મોરબીમાં મગફળીના ગોડાઉનમાં કૌભાંડની આગ?
રફાળેશ્વર GIDCમાં બંધ સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રાખી હતી

મોરબીની રફાળેશ્વર GIDCની બંધ સિરામિક ફેક્ટરીમાં આગ લાગી, હજારો મણ મગફળીનો જથ્થો ખાખ

મોરબીની રફાળેશ્વર GIDCની બંધ સિરામિક ફેક્ટરીમાં આગ લાગી, હજારો મણ મગફળીનો જથ્થો ખાખ
Scam fire breaks out in peanut godown in Morbi: મોરબીની રફાળેશ્વર GIDCમાં આવેલી બંધ સિરામિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં હજારો મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. બંધ સિરામિક ફેક્ટરીનું ગોડાઉન બનાવીને તેમાં નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની અંદાજે 1.59 લાખ બોરી રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેથી આગ લગાવી છે કે લાગી છે તે અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે.
મોરબીની રફાળેશ્વર GIDCમાં બંધ સિરામિક કારખાનાના પરિસરમાં શનિવારે(4 જુલાઈ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે, જોતજોતામાં આખાય ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું. આ અગ્નિકાંડને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંદાજે 1.59 લાખ બોરી મગફળીનો જથ્થો હોવાનો દાવો
આ ગોડાઉનમાં આશરે 1.59 લાખ બોરી જેટલો મગફળીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે હજારો મણ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની તીવ્રતાને જોતાં 7 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મેજર કોલ જાહેર કરીને મોરબી ઉપરાંત વાંકાનેર, રાજકોટ સહિતના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.
#Morbi
— Benefit News 24 (@BenefitNews24) July 4, 2026
ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગી આગ
ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં રાખેલી મગફળીમાં આગ
4 મહિના પહેલા મગફળીની ખરીદી કરી ગોડાઉનમાં રાખવામાં આવી હતી
રફાળેશ્વર GIDCમાં મેજિક સિરામિકના બંધ કારખાનાનો ગોડાઉન તરીકે કરાયો હતો ઉપયોગ
ફાયર વિભાગ દ્વારા ઘટનાને… pic.twitter.com/yPuqiG4LSt
આગ લાગવાનું કારણ અકબંધ
આગની ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સળગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કારણોસર તે હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. તંત્ર અને પોલીસ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મગફળીના ગોડાઉનમાં આગની જૂની મોડેસ ઓપરેન્ડી
ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનોમાં અગાઉ પણ આગના બનાવ બન્યા હતા. આગ લાગ્યા બાદ હજુ સુધી ચોક્કસ કારણો સુધી તપાસ પહોંચી નથી. આગ લાગે છે કે લગાવવામાં આવે છે તેની યોગ્ય તપાસ પણ થતી નથી. સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બોરીઓમાંથી માટીના ઢેફા નીકળ્યાનું કૌભાંડ પણ પકડાયું હતું. જે તે સમયે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આંદોલન ચલાવી યોગ્ય તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ જેવો ઘાટ ઘડાયો હતો. ગુજરાતની જનતાને હજુ સુધી સાચા કારણો શાસક કે વિપક્ષના નેતાઓ જણાવી શક્યા નથી.
સવા વર્ષ અગાઉ થાનના મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં FCIના ગોડાઉનમાં માર્ચ-2025માં આગ લાગતાં મગફળીની 25 હજાર બોરી બળીને ખાખ થઈ ગઈ હતી. નાફેડે ખરીદેલી મગફળી હોવાથી આગની ઘટનાથી અનેક સવાલો ઉઠ્યા હતા. આગની ઘટના અંગે ભાજપના નેતા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગંભીર આક્ષેપ કર્યા હતા. જે તે સમયે સંઘાણીએ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કરી ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.
તેમણે ગોડાઉનના માલિક, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવા માંગ પણ કરી હતી. થાનના હીટરનગર વિસ્તારમાં નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા આઠ ગોડાઉનમાંથી એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉન નાફેડ દ્વારા ભાડે રાખી તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો રાખવામાં આવી હતી.
રાજકોટના જેતપુરમાં 31.64 લાખની મગફળીની ચોરી થઈ હતી
રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેર હાઉસમાં નાફેડે ખરીદેલી 57,600 બોરી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાંથી 5 ડિસેમ્બર 2024 થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન 1,212 બોરી મગફળીના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રૂપિયા 31.64 મગફળીની ચોરી થતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ વેરહાઉસની સિક્યોરિટીનો કોન્ટ્રાકટ અમદાવાદની શ્રીરામ એન્ટપ્રાઈઝ નામની એજન્સીને સોંપવામાં આવ્યો હતો. આ મામલે જે તે સમયના કૃષિમંત્રી રાઘવજી પટેલે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી તેમ કહીને એજન્સી અને નાફેડ ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. અન્ય એક કિસ્સામાં તળાજાના મહુવામાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરોએ મગફળીના 236 કટ્ટાની ચોરી કર્યાની ઘટના બની હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ