ગિરનારમાં પ્રવેશ માટે નવી ડિજિટલ વ્યવસ્થા
ગિરનાર જતાં પહેલાં હવે ફરજિયાત IN/OUT રજિસ્ટ્રેશન,આજથી QR આધારિત એન્ટ્રી સિસ્ટમ શરૂ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Girnar In Out Online Registration: જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ, પર્યટકો અને ટ્રેકિંગના શોખીનો પહોંચે છે.વધતી યાત્રાળુ સંખ્યા,સલામતીની જરૂરિયાત અને ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે હવે ગિરનાર જતાં પહેલાં IN/OUT ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.આજથી આ નવી વ્યવસ્થા અમલમાં આવતા દરેક મુલાકાતીએ ગિરનારમાં પ્રવેશ કરતા પહેલાં પોતાની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, કોઈ વ્યક્તિ ગિરનારમાં પ્રવેશ્યા બાદ બહાર નીકળ્યા છે કે નહીં તેની માહિતી રાખવાનો અને કોઈ દુર્ઘટના કે ઈમરજન્સી સર્જાય તો તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરાવી શકાશે
જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ રહેશે.આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટનામાં ગિરનાર પર્વતની 50 પગથિયા સીડી પર એક બાળકનો સિંહે શિકાર કર્યો હતો.આ ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ સફાળું જાગ્યું છે અને એક્શન મોડમાં આવી ગયું છે.
ઓળખ કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવું પડશે
આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય.જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે.આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.
QR કોડ સ્કેન કરીને કરાવવું પડશે રજિસ્ટ્રેશન
ગિરનાર પર આરોહણ શરૂ કરતા પહેલાં યાત્રાળુઓએ એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલી સ્ટેન્ડી પર દર્શાવેલા QR કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ખુલતા ઓનલાઈન પોર્ટલ પર જરૂરી વિગતો ભરીને 'IN' એન્ટ્રી નોંધાવવાની રહેશે.જે યાત્રાળુઓ સીધા વેબસાઈટ મારફતે નોંધણી કરવા માંગતા હોય તેઓ Register.bhavnathtemple.com પોર્ટલ પર જઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. નોંધણી પૂર્ણ થયા બાદ જ યાત્રા શરૂ કરવાની રહેશે.
યાત્રાળુઓને ફરજીયાત IN/OUT કરવાનું રહેશે
આ વેબસાઈટ કે ક્યુઆર કોડ મારફતે પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરીને યાત્રા શરૂ કરતી વખતે ઓનલાઈન નોંધણી કરી 'IN' (એન્ટ્રી) નોંધાવવાની રહેશે. ત્યારબાદ, જ્યારે યાત્રિક પોતાની યાત્રા અને દર્શન પૂર્ણ કરીને હેમખેમ નીચે પરત ફરે ત્યારે તેમણે ફરજિયાતપણે ફરીથી આ જ પોર્ટલ પર 'OUT' (એક્ઝિટ) એન્ટ્રી કરાવવાની રહેશે. આનાથી તંત્રને પર્વત પર હાલમાં કેટલા યાત્રિકો છે તેની ચોક્કસ સંખ્યા મળતી રહેશે.
શા માટે શરૂ કરવામાં આવી નવી સિસ્ટમ?
ગિરનારમાં વર્ષ દરમિયાન હજારો લોકો દર્શન, ટ્રેકિંગ અને પ્રકૃતિ નિહાળવા માટે આવે છે.ખાસ કરીને વરસાદી મોસમ,શિવરાત્રિ મેળો અને વીકએન્ડ દરમિયાન ભારે ભીડ રહેતી હોવાથી વહીવટી તંત્ર માટે દરેક વ્યક્તિની માહિતી રાખવી મુશ્કેલ બનતી હતી.ગિરનારમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિનો ડિજિટલ રેકોર્ડ રહેશે.કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બહાર ન આવે તો તાત્કાલિક તપાસ શરૂ કરી શકાશે.રેસ્ક્યૂ ટીમને ચોક્કસ માહિતી મળશે.ભીડનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરી શકાશે.પ્રવાસીઓની સંખ્યાનો રિયલ-ટાઈમ ડેટા ઉપલબ્ધ રહેશે.સુરક્ષા એજન્સીઓને પણ મદદ મળશે.
સ્માર્ટફોન ન હોય તો પણ ચિંતા નહીં
વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે દરેક યાત્રાળુ પાસે સ્માર્ટફોન હોવો જરૂરી નથી. જેમને ઓનલાઈન નોંધણી કરવામાં મુશ્કેલી પડે અથવા સ્માર્ટફોન ઉપલબ્ધ ન હોય, તેમના માટે સ્થળ પર જ ઓફલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સીડી સહિતના એન્ટ્રી પોઈન્ટ પર વન વિભાગ અને જિલ્લા તંત્રનો સ્ટાફ ફરજ પર રહેશે, જે યાત્રાળુઓની વિનામૂલ્યે નોંધણી કરીને તેમને યાત્રા માટે મદદ કરશે.આ વ્યવસ્થા દ્વારા ડિજિટલ પ્રક્રિયા દરેક માટે સરળ અને સુલભ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ શ્રદ્ધાળુને માત્ર ટેક્નિકલ કારણોસર મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
જિલ્લા NIC ટીમે તૈયાર કરી સિસ્ટમ
આ ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.વહીવટી તંત્રનું કહેવું છે કે ગિરનારમાં આવનારા યાત્રાળુઓની સુરક્ષા સાથે વન્યજીવોના સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે ટેક્નોલોજી આધારિત આ વ્યવસ્થા ભવિષ્યમાં વધુ અસરકારક સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ