અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ સાથે સંકળાયેલા મેનેજમેન્ટના વધુ પાંચ સદસ્યોની ધરપકડ કરી છે. આ હોસ્પિટલમાં 12મી નવેમ્બરે કડી તાલુકાના બોરીસણા ગામના નાગરભાઇ સેનમા અને મહેશભાઇ બારોટનું મોત થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે મોતની ઘટનાની તપાસ કરવા ગયેલી સરકારી અધિકારીઓની ટિમે એવું તારણ કાઢ્યુ કે આ ગામના જેટલી વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, તેમાંથી એક પણને એન્જીયોગ્રાફી કરવાની કે સ્ટેન્ટ મૂકવાની જરૂર જ નહતી.
ક્રાઇમ બ્રાન્ચે જે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમાં ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તમામ આરોપીઓ ખેડા સ્થિત એક ફાર્મ હાઉસમાં છુપાયા હતાં.
ઘટનાની વધુ વિગતો
ખ્યાતી હોસ્પિટલના સંચાલકોએ બોરીસણા ગામમાં નિશુલ્ક તબિબ કેમ્પ યોજનો હતો. જેમાં ગ્રામજનોએ ચકાસણી કરાવી હતી. મોટા ભાગના ગ્રામજનોને સવાલ કરવામાં આવતો હતો કે તેમના પાસે આધારકાર્ડ અને પાન કાર્ડ છે કે નહી. જે ગ્રામજનોએ નિશુલ્ક તબિબિ સેવા લિધી, તેમાંથી 19 વ્યક્તિઓને વધુ સારવાર લેવા માટે અમદાવાદ હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. આ માટે સોમવાર, તારીખ 11 નવેમ્બર હોસ્પિટલે એક બસ મૂકી હતી.
આ 19 વ્યક્તિઓમાંથી સાત ગ્રામજનોની એન્જીયોપ્લાસ્ટિ કરી, કેટલાકને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાં હતાં. તેમાંથી બે વ્યક્તિઓના મોત થતાં, ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે સમગ્રકાંડ બહાર આવ્યું રાજ્ય સરકારે તપાસના ઘોડા છોડ્યાં, રાજ્યના આરોગ્ય ખાતાના અધિકારી જાતે ફરિયાદી બની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આવી ઘટના આ હોસ્પિટલમાં પહેલી વખત નથી બની, નવેમ્બર 2020, સાણંદ તાલુકાના નિધરાડ ગામના ભીખાજી ડાભીને સતત માથાનો દુખાવો થતો, સારવાર માટે ખ્યાતી હોસ્પિટલમાં આવ્યાં, જ્યાં તેમની એન્જીયોગ્રાફી કરી નાંખી, ત્યાં ડોકટરો અટક્યા નહી, પરીવારની મંજૂરી વિના એન્જીયોપ્લાસ્ટિ કરી નાંખી, ભીખાજી બિજા દિવસે મૃત્યુ પામ્યાં.
આટલું જ નહીં, ચિરાગ રાજપુતના નિવાસ્થાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ દરોડા પાડયાં ત્યારે તેના નિવાસ્થાને થી વિદેશી દારૂની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.