બનાસકાંઠા જિલ્લામાં બટાટાની ખેતી કરનાર ખેડૂતો શા માટે રોષે ભરાયા?
કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો માટે 50 ટકા જગ્યા અનામત રાખવા સાંસદની માંગ

ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોને નુકસાન રોકવા રજૂઆત કરી

ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોને નુકસાન રોકવા રજૂઆત કરી
સુરેશ વણોલ, અમદાવાદ
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વાતાવરણ સારૂ રહેતાં બટાટાનું મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો ખુશ થયા છે. જો કે, કોલ્ડ સ્ટોરેજમાં બટાટા માટે જગ્યા નહી મળતાં ખેડૂતોની ખુશી ચિંતામાં ફેરવાઈ છે. બટાટા વેપારીઓ ખરીદવા તૈયાર નથી અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નહી મળતાં ખેડૂતો રોષે ભરાયા છે. તેવામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કૃષિ મંત્રીને પત્ર લખી કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો માટે 50 ટકા જગ્યા અનામત રાખવા તેમજ ખેડૂતોનું નુકસાન રોકવા યોગ્ય પગલાં લેવાની માગ કરી છે.
બનાસકાંઠામાં છેલ્લા ચાર વર્ષથી બટાકાના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો નુકશાન વેઠી રહ્યા છે તેવામાં આ વર્ષે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન થાય તેમ છે. હાલમાં ખેડૂતોના બટાટા વેપારીઓ ખરીદ કરવા તૈયાર નથી. તેથી ખેડૂતોને પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવો છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નહીં હોવાથી ઘણી મહેનતથી પકવેલા બટાટા સાચવી રાખવા મુદ્દે ખેડૂતો વિમાસણમાં મૂકાયા છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ગેનીબેને જણાવ્યુ છે કે, ખાનગી કંપનીઓ કોલ્ડ સ્ટોરેજમાં એડવાન્સ બુકીંગ કરાવી પોતાના બટાટા ભરવાની શરૂઆત કરી છે. તેના કારણે ખાનગી કોલ્ડ સ્ટોરેજવાળા વેપારીઓ નાના ખેડૂતોના બટાટા ભરતાં નથી. કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નહી મળવાના કારણે બટાટા બગડી જવાની શક્યતાએ સસ્તામાં વેચી દેવાના અને ફેંકી દેવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. તેથી સરકાર દ્વારા પોલીસી બનાવી કોલ્ડ સ્ટોરેજમાં 50 ટકા જગ્યા અનામત રાખવા તેમજ પોષણક્ષણ ભાવ મળે તે માટે કાર્યવાહી કરવા માંગ કરી છે.
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, સરકાર દ્વારા ગત વર્ષે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સબસીડી આપવામાં આવી હતી. પરંતુ નાના ખેડૂતો બહાર માલ મોકલી શકતા નથી. જેથી ખેડૂતોને કોઈ જ ફાયદો થતો નથી. આથી બટાકા પકવતા ખેડૂતોને બેંક ખાતામાં જ સબસીડી અથવા સહાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
શું છે બટાટાના પોષણક્ષમ ભાવ અને કોલ્ડ સ્ટોરેજનો મામલો?
હાલમાં માંગ કરતાં વધુ બટાટા માર્કેટમાં આવતા હોવાથી ખેડૂતોને બટાટા સસ્તા ભાવે વેચવા પડે છે. તેના કારણે સામાન્ય લોકોનાં ઘર સુધી સસ્તા ભાવે બટાટા પહોંચી રહ્યાં છે. પરંતુ એકાદ મહિના બાદ ખેડૂતોના ખેતરમાંથી બટાટા ખાલી થઈને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થઈ જશે. કોલ્ડ સ્ટોરેજમાંથી આવતા બટાટા વધુ ભાવે વેચાશે અને લોકોને વધુ ભાવ ચૂકવવા પડશે. જેનો ફાયદો ખેડૂતોને ઓછો અને વેપારીઓને વધુ થશે.
આ વર્ષે બટાટાનું 10 ટકા વધુ વાવેતર અને ઉત્પાદન થયું છે. જેના લીધે બજારમાં બટાટાની આવક વધારે જોવા મળી રહી છે. ખેડૂતોએ પોતાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની શરૂઆત કરી છે. પરંતુ મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ ગયા છે. તેના કારણે ખેડૂતોના બટાટા ખેતરમાં પડી રહ્યા છે.
વેપારીઓ ખેતરમાંથી ખરીદ કરતાં હતા તે સમયે 20 કિલોએ 180 રૂપિયા ખેડૂતોને ચૂકવતા હતા. કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ ગયા બાદ ભાવ ઘટીને 120 થી 125 થઈ ગયો છે. બટાટાનું બિયારણ, ખાતર અને મજૂરી મોંઘી થવાથી 20 કિલોએ 130 થી 150 રૂપિયા પડતર કિંમત થાય છે. એટલે ખેડૂતોને ફાયદો થવાના બદલે પ્રતિ મણે 25 થી 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યુ છે.
ગુજરાત કરતાં ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં બટાટાનું વાવેતર થાય છે. બંને રાજ્યોમાં આ વર્ષે બટાટાનું વધારે ઉત્પાદન થયું છે. અન્ય રાજ્યોના વેપારીઓ ડીસાના મોંઘા બટાટા ખરીદવાના બદલે ઓછા ભાવે અન્ય રાજ્યોમાંથી ખરીદી કરી કરતાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યાં છે. કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી સામે બટાટાનું ઉત્પાદન પણ વધ્યું છે. ઉત્તરપ્રદેશમાં 50 કિલોના અંદાજે 30 કરોડ કટ્ટા અને બંગાળમાં 20 થી 22 કરોડ, જ્યારે ડીસામાં 5 થી 7 કરોડ કટ્ટાનું ઉત્પાદન થાય છે.
ખાનગી કંપનીઓએ વાવેતર વધારે કરી અગાઉથી કોલ્ડ સ્ટોરેજ બુક કરાવી દીધા છે. બનાસકાંઠામાં ચાલુ વર્ષે નવાં 16 કોલ્ડ સ્ટોરેજ બન્યાં છે. જેમાંથી 15 કોલ્ડ સ્ટોરેજ ખાનગી કંપનીઓએ શુગર ફ્રી બટાટા સ્ટોરેજ કરવા બુક કરાવી લીધાં છે. તેના કારણે સામાન્ય ખેડૂતો બટાટાનું સ્ટોરેજ કરાવી શકતાં નથી.
એક ખેડૂતે જણાવ્યુ કે, અમારે બટાટાનું સારૂ ઉત્પાદન થયુ હતું. જો કે વ્યવસ્થાના અભાવે કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ જતાં ખેતરમાં પુષ્કળ માલ પડી રહ્યો છે. પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી બટાટા ખેતરમાં મૂકી રાખવા સિવાય ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી. બટાટા પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટરે અંદાજે 80 હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ આવક વધારે હોવાથી વેપારીઓ ખેડૂતો પાસેથી મફતના ભાવમાં બટાટા માગી રહ્યા છે.
કોલ્ડ સ્ટોરેજના અભાવે હજારો ખેડૂતોનો કરોડો રૂપિયાનો માલ ખેતરમાં પડી રહ્યો છે. બટાટા ખુલ્લામાં પાંચ દિવસ ગરમીમાં પડી રહે તો બગડી જાય છે. પાંચ દિવસમાં કરોડો રૂપિયાનો માલ ખરાબ થઈ જાય તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે તેમ છે. 4 થી 5 દિવસ સુધી ખેતરમાં બટાટા ખુલ્લામાં પડ્યા રહેશે તો ખેડૂતોની મહેનત એળે જાય તેમ છે. તેથી સરકારે ખેડૂતોને નુકસાનમાંથી ઉગારવા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.