ, 10 વર્ષીય અંજલી મોખરા, 10 વર્ષીય ક્રિશ મોખરા, 55 વર્ષીય ચંદ્રિકાબેન મોખરા, 13 વર્ષીય દર્શન બારોટ અને 15 વર્ષીય પરમ રાજેશભાઈનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને અકસ્માત બાદ તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
108 એમ્બ્યુલન્સની ટીમોએ હાથ ધરી બચાવ કામગીરી
અકસ્મતની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની 3થી 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક સેવા કેમ્પના યુવાનો અને રાહદારીઓએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ એક ઈજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
પંચકોશી 'બી' પોલીસની તપાસ શરૂ
અકસમાતની ગંભીરતાને પગલે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે. રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને વાહનવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, વાહનની ઝડપ કેટલી હતી અને અકસ્માત પાછળ કોઈની બેદરકારી હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
અકસમાતના કારણોની તપાસ ચાલુ
પોલીસે સમગ્ર ઘટનામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો, વાહનોની સ્થિતિ અને ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.