અમદાવાદમાંથી પકડાયો નકલી જેલર
આરોપીના પરિવારને જેલમાં વિશેષ સુવિધાઓ આપવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા

નકલી જેલર

નકલી જેલર
અમદાવાદ ઝોન 2 LCBની ટીમે સુરતમાં થયેલા એક મોટા ઠગાઈ કેસમાં ઈસનપુરના રહેવાસી 49 વર્ષીય રાજેશ ત્રિવેદીની ધરપકડ કરી છે. આ ઠગે સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેઈલિંગના ગુનામાં પકડાયેલા એક આરોપીના પરિવારને પોતાને લાજપોર જેલનો નકલી જેલર ગણાવીને વિશ્વાસમાં લીધો હતો. આ નકલી જેલર સમાચાર ચેનલો પર પ્રસારિત થતા ક્રાઈમને લગતા કાર્યક્રમો જોઈને ગુનાઓની વિગતો મેળવતો હતો. ત્યારબાદ, તે જસ્ટ ડાયલ દ્વારા પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોતાને વકીલ તરીકે ઓળખાવી આરોપીની માહિતી કઢાવી લેતો હતો.
ઓનલાઈન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા
સંપૂર્ણ માહિતી મળ્યા બાદ, તે આરોપીના સગા-સંબંધીઓ કે પરિવારના સભ્યોને ફોન કરતો અને તેમને ધમકી આપીને તેમજ જેલમાં ટિફિન, વિસ્તાર સાહિત્ય, અને અન્ય વિશેષ સુવિધાઓ આપવાનું કહીને ઓનલાઈન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. જો કોઈ પૈસા આપવાની ના પાડે તો તે જેલમાં માર મારવાની ધમકી આપીને નાણાં પડાવતો હતો. આ નકલી જેલર માત્ર કીપેડ મોબાઈલનો જ ઉપયોગ કરીને જ ફોન કરતો હતો, જેથી તે પોલીસની પકડમાંથી બચી શકે.
આ પણ વાંચો: અમદાવાદ: નકલી ઓફિસરે પડાવ્યા અસલી પૈસા
લાજપોર જેલના જેલર તરીકેને ખોટી ઓળખ
DCP ભરત રાઠોડે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં એક અજાણ્યા શખ્સે અડાજણ પોલીસ સ્ટેશનના બ્લેકમેઈલિંગના ગુનામાં પકડાયેલા આરોપીની પત્નીને ફોન કર્યો હતો. આ શખ્સે પોતે લાજપોર જેલનો નકલી જેલર હોવાની ખોટી ઓળખ આપી હતી અને ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. વાયરલ થયેલા ઓડિયો અનુસાર, આ ઠગે ભોગ બનનાર મહિલા પાસેથી આરોપીને 90 દિવસ સુધી જેલમાં વિશેષ સુવિધાઓ પૂરી પાડવા માટે 15,000ની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના આધારે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને નકલી જેલર રાજેશ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે.
કીપેડ મોબાઈલ અને બેંક પાસબુક સાથે ઝડપાયો
ચોક્કસ બાતમી મળી હતી કે, પોલીસ અને નકલી જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આ ઠગ વ્યક્તિએ સુરતના બ્લેકમેલિંગ કેસના આરોપીના પરિવાર સાથે છેતરપિંડી કરી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઈસનપુરની આનંદ સોસાયટી વિભાગ 1માં રહેતા રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા અલગ-અલગ 6 જેટલા કીપેડ મોબાઈલ ફોન, બેંકની પાસબુક અને 2 ATM કાર્ડ પણ કબજે કર્યા છે. આરોપી રાજેશ ત્રિવેદી અગાઉ પણ રામોલ, બાપુનગર, ગાંધીનગર, અમરેલી અને કાલુપુર જેવા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને પૈસા પડાવવાના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે હાલમાં નકલી જેલર રાજેશ ત્રિવેદીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?