અમદાવાદ: નકલી ઓફિસરે પડાવ્યા અસલી પૈસા
ફિલ્મી સ્ટાઈલમાં છેતરપિંડી કરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો

મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી

મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કરીને ઝારખંડ સ્થિત એક ઠગની ધરપકડ કરી છે, જેણે આખા ભારતમાં સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારોને નિશાન બનાવીને ઈન્કમ ટેક્સ (આવકવેરા) અધિકારી તરીકે ઓળખ આપીને એક મોટો ચૂનો લગાવ્યો હતો. 36 વર્ષીય અમન વર્માએ નકલી સરકારી ભરતી પ્રક્રિયાનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં સત્તાવાર લાગતા ઈમેઈલ, ઇન્ટરવ્યૂ અને તાલીમ સત્રો પણ સામેલ હતા અને નિરાશ ઉમેદવારો પાસેથી પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે વધુ વિગતે જાણીયે આ અહેવાલમાં.....
આરોપી વિષે....
36 વર્ષીય અમન નરેન્દ્રનાથ વર્મા મૂળ ભૂઈફોર ધનબાધ ઝારખંડનો રહેવાસી છે અને માત્ર 12 પાસ છે. સાથે જ ખાનગી કોમ્યુટર એન્જિનરીંગનો કોર્સ કર્યો છે અને 7 વર્ષ સુધી બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરી ચૂક્યો છે.
કૌભાંડની રીત...
અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી નોકરીની તૈયારી કરી રહેલી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જે એક વચેટિયા દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી. અમન વર્માએ પોતાનો પરિચય ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે આપ્યો અને તેને આવકવેરા વિભાગમાં નોકરીની ઓફર કરી. આવકવેરા વિભાગના ડોમેઈન જેવું જ દેખાતું એક નકલી ઈમેઈલ આઈડી વાપરીને સત્તાવાર લાગતા ઈમેઈલ મોકલ્યા હતા અને બાદમાં તેને બેંગલુરુ અને કોલકાતામાં “ઈન્ટરવ્યૂ” અને “તાલીમ સત્રો” માટે બોલાવી હતી. આ કૌભાંડને વિશ્વાસપાત્ર બનાવવા માટે, આરોપીએ ડુપ્લિકેટ સરકારી લેટરહેડ અને નકલી નિમણૂક પત્રોનો ઉપયોગ કર્યો હતો, જેમાં “Office of the Principal Chief Commissioner of Income Tax, Karnataka & Goa, Bengaluru”ના નામે એક પત્ર પણ હતો, જેના પર ડેપ્યુટી કમિશનરની બનાવટી સહી હતી. આરોપીએ સરકારની એજન્સીઓને હળતા મળતા ઈમેઈલ આઈડી બનાવ્યા હતા. જેમાં myhrmssbi.info, incometaxemployeecornerhrms.info, pwdmaha.info, indiapostgov.org, upstoxpro.info, dhnrailnetgov.info, incometaxgov.info, railnetgov.org, indiapostgov.online, maha-arogya.info, rdd-mahgov.info, incometaxhrms.in, railnetgov.com, incometaxgovinfo.inmyhrmssbi.info આવા તમામ ઇમેઇલથી ભારતના અલગ અલગ રાજ્યના નોકરી ઇચ્છુકોને ઈમેઈલ કરાતો હતો.
₹9.20 લાખની છેતરપિંડી અને નેટવર્કનો ખુલાસો...
પીડિતા પાસેથી 'પ્રોસેસિંગ ફી' અને 'તાલીમ શુલ્ક' ના બહાને ઓનલાઈન માધ્યમથી કુલ ₹9.20 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જ્યારે આ ઠગ ટોળકીએ સંપર્ક કરવાનું બંધ કરી દીધું, ત્યારે જ પીડિતાને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ACP હાર્દિક મકડીયાના જણાવ્યા મુજબ આરોપી 'વેન્ડર્સ' (એજન્ટો)ની મદદથી આ ઓપરેશન ચલાવી રહ્યો હતો, જેઓ નોકરી વાંચ્છુકોને શોધીને તેમનો સંપર્ક કરતા હતા. આ એજન્ટો જાણીતી હોટેલોમાં નકલી ઇન્ટરવ્યૂ અને તાલીમનું આયોજન કરતા હતા, જેમાં ઘણીવાર 20-23 ઉમેદવારોને એકસાથે બોલાવવામાં આવતા, જેથી આ કૌભાંડ સાચું લાગે. વધુ તપાસમાં ખબર પડી કે 40થી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે, અને આરોપીઓના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 101 ફરિયાદો મળી આવી છે. અમન સામાન્ય રીતે પડાવેલા પૈસામાંથી 20-30% પોતાના સાથીદારો સાથે વહેંચતો હતો.
ભૂતકાળમાં પણ કરી હતી આવી જ છેતરપિંડી...
આરોપી અમન વર્મા, જેણે માત્ર 12મું ધોરણ પાસ કર્યું છે અને કમ્પ્યુટર એકાઉન્ટિંગની તાલીમ લીધી છે, તેની વર્ષ 2023માં CBI દ્વારા પણ આ જ પ્રકારના કૌભાંડ બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેણે FCI, રેલ્વે, GST અને આવકવેરા જેવા વિભાગોમાં નકલી ભરતી કરી હતી. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી તેની ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી દ્વારા જણાવેલ માહિતી અને નાણાંકીય લેતીદેતી આધારે ટેક્નિકલ એનાલીસીસ કરી આંતરરાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ શાખામાં નોકરી આપવાના છેતરપિંડીના કેસમાં નકલી ઈન્કમટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ વર્માની ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમન વર્માને આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે અને તેના નેટવર્કને શોધી કાઢવા અને છેતરપિંડી કરેલા નાણાં પાછા મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!