ગુજરાતમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર છે. હેલ્થ વર્કર, સુપરવાઈઝર અને અન્ય આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ સરકાર સામે પડતર છે, જેને લઈને રાજ્યભરમાં હડતાલ ચાલી રહી છે. સરકાર હડતાલથી તંત્ર અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ શકે છે તે જોખમને ધ્યાને રાખી હવે હડતાલ ડામવા માટે ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કરી દીધો છે.
આરોગ્ય કર્મચારીઓ વિવિધ મુદ્દાઓ પર સરકાર સામે લડી રહ્યા છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ કરવી જેવી માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે. હડતાલીઓનો આક્ષેપ છે કે સરકાર વારંવાર આશ્વાસન આપે છે, પરંતુ અમલમાં કંઈ પણ લાવવામાં આવતું નથી. હડતાલના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો અને 25,000 કર્મચારીઓ એકઠા થઈ, મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે.
રાજ્ય સરકારે હડતાલ સામે કડક નિર્ણય લીધો છે. આરોગ્ય સેવાઓને ‘અતિ આવશ્યક સેવા’ જાહેર કરી, હડતાલ રોકવા માટે ‘એસ્મા’ લાગુ કરાયું છે. આ કાયદા હેઠળ સરકાર હડતાલ પર ગયેલા ફિક્સ પગાર કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવા સહિત કડક પગલાં લઈ શકે છે. આ પગલાંથી હડતાલીઓમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે.
આરોગ્ય કર્મચારીઓ સચિવાલય ખાતે એકઠા થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે. મહાસંઘના આગેવાનો દ્વારા રાજ્ય સરકારના વલણ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો છે. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટવાના હોવાથી પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. સચિવાલય અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હડતાલ અને વિરોધ પ્રદર્શનોનો આકરો સ્વરૂપ ન લે તે માટે રાજ્ય સરકાર તમામ તકેદારી રાખી રહી છે.
આરોગ્ય કર્મચારીઓએ અગાઉ પણ માગણીઓ માટે હડતાલો કરી છે. આરોગ્ય વિભાગમાં મોટાભાગના કર્મચારીઓ ફિક્સ પગાર પર છે અને તેમની નોકરી અંગે સંશય વચ્ચે તેઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે લડી રહ્યા છે. સરકાર પણ વારંવાર હડતાલના કારણે તંત્ર ખોરવાતું હોવાથી તેને રોકવા માટે કડક વલણ અપનાવી રહી છે.
આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમાધાન નહીં આવે તો હડતાલ વધુ ઉગ્ર બનાવવામાં આવશે .. સરકાર સ્પષ્ટ સંકેત આપી રહી છે કે વારંવાર હડતાલ સ્વીકાર્ય નથી અને કડક પગલાં લેવાશે. હડતાલ સામે રાજ્ય સરકારે એક તરફથી કડક વલણ ધારણ કર્યું છે તો બીજી તરફ સમાધાન માટે પણ વાત ચાલી રહી છે. હવે જોવું રહ્યું કે સરકાર અને કર્મચારીઓ વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં.