Shocking Superstition in Gandhinagar: ગાંધીનગર નજીક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ દીકરીઓના 36 વર્ષીય પિતાએ પુત્રપ્રાપ્તિની ઈચ્છામાં ભુવાના કહેવાથી 100 રૂપિયાની ચલણી નોટ અને કેટલાક દાણા ગળી લીધા હતા. ત્યારબાદ પેટમાંથી નોટ બહાર કાઢવાની ચિંતામાં યુવકે ખેતરમાં પોતાના પેટ પર ચાકુ અથવા દાતરડા વડે ઘા કરી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની તાત્કાલિક સારવાર અને જટિલ સર્જરીથી તેનો જીવ બચાવવામાં આવ્યો.
પુત્રપ્રાપ્તિ માટે ભુવાના કહેવાથી 100ની નોટ ગળી
મળતી માહિતી મુજબ, યુવકને પુત્રપ્રાપ્તિ માટે ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાના કહેવાથી તેણે 100 રૂપિયાની નોટ અને દાણા ગળી લીધા હતા. ત્યારબાદ પેટમાં ગયેલી નોટ બહાર કાઢવાની ચિંતામાં યુવકે પોતાને ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકે ખેતરમાં પોતાના પેટ પર ધારદાર હથિયારથી ઘા કરતાં પેટની દીવાલને ગંભીર નુકસાન થયું હતું. ત્યારબાદ તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવાયો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સર્જરી
દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની સર્જરી અને એનેસ્થેસિયા ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ડો. નિયાતી લાખાણી અને ડો. હીના ગડાણીના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આશરે દોઢથી બે કલાક ચાલેલી જટિલ સર્જરી દરમિયાન પેટની ક્ષતિગ્રસ્ત દીવાલનું સમારકામ કરવામાં આવ્યું હતું. તબીબોએ પેટના અન્ય અંગોની પણ તપાસ કરી હતી. સારવાર દરમિયાન પેટમાંથી 100 રૂપિયાની ચલણી નોટ પણ બહાર કાઢવામાં આવી હતી.
ICUમાં સારવાર બાદ યુવકની સ્થિતિ સ્થિર
સર્જરી બાદ યુવકને ICUમાં રાખીને તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની સઘન સારવાર બાદ આશરે 5થી 6 દિવસમાં તેની સ્થિતિ સ્થિર થઈ હતી. ત્યારબાદ તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જટિલ ઓપરેશનમાં ડો. હિરેન પરમાર, ડો. અભિજીત યાદવ, રાહુલસિંહ રાજપૂત, ડો. પાર્થ વેકરીયા, ડો. સ્મિત પટેલ અને ડો. હર્ષિલ શાહ સહિતની તબીબી ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અંધશ્રદ્ધાએ ઊભો કર્યો જીવલેણ ખતરો
ગાંધીનગરની આ ઘટના અંધશ્રદ્ધાના ગંભીર પરિણામો સામે લાવે છે. પુત્રપ્રાપ્તિ જેવી ઈચ્છાને કારણે યુવકે ભુવાની સલાહ પર એવો ખતરનાક ઉપાય કર્યો, જેના પરિણામે તેનો જીવ જોખમમાં મુકાયો. જોકે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા અને તાત્કાલિક સર્જરીથી તેનો જીવ બચી ગયો. આ ઘટના અંધશ્રદ્ધા આધારિત ઉપાયો અંગે ફરી ગંભીર સવાલો ઊભા કરે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત સમસ્યા કે ચિંતા માટે અંધશ્રદ્ધા પર આધાર રાખવાને બદલે લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે.