અસલી પોલીસ સામે નકલી IPSની દાદાગીરી!
કાલુપુર સ્ટેશને કોન્સ્ટેબલને ધમકાવનાર નકલી IPS અધિકારીની પ્રહલાદનગરમાંથી ધરપકડ!

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Fake IPS Officer Arrested અમદાવાદ શહેરમાં આવેલા વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અસલી પોલીસ કર્મચારીઓ પર રોફ જમાવી રહેલા એક નકલી IPS અધિકારીની પોલીસે ધરપકડ કરી લીધી છે. અમદાવાદ રેલવે સ્ટેશન બહાર તેજસ એક્સપ્રેસના આગમન સમયે અને ચાલી રહેલા વિકાસ કાર્યોના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન ત્યાં ફરજ પર તૈનાત સાબરકાંઠાના વતની અને રેલવે પોલીસ કોન્સ્ટેબલ અજય દેસાઈ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા એક શખ્સે ટ્રાફિક જામ અંગે પૂછપરછ કરી હતી. કોન્સ્ટેબલે તેને ટ્રાફિકનું યોગ્ય કારણ આપવા છતાં તે શખ્સ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને સરાજાહેર દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. તેણે કોન્સ્ટેબલને ધક્કો મારી દીધો હતો અને પોતાની નકલી ઓળખ આપી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
'મને સેલ્યુટ કેમ ન મારી?'
આ ઘટના દરમિયાન આરોપીએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ઓન-ડ્યુટી પોલીસ કર્મચારીઓ સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આરોપીએ કોન્સ્ટેબલને પકડીને ધમકાવતા કહ્યું કે, "મને સેલ્યુટ કેમ નથી માર્યો? હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ઉતરાવી દઈશ." મામલો વધતા અન્ય પોલીસકર્મીઓ પણ દોડી આવ્યા હતા, પરંતુ આરોપીએ ગાળાગાળી ચાલુ રાખી હતી અને પોલીસ કર્મચારીઓના શર્ટ તથા યુનિફોર્મ પકડીને ખેંચતાણ કરી હતી. એટલું જ નહીં, તેણે પોતાના સ્માર્ટફોનમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથેનો ફોટોગ્રાફ બતાવીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો કે તે પળવારમાં આખા સ્ટાફને લાઈનહાજર કરાવી દેશે. તેણે ધમકી આપી હતી કે તે ડીજી સાહેબને કહીને માત્ર 2 મિનિટમાં તેનું ઘણું દૂર ટ્રાન્સફર કરાવી દેશે. ત્યારબાદ તેણે મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી ગણતરીના કલાકોમાં જેલભેગો
આ ગંભીર ઘટના સંદર્ભે ભોગ બનનાર કોન્સ્ટેબલ અજય દેસાઈએ કાલુપુર રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં અમદાવાદ રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે રેલવે સ્ટેશનના તમામ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસની મદદ મેળવીને આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. સંયુક્ત ટીમે 23 જૂનના રોજ ત્વરિત કાર્યવાહી કરીને પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય જોન પ્લાન તોપીલ ઉમ્મન ડેનિયલ ઉર્ફે જોન ડેનિયલની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી હતી. કાયદાના રક્ષકો પર જ ખોટો પાવર બતાવનારા આ શખ્સને પોલીસે કાયદેસરની વિધિ કરીને લોકઅપ ભેગો કરી દીધો છે.
ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો દાખલ
રેલવે પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવા, ફરજમાં અવરોધ ઊભો કરવા, અપશબ્દો બોલવા અને ખોટી ઓળખ આપી ધમકી આપવા બદલ આરોપી જોન ડેનિયલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની કલમ 132, 204, 296 અને 351(2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અગાઉ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એટલે કે SPC કાર્યક્રમ સાથે સંકળાયેલો હતો અને તે દરમિયાન કેટલાક ઉચ્ચ IPS અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો. આ જ સંપર્કોનો ઉપયોગ કરીને તેને સામાન્ય લોકો અને પોલીસ પર ખોટો રોફ જમાવવાની ટેવ પડી ગઈ હતી. હાલ પોલીસ આરોપીના મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે કે તેણે અગાઉ ક્યાં-ક્યાં આ રીતે નકલી અધિકારી બનીને લોકોને છેતર્યા છે કે નાણાં પડાવ્યા છે. રેલવે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ આવા મોટા દાવા કરે તો તેની સત્તાવાર ઓળખપત્રની ખાતરી ચોક્કસ કરવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?