ગુજરાત સરકાર મને સુપરસ્ટાર નથી માનતીઃ અભિનેતા વિક્રમ ઠાકોરની નારાજગી
વિધાનસભામાં આમંત્રણ આપવા બાબતે વ્યથા રજૂ કરતાં કલાકારોનો વિવાદ વકર્યો

શંકર ચૌધરીને મીડિએટર ગણાવી ઠાકોર સમાજની અવગણના બાબતે બળાપો ઠાલવ્યો

શંકર ચૌધરીને મીડિએટર ગણાવી ઠાકોર સમાજની અવગણના બાબતે બળાપો ઠાલવ્યો
ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવા મામલે વિવાદ વકર્યો છે. અભિનેતા વિક્રમ ઠાકોરે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરે કહ્યુ કે, તમે મને સુપરસ્ટાર માનો છો પણ ગુજરાત સરકાર મને સુપરસ્ટાર માનતી નથી. શંકર ચૌધરીને કલાકારોના આમંત્રણ બાબતે મીડિએટર ગણાવી ઠાકોર સમાજની અવગણના બદલ બળાપો ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિક્રમ ઠાકોરે વિધાનસભામાં આમંત્રણ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યુ હતુ. જ્યારે ગુજરાત સરકારના જાહેર કાર્યક્રમોમાં ઠાકોર અને ક્ષત્રિય સમાજના કલાકારોને બોલાવતા નહી હોવાનો તેમજ એવોર્ડ નહી આપવાનો નવઘણજી ઠાકોરે આક્ષેપ કરતાં વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
રાજ્ય સરકારે પ્રખ્યાત કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા. વિધાનસભામાં ગીતા રબારી, કિંજલ દવે, માયા આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવીને આમંત્રણ આપી સરકારે સન્માન કર્યુ હતુ. આ કલાકારોએ વિધાનસભાની ગૃહની કાર્યવાહી જોઈ હતી. કલાકારોની યાદીમાં ઠાકોર સમાજના એકપણ કલાકારને આમંત્રણ નહી મળતાં વિવાદ ઊભો થયો હતો. ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી સોશિયલ મીડિયામાં સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.
શનિવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરીને વિક્રમ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર નિશાન તાક્યુ હતું. વિક્રમ ઠાકોરે કહ્યું કે, મને ના બોલાવ્યો તેનો વાંધો નથી. પણ હું જોતો આવ્યો છું કે આ લોકો ઠાકોર સમાજની અવગણના કરી રહ્યા છે. સરકારની જાણ બહાર હોય એવું પણ બની શકે છે. મીડિએટર હોય એ લોકો આવું કરતા હોય છે. ઘણા સમયથી જોઈ રહ્યો છું કે સરકારી કાર્યક્રમોમાં ઠાકોર સમાજનાં કલાકારોને બોલાવવામાં આવતા નથી.
વિધાનસભામાં કલાકારોનું સ્વાગત કર્યું ત્યારે મારા સમાજના અને ચાહકોના ફોન આવ્યા હતા કે વિક્રમ ભાઈ તમે નથી ગયા? એટલે મેં કહેલું મને આમંત્રણ નથી. તો એમણે કહ્યું પેલા પણ આવું થઈ ચૂક્યું છે તો તમે કેમ કશું બોલતા નથી. તો મને લાગ્યું કે આ મારા પૂરતી વાત નથી. આ તો મારા સમાજના કલાકારોની વાત છે એટલે કહેવું પડ્યું છે. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી તો પછી ઠાકોર સમાજને નહીં બોલાવીને નાતજાત કેમ કરાય છે.
વધુમાં તેમણે કહ્યું કે, મારી સરકારને વિનંતી કે, તમે દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવો. દરેકનું સન્માન થવું જોઈએ. તમારા મીડીયેટર પસંદ કરે એને જ તમે બોલાવો એ ના ચાલે. મને મીડિયા થકી જાણવા મળ્યું કે શંકર ચૌધરીએ બધાને બોલાવ્યા હતા. સરકારના મોટાભાગના કાર્યક્રમોમાં ઠાકોર સમાજ સિવાય અન્ય સમાજના કલાકારોને આમંત્રણ હોવાથી મારો વિરોધ છે.
તેમણે ઉમેર્યુ કે, મારો સમાજ મોટો છે એટલે સરકારી કામ નહીં મળે તો હું કે સમાજના અન્ય કલાકારો ભૂખ્યા નહીં બેસી રહે. મારો સમાજ આગળ કહેશે એ મુજબ હું કરીશ. મારો વીડિયો મૂક્યા પછી અલ્પેશ ઠાકોર સહિત સમાજના લોકોએ મારો સંપર્ક કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, તમે એક વખત ગાંધીનગર આવો આપણે મુખ્યમંત્રીને મળીએ.
રાજકારણમાં જોડાવવા અંગે પૂછેલા પ્રશ્ન અંગે તેમણે કહ્યુ કે આ ખેસ ભાજપ કે કોંગ્રેસનો નથી. 2007માં વડાપ્રધાન મોદીએ રાજકારણમાં જોડાવા પૂછ્યું હતું. એ વખતે મેં ના પાડી હતી. રાજકીય નહીં પણ મારા સમાજના કલાકારોના ન્યાય માટે કર્યું છે. મારી ફિલ્મ 'ખેડૂત એક રક્ષક'માં સરકાર ખેડૂતોને કેવા લાભ આપે છે તેવા મેસેજ પણ હતા. તેમ છતાં ફિલ્મને સરકારી એવોર્ડ મળ્યો નહોતો. તેથી સરકારમાં બેઠેલા ઠાકોર સમાજના નેતાઓએ પણ સમાજ માટે બોલવું જોઈએ. આજે હું ચીમકી આપવા નહીં પણ ઠાકોર સમાજના ન્યાય માટે આવ્યો છું.
વિક્રમ ઠાકોરને સમર્થન જાહેર કરી બનાસકાંઠાના ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતા કાંકરીયા કાર્નિવલ સહિતના કાર્યક્રમોમાં પણ ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં આવતા નથી. જ્યારે એવોર્ડ બાબતે ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરાતી હોવાથી આગામી સમયમાં ગાંધીનગરમાં કાર્યક્રમ કરીને વિક્રમ ઠાકોરને સમાજ રત્ન એવોર્ડ આપવાના છીએ.
મહેસાણાના કલાકાર સાગર પટેલનું વિક્રમ ઠાકોરને સમર્થન
વિધાનસભામાં આમંત્રણ બાબતે વિક્રમ ઠાકોર બાદ પાટીદાર સમાજના કલાકારે પણ નારાજગી દર્શાવી છે. મહેસાણાના પાટીદાર સમાજના કલાકાર સાગર પટેલે પણ રોષ વ્યક્ત કરી કહ્યુ છે કે, સરકારે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના કરી છે. સરકાર બનાવવા માટે બંને સમાજ મહત્વનો ફાળો આપે છે. સરકારે બંને સમાજના કલાકારોને આમંત્રણ ન આપી અવગણના કરી છે. વિક્રમ ઠાકોરની નારાજગી અંગેના નિવેદનને હું સમર્થન જાહેર કરૂ છું. મારા સમાજના કોઈ કલાકારને બોલાવી સન્માન કર્યું હોત તો અમને પણ ખુશી થાત. સરકાર અમારી મા-બાપ છે અમને ભૂલી ગયા છે તેનું અમને દુઃખ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.