રાજ્યમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. આજે રાજ્યભરના વિવિધ શહેરોમાં અને જિલ્લામથકોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કરવાની સાથે ટ્રાફિક જામ પણ કર્યો હતો. ઘણા સ્થળે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ છે.
રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, સુરત, રાજકોટ અને વડોદરા સહિત તમામ સ્થળો પર આજે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એબીવીપીના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં મેનેજમેન્ટ ક્વોટા પરની બેઠકોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ સરકારી બેઠકો પર પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની જેમ સ્કોલરશિપ મળતી હતી પરંતુ વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્કોલરશિપ મળશે તેવી અપેક્ષા રાખીને મેનેજમેન્ટ ક્વોટામાં અનુસૂચિત જનજાતિના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને હવે તેમને સ્કોલરશિપ નહીં આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે આવી બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે.સ્કોલરશિપ નહીં મળે તો તેઓ આગળ અભ્યાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આમ સરકાર 2024-25 વર્ષ માટે સ્કોલરશિપ નહીં આપવાના નિર્ણયને પાછો ખેંચે.
એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું કે રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજોમાં ચાલુ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં અધ્યાપકો નહીં હોવાના કારણે આ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. ગત વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશની સમસ્યા ઉભી થઈ હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પણ એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો વિરોધ કર્યો હતો તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
Benefit News Desk